ગુજરાતમાં મહત્વના મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દ્વારકામાં ધ્વજા રોહણમાં નિયમોનો ભંગ
હાલ રાજયમાં કોરોના મહામારીને પગલે દહેશતની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે કોરોના મહામારીને લઇને ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
કોરોના મહામારીને પગલે અંબાજી, દ્વારકા, બહુચરાજી, ડાકોર, શામળાજી મંદિરો બંધ રહેશે
ગુજરાતમાં (Gujarat ) કોરોના (Corona) સંક્રમણ વકરતા શ્રદ્ધાળુઓની સલામતિને લઈ કેટલાક જાણીતા મંદિરો (Temple) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોષી પૂનમે અંબાજી અને બહુચરાજીમાં દર્શન માટે ભક્તોની ભીડ જામતી હોય છે. બહુચરાજી મંદિર 16થી લઈને 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તો અંબાજીમાં માતાજીનો પ્રાટ્યોત્સવ કાર્યક્રમ રદ કરાયો. ભક્તો ઑનલાઈન આરતી કે દર્શન કરી શકશે. ખેડામાં ડાકોરમાં બંધ બારણે ભગવાનની સેવા-પૂજા કરાશે. તો ભક્તો માટે ઑનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દ્વારકાનું જગતમંદિર પણ 17થી 23 જાન્યુઆરી સુધી દર્શનાર્થી માટે બંધ રહેશે.
બહુચરાજી મંદિર પણ બંધ કરાયું
શક્તિપીઠ બહુચરાજી મંદિર 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો. પોષી પૂનમે બહુચર માતાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે તો કોરોના સંક્રમણ ફેલાય તેવી શક્યતા છે. જેથી મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
દ્વારકાધીશ મંદિરમાં નિયમોનો ઉલાળિયો
તો આ તરફ દ્વારકાધીશનું મંદિર પણ 17થી 23 તારીખ સુધી બંધ રખાયું છે. પરંતુ, મંદિરમાં ધ્વજા રોહણમાં 100થી વધુ લોકો જોવા મળ્યા હતા, આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવવા પણ તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરાઇ ન હતી. ગઇકાલે જ પ્રાંત અધિકારી દ્વારા નિર્ણય લેવાયો હતો કે ધ્વજા રોહણમાં 20 લોકો જ હાજર રહી શકશે, જોકે આ નિયમ માત્ર કાગળ પર જ રહી ગયો હતો.
ડાકોરમાં પોષી પૂનમની ઉજવણી રદ કરાઇ
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ખાતે પોષી પૂનમની ઉજવણી રદ્દ રાખવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. બંધ બારણે ભગવાનની સેવા પૂજા કરવામાં આવશે. મંદિર કમિટી દ્વારા ભાવિ ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
શામળાજી મંદિર પણ રહેશે બંધ
તો અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર પણ કોરોના મહામારીને પગલે બંધ કરાયું છે. શામળાજી મંદિરને પણ પોષી પૂનમને (Poshi Poonam) દિવસે બંધ (close)રાખવાનો નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે ભીડ ઉમટવાની સંભાવનાને લઇને ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતને લઇને ઉભો થયો આ વિવાદ
આ પણ વાંચો : Vadodara : કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ, આરોગ્ય સુવિધાઓ અપગ્રેડ કરાઇ