સુરેન્દ્રનગર : પાટડીના જૈનાબાદ ગામમાં વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા, તસ્કરોએ ગામમાં સાત દુકાનોમાં હાથ સફાઇ કરી
દશાડા પોલીસે જૈનાબાદ ગામે પહોંચી તપાસ હાથ ધરતા જૈનાબાદ ગામે પાંચથી સાત દુકાનોના તાળા અને શટર તૂટેલા માલુમ પડ્યા હતા. જેથી તસ્કરોએ ગામમાં ચોરીઓ કરવાનો પ્રયાસ કર્યો હોઇ શકે. પોલીસે અબ્દુલભાઇના મકાનમાં તપાસ કરતા ચારેબાજુ લોહીના ખાબોચીયા ભરેલા હતા.

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે ઘરમાં સુતેલા વૃધ્ધ પર લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કરી માથામાં તિક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ માત્ર નામ પૂરતી જ હોઇ તેઓ લોકો એહેશાસ કરી રહ્યા છે. જીલ્લામાં રોજ લૂંટ, હત્યા, અપહરણ, જુથ અથડામણ, બીન વારસી મૃતદેહ મળવા જેવી બાબતો સામાન્ય બની છે. અને પોલીસ સબ સલામતના દાવાઓ કરી અને સંતોષ માનતી હોય છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદ ગામે પોતાના નવા બનાવેલા મકાનમાં સુતેલા વૃધ્ધ પર હુમલો કરી કોઇ અજાણ્યા શખ્સોએ ત્રક્ષણ હથિયારથી ઘા કરી હત્યા નિપજાવી નાસી છુટતા વહેલી સવારે ગામમાં દેકારો બોલી ગયો હતો. અને ગામ લોકોએ ભેગા થઈ અને તાત્કાલિક 108ની મદદથી વૃધ્ધને પાટડી હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોકટરોએ વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફીંગર પ્રિન્ટ નિષ્ણાત, ડોગ સ્કવોડ સહિત પહોંચી તપાસ હાથ ધરી હતી. રાતના સમયે જૈનાબાદ ગામે મસ્જિદ નજીક પોતાના નવા બનાવેલા મકાનમાં રહેતા અને ખેતીકામ કરતા વૃધ્ધ અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા સુતા હતા. અને તેમના ઘરના અન્ય સદસ્યો જુના મકાને સુતા હતા.ત્યારે રાતના સમયે કોઇ અજાણ્યા શખ્સો અબ્દુલભાઇના ઘરમાં ચોરી લૂટ કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા. જેથી વૃધ્ધ જાગી જતા બન્ને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. અને લૂંટ કરવા આવેલ શખ્સો મકાન માલીક જાગી જતા પકડાઇ જવાના ડરથી અબ્દુલભાઇ પર તિક્ષણ હથિયારથી હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થયા હતા.
ઘટનાની જાણ થતા દશાડા પોલીસે જૈનાબાદ ગામે પહોંચી તપાસ હાથ ધરતા જૈનાબાદ ગામે પાંચથી સાત દુકાનોના તાળા અને શટર તૂટેલા માલુમ પડ્યા હતા. જેથી તસ્કરોએ ગામમાં ચોરીઓ કરવાનો પ્રયાસ કર્યો હોઇ શકે. પોલીસે અબ્દુલભાઇના મકાનમાં તપાસ કરતા ચારેબાજુ લોહીના ખાબોચીયા ભરેલા હતા. અને ઘરનો માલ સામાન વેરવિખેર પડેલો માલુમ પડયો હતો. જેથી તસ્કરોએ વૃધ્ધ સાથે ઝપાઝપી કરી મોત નિપજાવેલનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ છે.
હાલ પોલીસએ અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ શંકમદો અને શંકાના દાયરામાં હોઇ તેઓ પર વોચ રાખવા કમર કસી છે. પરંતુ ચોરી કરવા આવેલ તસ્કરોએ વૃધ્ધની હત્યા કરતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. હવે એ જોવુ રહયું કે હત્યારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે અને તપાસમાં શુ ખુલાસા કરે છે તેમજ એક કરતા વધુ હત્યારા ઝડપાય છે કે કેમ તે જોવું રહ્યું.