સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો
બાતમીના આધારે સુરત (Surat) શહેર ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch) સ્ટાફે સુરત નવસારી રોડના સચીન નજીકના કપ્લેથા ચેકપોસ્ટ પાસે મુબંઈથી સુરત તરફ આવી રહેલી સુરત પાસિંગની હુન્ડાઈ એસેન્ટ કારને અટકાવી હતી.
છેલ્લા ઘણા સમયથી સુરત (Surat) શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતા અનેક આરોપીઓ સકંજામાં આવ્યા છે. વારંવાર ડ્રગ્સ (Drugs) ઝડપાતુ હોવાથી સુરત પોલીસે હવે ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન શરુ કર્યુ છે. જે અંતર્ગત સુરતમાં નવસારી-સચીન રોડના કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી સુરત લાવવામાં આવતા રૂપિયા 10 લાખથી વધુ કિંમતના મેફેડ્રોન ડ્રગ્સને ઝડપી લેવાયુ છે. રાંદેર રામનગરના એક વ્યક્તિને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ઝડપી પાડતા ડ્રગ્સ માફીયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વખતે ASI નવનીતભાઈ હરીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતો મોહમંદ સિદ્દિક અબ્દુલ કાદર નામનો વ્યક્તિ કારમાં એક મહિલા સાથે મુંબઈથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈને સુરત આવવાનો છે. બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સુરત નવસારી રોડના સચીન નજીકના કપ્લેથા ચેકપોસ્ટ પાસે મુબંઈથી સુરત તરફ આવી રહેલી સુરત પાસિંગની હુન્ડાઈ એસેન્ટ કારને અટકાવી હતી.
કાર ચાલક મોહમંદ સિદ્દિકની અંગ ઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટીકની કોથળીમાં રાખેલા મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે મોહમંદ સિદ્દિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાળાની ધરપકડ કરી હતી. તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ અને કાર મોબાઈલ ફોન મળી રૂ. 13,12,870નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં મોહમંદ સદ્દિક ઉર્ફે રાજાએ તેની પાસેથી કબજે લેવાયેલા મેફેડ્રોન મુંબઈ ખાતે રહેતા રાજા પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
એમડી ડ્ર્ગસ સાથે ઝડપાયેલા મોહમંદ સિદ્દિક ઉર્ફે રાજાએ મુંબઈથી સુરત કારમાં પરત ફરતી વખતે પત્ની અને સગર્ભા પુત્રીને અંધારામાં રાખી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મોહમંદ સિદ્દિક ઉર્ફે રાજા તેની હુન્ડાઈ એસન્ટ કારમાં પોલીસની નજરથી બચવા માટે મહિલાઓને કારમાં બેસાડી એમ.ડી.ડ્રગ્સ લાવવાનો હોવાની ચોકકસ બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી કપ્લેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે મોહમંદ સિદ્દિકની કારને અટકાવી તેમાં સવાર તેની પત્ની કૌશરબાનું અને સર્ગભા પુત્રી શીફાની મહિલા પોલીસકર્મીઓ પાસેથી તલાશી લેવડાવવામાં આવતા બંને પાસેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી ન હતી.
મોહમંદ સિદ્દિક ઉર્ફે રાજા પાસેથી મળી આવેલ એમ.ડી ડ્રગ્સ અંગે બંને માતા-પુત્રી અજાણ હોવાનું જણાવ્યુ હતુ.જેથી ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સ પ્રકરણમાં માતા-પુત્રીની કોઈ ભૂમિકા નહીં હોવાથી બંનેના નિવેદન લઈ બંનેને ઘરે પરત મોકલ્યા હતા.
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો