Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત
શહેરમાં કુદકે ને ભુસકે વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને પગલે આરોગ્ય વિભાગ હવે રાત-દિવસ દોડતું નજરે પડી રહ્યું છે. એક તરફ મહત્તમ સંખ્યામાં ટેસ્ટિંગથી માંડીને ક્લસ્ટર ઝોન જાહેર કરવાથી માંડીને હરસંભવ પ્રયાસો વચ્ચે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોના મહામારીનું એપિક સેન્ટર સાબિત થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જ કોરોના સંક્રમણના કેસ બે ગણા થઈ ચુક્યા છે. ત્યારે આજે બપોર સુધી શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 750 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સંભવતઃ આજે સાંજ સુધી આ આંકડો 1500ને વટાવી જાય તો નવાઈ નહીં.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં આજે અઠવા અને રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારમાં બપોર સુધીમાં જ રેકોર્ડબ્રેક 750 નાગિરકો કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. જ્યારે ગઈકાલે આખા દિવસ દરમ્યાન સુરતમાં આ આંકડો 1350નો નોંધાયો હતો. સતત વધી રહેલા કેસોને પગલે હવે આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ – ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
શહેરમાં જે રીતે કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે તે જોતા હવે આગામી દિવસોમાં માત્ર શહેરમાં જ ત્રણ હજારથી રોજીંદા કેસ નોંધાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી તો સુરત શહેરમાં કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનો પ્રારંભ થઈ ચુક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1લી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી સુધીમાં જ સુરત શહેરમાં ચાર હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચુક્યા છે.
સુરત શહેરમાં 1લી જાન્યુઆરીના રોજ માંડ 150 કેસો નોંધાયા હતા. જે આંકડો 7મી તારીખે 1350ને પાર કરી ચુક્યો છે. આમ એક સપ્તાહમાં જ કોરોના સંક્રમણ 400 ટકાને પાર પહોંચી ચુક્યો છે. જે હકીકતમાં સુરતીઓ માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે.
એક્ટીવ કેસ 4100ને પાર, કેસો વધતાં રિકવરી રેટમાં પણ ત્રણ ટકાનો ઘટાડો
શહેરમાં કુદકે ને ભુસકે વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને પગલે આરોગ્ય વિભાગ હવે રાત-દિવસ દોડતું નજરે પડી રહ્યું છે. એક તરફ મહત્તમ સંખ્યામાં ટેસ્ટિંગથી માંડીને ક્લસ્ટર ઝોન જાહેર કરવાથી માંડીને હરસંભવ પ્રયાસો વચ્ચે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જ એક્ટીવ કેસ 546થી વધીને 4156 પર પહોંચી ચુક્યા છે. બીજી તરફ સતત વધી રહેલા કેસોને પગલે સુરત શહેરના રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 1લી જાન્યુઆરીના રોજ સુરત શહેરનો રિકવરી રેટ 98 ટકા હતો જે હાલ 95 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સિવાય 1લી જાન્યુઆરીના રોજ કુલ એક્ટીવ કેસ પૈકી માંડ 20 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા જે આંકડો હવે વધીને 100ની નજીક પહોંચી ચુક્યો છે.
જિલ્લામાં સેવા સેતુના કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય
સુરત શહેર સહિત જિલ્લામાં પણ કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને આજરોજ જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જિલ્લામાં યોજાનારા સેવા સેતુ કાર્યક્રમો હાલના તબક્કે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા સુરત સહિત તમામ મહાનગર પાલિકાના કમિશ્નરો અને આરોગ્ય અધિકારીઓ સહિતના ઉચ્ચાધિકારીઓ સાથે મેરેથોન વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના સતત વધી રહેલા કેસો પર કાબુ મેળવવા માટે હરસંભવ પ્રયાસો કરવા માટે જરૂરી દિશા-નિર્દેશ પાઠવવામાં આવ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખીને આજે જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના ગામડાઓમાં યોજાનારા સેવા સેતુના કાર્યક્રમો સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : CM એ અમદાવાદ-રાજકોટ હાઇવેના કામોનું નિરીક્ષણ કર્યુંઃ કાફલો રોકાવીને એવું કર્યું કે લોકો જોતા રહી ગયા
આ પણ વાંચો : NARMADA : કેવડિયા રેલવે સ્ટેશનનું નવુ નામ એકતા નગર રખાયુ