True Story: આતંકના અંતનો આખરી નિર્ણય: ‘લૂંગી આવી ગયો છે’ એવા એક ફોને ATSનાં અધિકારીઓને દોડતા કરી દીધા

True Story: વર્ષ 2018માં એક દિવસ ધોરાજી તાલુકાના ભાડેર ગામે જમીન વિવાદમાં પંદર દિવસમાં બે હત્યા(Murder)થી સનસનાટી મચી ગઇ. વંથલી તાલુકાના રવની ગામના મુસા ઇબ્રાહીમની જમીન પ્રકરણમાં હત્યા થઇ હતી.

  • Updated On - 12:26 pm, Wed, 16 June 21 Edited By: Pinak Shukla
True Story: આતંકના અંતનો આખરી નિર્ણય: ‘લૂંગી આવી ગયો છે’ એવા એક ફોને ATSનાં અધિકારીઓને દોડતા કરી દીધા
True Story: Final decision to end terror: A phone call saying 'Lungi has arrived' made ATS officers run

પાર્ટ -૨ (સત્ય ઘટના)

True Story: વર્ષ 2018માં એક દિવસ ધોરાજી તાલુકાના ભાડેર ગામે જમીન વિવાદમાં પંદર દિવસમાં બે હત્યા(Murder)થી સનસનાટી મચી ગઇ. વંથલી તાલુકાના રવની ગામના મુસા ઇબ્રાહીમની જમીન પ્રકરણમાં હત્યા થઇ હતી. મુસા ઇબ્રાહીમની હત્યાનો બદલો લેવા ભાડેરના જીવણભાઇ સાંગાણી નામના ૫૦ વર્ષના ખેડૂતનું અપહરણ (Abduction) કરી જુસબ અલ્લારખા(Jusab Allarakha) અને તેની ગેંગે હત્યા કરી નાંખી.

જીવણભાઇની હત્યા ગોળી મારીને કરાઇ હતી. આ હત્યાથી સમગ્ર ધોરાજી પંથકમાં તંગદિલી ફેલાઇ અને મૃતક જીવણભાઇના પરિવારે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હોવા છતાં રક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી હત્યા થયાના આક્ષેપ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માગ કરી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા અંતરીપ સૂદ હતા.

તેમણે પાટણવાવના પી.એસ.આઇ. ગોહિલની તાત્કાલીક બદલી કરી તપાસ ધોરાજી સીપીઆઇ રાવતને સોપી દીધી. ભાડેરમાં જમીન વિવાદના કારણે પંદર દિવસમાં થયેલી બે હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડતા આરોપીઓને ઝડપી લેવા રાજકોટ રૂરલ અને જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, પ્રજામાં ભારોભાર રોષ હતો. રાજકોટવાસીઓએ તેમના સ્થાનિક આગેવાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીને મળીને રજૂઆત કરી.

વિજયભાઇએ પણ રાજકોટ જિલ્લામાં થયેલી બે હત્યા અંગે ગંભીરતાથી નોંધ લીધી અને તત્કાલીન રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને જાણ કરી ‘જુસબને જેર’ કરવા સૂચના આપી. મુખ્યમંત્રીની ગંભીરતાને કળી ગયેલા રાજ્ય પોલીસ વડાએ સ્થાનિક પોલીસ કે રેન્જ આઈ.જીને જાણ કરવાની જગ્યાએ એક પત્ર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(ATS)ના ડીઆઈજી હિમાંશુ શુક્લાના નામે લખ્યો. આ પત્ર પોલીસકર્મીના હાથે તાત્કાલીક એટીએસ કચેરી પહોંચાડવા એક પોલીસ કોન્સ્ટેબલને રવાના કરાયો હતો.

