અમદાવાદ : માત્ર 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો
આરોપી રવિ 1 મહિના પહેલા અમદાવાદ આવ્યો. રવિ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવિ બંને ફૂટપાથ પર જ રહેતા હતા તે સમય દરમ્યાન બંનેની મિત્રતા થઈ હતી.
અમદાવાદનું (Ahmedabad) પૂર્વ વિસ્તાર હત્યાની (Murder) ઘટના સામે આવી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મજૂરી કામ કરતા યુવકે ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની (Beggar) છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસની પકડમાં દેખાતા આરોપીનું નામ છે રવિ કુમાર. જે મૂળ દિલ્હીનો રહેવાસી છે. અને અમદાવાદમાં તે બોટલ વિણવાનું કામ કરતો. જેના પર આરોપ છે તેના જ મિત્ર એવા ભિક્ષુકની હત્યા કરવાનો. જેનો જમણો પગ પણ ન હતો. જે ગુનામાં ગોમતીપુર પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
ઘટના જાણે એમ બની હતી કે આરોપી રવિ 1 મહિના પહેલા અમદાવાદ આવ્યો. રવિ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવિ બંને ફૂટપાથ પર જ રહેતા હતા તે સમય દરમ્યાન બંનેની મિત્રતા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક અને આરોપી બંને સાથે મળીને નશો પણ કરતા હતા. અને એકબીજા વચ્ચે નાણાકીય લેવડ દેવડ પણ થતી હતી. શુક્રવારની સવારે મૃતક ભિક્ષુકે રવિ જોડે પૈસા માંગ્યા હતા. પરંતુ રવિ એ પૈસા ન આપતા ભિક્ષુક અને રવિ વચ્ચે માથાકૂટ થતા ભિક્ષુકે મોઢાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જોકે તે વખતે રવિ ત્યાંથી નીકળી ગયો ગયો હતો.
બાદમાં એ જ દિવસે રાત્રિના સમયે રવિ મજૂરી કામ પરથી પરત આવતા મૃતક ભિક્ષુકે રવિ પાસેથી ફરી પૈસાની માંગણી કરી હતી. જોકે રવિએ પૈસા ના આપતા ભિક્ષુક નવાબે ફરી છરી બતાવી મારવા જતા રવિએ ભિક્ષુકના હાથમાંથી છરી લઈ પેટમાં તથા ગળાના ભાગે ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું. જે ઘટનામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી. તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
પોલીસને હાલ મૃતકના સાચા નામ અંગે પણ શંકા હોવાથી સોશિયલ મીડિયાનો સહારો લઇ તેના પરિવાર સુધી પહોંચવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. સાથે આરોપી રવિ દિલ્હીથી અમદાવાદ કેમ આવ્યો હતો ત્યાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા : પ્રાકૃતિક કૃષિ અપનાવી રૂપિયા 60 લાખથી વધુ આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો