સુરતના પાંડેસરા (Pandesara, Surat) કૈલાશ ચોકડી પાસે ત્રણ દિવસ અગાઉ જે યુવાનની હત્યા (Murder)કરેલી લાશ મળી હતી. તે અડાજણના યુવાનની હત્યા રોજીરોટીની તલાશમાં ચાર મહિના અગાઉ ઉત્તરપ્રદેશ (Uttarpradesh)થી સુરત આવેલા અને હાલ બેકાર યુવાને માત્ર રૂ.100 ના ઝઘડામાં કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) મૃતક યુવાનની ઓળખ કરવાની સાથે હત્યાનો ભેદ પણ ઉકેલી બેકાર યુવાનને ઝડપી પાડી પાંડેસરા પોલીસ (Pandesara Police)ને સોંપ્યો હતો..
સુરતના પાંડેસરા પ્રભુનગરની સામે કૈલાશ ચોકડીથી ગાંધીકુટીર જતા રોડના ફૂટપાથ પર ત્રણ દિવસ અગાઉ અંદાજીત 35 વર્ષના યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે પેટ, છાતી અને ગાળાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળતા પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસની સાથે તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પહેલા મૃતક યુવાનની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. તેમાં તેની ઓળખ સુનિલ હિરાલાલ કનોજીયા તરીકે તેના ભાઈએ કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચને તેની હત્યા કેમ થઈ તે અંગે માહિતી મળી ન હોતી.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આજરોજ સુનિલની હત્યા કરનાર રમેશકુમાર શ્રીધર તીવારીને ઝડપી લીધો હતો.
માત્ર ચાર મહિના અગાઉ વતન ઉત્તરપ્રદેશથી રોજીરોટીની તલાશમાં સુરત આવેલા રમેશકુમારની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે શરૂઆતના બે મહિના તેણે ફોર વ્હીલ ટેમ્પો પર ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી.પણ બાદમાં તે બેકાર થઈ ગયો હતો. રખડપટ્ટી કરતા રમેશકુમારની બેઠક કૈલાશનગર ચોકડી પાસે હતી અને ત્યાં 20 દિવસ અગાઉ તેની ઓળખાણ સુનિલ સાથે થઈ હતી.
હત્યાના દિવસે સુનિલે તેની પાસે રૂ.100 ઉછીના માંગ્યા હતા. જોકે, બેકાર રમેશકુમારે તે આપવા ઈન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં ધરાવતા રમેશકુમારે સુનિલને તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે, છાતી તેમજ પેટ ઉપર ઘા માર્યા હતા અને તેનો મોબાઇલ ફોન લઇને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રમેશકુમાર પાસેથી સુનિલનો મોબાઈલ ફોન કબજે કરી તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad : વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપીઓને આજીવન કેદની સજા
આ પણ વાંચો: સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર કસવામાં આવશે સકંજો, સંસદીય સમિતિએ કરી રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવાની ભલામણ