હિમાંશુ શુક્લા છારોડી સ્થિત એટીએસ કચેરીમાં તેમની ચેમ્બરમાં બેઠા હતા ત્યાં તેમની ચેમ્બરના લાકડાના દરવાજા પર ટકોર થઇ. ટકોર સાંભળતા જ હિમાંશુ શુક્લાએ દરવાજા તરફ માથું ઊંચક્યું અને એક કોન્સ્ટેબલ સાદા કપડામાં પ્રવેશ્યો. તેણે બન્ને હાથની મુઠ્ઠીવાળી હાથ પાછળ ખેંચતા પગપછાડી સલામ કરી. (જ્યારે પોલીસકર્મીએ કેપ (CAP) ન પહેરી હોય ત્યારે તે પોતાના ઉપરી અધિકારીને હાથની બે મુઠ્ઠી વાળી બન્ને હાથ સીધા રાખી પાછળ ખેંચતા અને છાતી ફુલાવી સેલ્યુટ કરતા હોય છે) હિમાંશુ શુક્લા કાંઇ બોલે તે પહેલાં જ કોન્સ્ટેબલે એક બંધ કવર તેમના ટેબલ પર મૂક્યું અને પરત તે જ ઢબે સલામ કરતા પાછો ફર્યો.

હિમાંશુ શુક્લાએ કવર ખોલ્યું તો અંદરથી ડીજીપીએ લખેલો પત્ર નીકળ્યો. જેમાં ભાડેરમાં થયેલી હત્યા કેસમાં જુસબ અલ્લારખાની ધરપકડ કરવા સૂચના આપવામાં આવી હતી. ક્ષણભર માટે તો હત્યા કેસમાં આરોપીને પકડવાની જવાબદારી એટીએસને કેમ સોંપાય છે? એવા અનેક સવાલ હિમાંશુ શુક્લાના મનમાં ફરી વળ્યાં. કારણ એટીએસ પાસે ગુજરાતને આતંકવાદથી મુક્ત રાખવાની વિશેષ જવાબદારીનું કામ હોય છે.

ઉપરાંત, હત્યા જેવા ગુનામાં સ્થાનિક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ જેવી અલાયદી પોલીસ એજન્સીઓ પણ કામ કરતી હોય છે. પરંતુ, પત્ર ખુદ રાજ્ય પોલીસ વડાએ લખ્યો છે તો નક્કી કોઇ ગંભીર બાબત હશે તેમ માની લીધુ. પત્રમાં જુસબ મુદ્દે તેમને (ડીજીપીને) રૂબરૂ મળવા માટે પણ સૂચના અપાઇ હતી. બીજા જ દિવસે હિમાંશુ શુક્લા ડીજીપી શિવાનંદ ઝાને મળ્યા અને જાણવા મળ્યું કે, મુખ્યમંત્રી જુસબને લઇને ગંભીર છે અને તેના આતંકને નેસ્તનાબૂદ કરવા હુકમ કર્યો છે.

હિમાંશુ શુક્લા વાતની ગંભીરતા સમજી ગયા. તે ઓફિસ પરત આવતા હતા ત્યારે જ રસ્તામાં નક્કી કરી લીધુ હતુ કે, આ ઓપરેશનની જવાબદારી એટીએસ પી.આઈ જીગ્નેશ અગ્રાવતને આપવી. કારણ પી.આઈ અગ્રાવત એટીએસ આવ્યાં તે પહેલા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હતા. તેમના સૌરાષ્ટ્રના સ્થાનિક નેટવર્કથી ડીઆઈજી હિમાંશુ શુક્લા વાકેફ હતા. હિમાંશુ શુક્લાને નજીકથી ઓળખનારા લોકો માને છે કે, તેમનામાં કામ લેવાની ગજબની આવડત છે.

એટલું જ નહીં, કયું કામ કોને સોંપવું અને કોણ કામને સફળતાથી પાર પાડી શકશે તેવી તેમની અદ્ભુત આકલન શક્તિ છે. બીજી તરફ અગ્રાવતને એટીએસમાં આવ્યાંને થોડો જ સમય થયો હતો. જો મહત્વની જવાબદારી તેમને સોંપાય તો પોતાની પૂરી તાકાતથી નિભાવી જશે તેવા વિચારે જુસબના ઓપરેશનની જવાબદારી પી.આઈ અગ્રાવતને સોંપાઇ.
પી.આઈ. જીગ્નેશ અગ્રાવતે જુસબની શોધ શરૂ કરી તેના થોડા દિવસ પહેલાં જ નવી ક્રેટા કાર લીધી હતી.

આ કાર માંડ ૫૦૦ કિલોમીટર પણ ફરી નહોતી. સતત ૧૧ મહિના સુધી અગ્રાવત લગભગ દર સપ્તાહે પોતાની ક્રેટા કાર લઇને એકલા ગીરના જંગલમાં જુસબની શોધ માટે જતા. બાતમીદારોને મળતા અને અલગ અલગ નેસમાં રોકાતા. સતત ૧૧ મહિનામાં તેમની કાર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ફરીને ૧૧ હજાર કિલોમીટરે આંબી ગઇ હતી.

પી.આઈ અગ્રાવતને જ્યારે બોટાદના જંગલમાં જુસબની અવર-જવરની બાતમી મળી ત્યારે તે દસ-દસ દિવસ સુધી જંગલમાં માલધારી કે ખેડૂત બનીને કોઇના ખેતરની ઓરડીઓમાં રોકાતા અને બાતમી મેળવતા. તેમની મહિનાઓની મહેનત રંગ લાવી અને અને તેમને જુસબની માહિતી મળી કે, ડૂંગરાળ વિસ્તારની એક વાડીમાં તે લગભગ અવર જવર કરે છે અને આવવા જવા માટે ઘોડો રાખે છે.

અગ્રાવતે આ વાડી શોધી લીધી. હવે રેકી કરવા માટે તેમણે નજીકની એક વાડીમાં રહેતા ખેડૂતના ઘરે ગયા અને પોતાની ઓળખ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે આપી. સરકારી કામથી આવ્યો હોવાનું કહી તે ખેડૂતની વાડીમાં રોકાયા. તેમની પાસે સામાનમાં એક પ્લાસ્ટિકની બેગ માત્ર હતી. ખેડૂતને મન તેમાં ‘માસ્તર’નો સામાન હતો પરંતુ હકીકતમાં તેમાં એક રિવોલ્વર અને બાયનોક્યૂલર હતા.

જેનાથી સતત જુસબના ડંગા પર વોચ રખાતી હતી. ખેડૂતોએ શિક્ષક બનીને આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરી અને તેમના ગંદા થઇ ગયેલા કપડાં જોઇ પોતાના દીકરાના કપડાં પહેરવા આપી દીધા હતા. પણ છુપા વેશમાં એક પોલીસ અધિકારી સતત પોતાના કામમાં અડગ હતા. તે વાડીમાં રાતોની રાતો જાગતા રહેતા અને સામેના ડંગા (વાડીમાં બનેલી એક નાની ઓરડી) પર નજર રાખતા.

પી.આઈ અગ્રાવતની સાથે સાથે ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને પી.આઈ આર.આઇ જાડેજા પણ તપાસમાં જોડાયા હતાં. પહેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું ત્યારે જુસબ ભાગીને ધ્રાંગધ્રા પાસે ગેડિયા ગામ નજીક રોકાયો હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ જાડેજાને મળી હતી. પી.આઈ જાડેજાએ ગેડિયા ગામ નજીક પોતાના બાતમીદારોનું નેટવર્ક ઉભુ કર્યું ત્યારે જાણવા મળ્યુ કે, અકબર ડફેર જુસબની મદદ કરી રહ્યો છે.

પોલીસે અકબર ડફેર પર વોચ રાખવાની શરૂ કરી. ઉપરાંત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ગોઠવ્યું. તેમાં નવો ઘટસ્ફોટ એ થયો કે, એક મહિલા સાથે જુસબને નજીકના સંબંધ છે. તે પણ મહિલા પણ ડફેરો સાથે જોડાયેલી છે. પોલીસે હવે જુસબ માટે આ ‘નબળી કડી’ની તપાસ શરૂ કરી. પી.આઈ જાડેજાને માહિતી મળી હતી કે, ઘણીવાર રાતે જુસબ આ મહિલાને મળવા આવે છે. જોગાનુંજોગ કહીએ તો ચાર દાયકા પહેલાં પકડાયેલો ડાકુ હમાલ હસન પણ એક મહિલાના કારણે જ પોલીસ રડારમાં આવ્યો હતો.

બીજી તરફ પી.આઈ અગ્રાવતે પણ તેમનું સ્થાનિક નેટવર્ક ગોઠવી રાખ્યુ હતુ. ક્યાંક પોલીસ અધિકારી તરીકે બાતમીદારોને સક્રિય કર્યા હતા તો ક્યાંક શિક્ષક તરીકે ઓળખ આપી બનાવેલા સંબંધોથી જુસબની રહેવાની જગ્યાઓના સરનામાં મેળવી લીધા હતા. બીજી તરફ જુસબ એટલો ચબરાક હતો કે, તે પકડાઇ જવાના ડરે મોબાઇલ ફોન પણ રાખતો નહીં જેથી પોલીસ ટેક્નિકલ સર્વેલન્સમાં તો સફળ થાય તેવી કોઇ શક્યતા જ નહોતી.

એટીએસની આબરૂ અને પોલીસવડાથી માંડીને મુખ્યપ્રધાને મૂકેલા વિશ્વાસનો દારોમદાર હવે માત્ર પી.આઈ અગ્રાવત પર હોવાનું તે ખુદ અનુભવી રહ્યાં હતા. બીજી તરફ હિમાંશુ શુક્લાથી માંડીને ડીવાય એસ.પી કે.કે પટેલ અને ભાવેશ રોજીયાને પણ અગ્રાવતની મહેનત પર વિશ્વાસ આવી ગયો હતો. તે પી.આઈ અગ્રાવતને જ્યાં જોઇએ અને જેવી જોઇએ તેવી મદદ કરતા હતા.

પી.આઈ આર.આઈ જાડેજા અને અગ્રાવતના નેટવર્કથી જ જુસબની ઘણી બધી વિગતો એટીએસને મળી હતી. પી.આઈ અગ્રાવત અનુભવથી એટલું જાણતા હતા કે, તે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે. પરંતુ એટીએસમાં ઘણ અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે કે, તે જંગલની ભૂગોળથી વાકેફ નથી. માટે તેમણે રેકી કરવાની સાથે સેટેલાઇટ ઇમેજથી એવા ડીજિટલ મેપ પણ બનાવ્યાં હતા કે, ગમે ત્યારે ઓપરેશન માટે ફોર્સ બોલાવાની થાય તો કોઇ પણ સુરક્ષાકર્મી જુસબનાં ડંગા સુધી આસાનીથી પહોંચી શકે.

કહેવાય છે કે, સિનિયર પી.આઈ જાડેજા પાસે એટીએસના બીજા ઓપરેશનની પણ જવાબદારી રહેતી હતી. પરંતુ, પી.આઈ અગ્રાવતનું આ ૧૧ મહિનાનુ એક માત્ર લક્ષ્ય જુસબ જ હતો અને તે માટે તે સતત પ્રયત્નશીલ પણ હતા. છેલ્લે જ્યારે જુસબ અને તેના ભાઇઓ રવની ગામ નજીકની વાડીમાં બકરાની મીજબાની કરવાના છે તેવી પાક્કી બાતમી પણ તેમના જ નેટવર્કથી એટીએસ સુધી પહોંચી હતી. જો કે, તે દિવસે જુસબના નસીબ જોર કરી ગયા અને ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું.

નિષ્ફળ રહેલા ઓપરેશનથી પોલીસ ટીમ પરત આવી ગઇ હતી. આ ઓપરેશનની જાણ પોલીસવિભાગ અને ગૃહ વિભાગમાં બહુ ઓછા લોકોને ખબર હતી. એટલે બહુ હોબાળો કે ચર્ચા ક્યાંય થઇ નહીં. પણ સ્વભાવથી વિપરીત પરિસ્થિતિ સર્જાતા હિમાંશુ શુક્લા સમસમી ગયા હતા. તે હવે કોઇ પણ ભોગે જુસબને જેલના સળિયા પાછળ ધકેલવા માંગતા હતા.

જો કે, તેમના મનમાં ચાલતી ગડમથલ ક્યારેય તેમના ચહેરા પર દેખાવા દેતા નહોતા. પરંતુ તેમના સ્વભાવથી વાકેફ તાબાના અધિકારીઓ પર તેમના મૌનનું દબાણ વધુ હતુ. સૌથી વધુ જવાબદારીનો ભાર અગ્રાવત અનુભવતા હતા. કારણ ૧૧ મહિના થઇ ગયા હતા, એક-બે ઓપરેશન નિષ્ફળ ગયા હતા. આખી એટીએસની આબરૂ હવે તેમના હાથમાં હતી.
ઓપરેશન નિષ્ફળ ગયાને એકાદ અઠવાડિયું થયું હશે. શનિવારની રાત હતી અને એટીએસનો સ્ટાફ સાતેક વાગ્યે ઘરે જવા લાગ્યો. આઠ વાગ્યા સુધીમાં તો લગભગ સ્ટાફ રવાના થઇ ગયો હતો. દરવાજે માત્ર કમાન્ડો હાજર હતા જ્યારે કચેરીની અંદર ડીઆઈજી હિમાંશુ શુક્લા, ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને ડિવાયએસ.પી કે.કે પટેલ. એ પણ પોતપોતાની ચેમ્બરમાં પોતાનું બાકી કામ પતાવી રહ્યાં હતા.

આ દિવસે પી.આઈ અગ્રાવત પણ વહેલા નીકળ્યા હતા. કારણ સવારે ઘરેથી નીકળતા પહેલા ૪ વર્ષની દીકરીને તેમણે પ્રોમિસ કર્યુ હતુ કે, તે સાંજે વહેલા ઘરે આવશે અને બહાર ફરવા લઇ જશે. પી.આઈ અગ્રાવત રાતે ૮.૩૦ વાગ્યે પત્ની અને દીકરીને લઇને વૈષ્ણવદેવી સર્કલ નજીક એક રેસ્ટોરન્ટમાં જમવા પહોંચ્યા હતા. એ રેસ્ટોરન્ટથી તેમની એટીએસ કચેરી વચ્ચેનું અંતર માંડ એક કિલોમીટર પણ નહોતું.

હજુ પરિવારે જમવાનું માંડ શરૂ કર્યું હતુ ત્યાં તો પી.આઈ અગ્રાવતના મોબાઇલમાં રિંગ વાગી. અગ્રાવતે મોબાઇલનું કવર ખોલ્યું અને સ્ક્રીન પર બાતમીદારનું નામ જોયું. અગ્રાવતે હજુ તો બીજી રિંગ વાગે તે પહેલા ફોન ઉપાડી લીધો. સામે છેડેથી બોલતા બાતમીદારે કહ્યું, ‘સાહેબ લૂંગી આવી ગયો છે’. બાતમીદાર જુસબને લૂંગી કહેતો હતો. અગ્રાવતે પુછ્યું, ‘ક્યાં છે?’ બાતમીદારે કહ્યું, બે વાડી છોડીને એક ખેતરમાં સુતો છે. અગ્રાવતે ફરી ખાતરી કરી, ‘ખરેખર એ જ છે..?’ બાતમીદારે કહ્યું, ‘હા, સાહેબ પાક્કુ એ જ ખેતરમાં ખાટલો ઢાળીને આડો પડ્યો છે અને રાતે ત્યાં જ સુવાનો છે.’
ક્રમશ:

નોંધ- આ સત્ય ઘટના પર આધારિત ત્રણ ભાગની સ્ટોરી છે. આજે બીજો ભાગ પ્રકાશિત થયા બાદ 17 જૂને ત્રીજો અને અંતિમ ભાગ પ્રકાશિત થશે. આ ત્રીજા ભાગમાં આપને આ ખતરનાક ઓપરેશન વિશે જાણવા મળશે.. અગર પહેલો અંક વાંચવાનો ચુકી ગયો હોય તો ભાગ-1 પર ક્લિક કરીને આપ વાંચી શકશો.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati