પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓએ અલગ અલગ જિલ્લામાં મચાવ્યો હોબાળો, જુઓ Video
Junior Clerk Exam Cancelled : જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. અલગ અલગ શહેરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કર્યો હતો. ઉમેદવારોએ પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ગુજરાતના અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર દૂર-દૂરથી આવેલા ઉમેદવારો અને વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. વહેલી સવારથી દૂર-દૂરથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો સેન્ટર પર પહોંચ્યા હતા. બાદમાં પેપર ફૂટયાની જાણ થતા ઉમેદવારો તંત્ર સામે રોષે ભરાયા હતા. ઉમેદવારો અને વાલીઓએ સરકારી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
મહીસાગરમાં પણ જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. લુણાવાડા ખાતે આવેલા વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કર્યો હતો. ઉમેદવારોએ પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. તો આ તરફ પંચમહાલના ગોધરામાં પણ બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. ઉમેદવારોએ બસ સ્ટેન્ડના દરવાજે હોબાળો કરતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાની અને ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ તરફ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાનો મુદે મહેસાણાથી ઉમેદવારો સાથે રવાના થયેલી 27 બસો પરત ફરી છે. જે પછી ડેપોમાં ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ સરકાર પ્રત્યે રોષની લાગણી ઠાલવી છે. અલગ-અલગ જિલ્લામાંથી પરીક્ષા આપવા રાજકોટ આવેલા વિદ્યાર્થીઓમાં પણ ઉગ્ર રોષ ફેલાયો હતો.
તો સુરતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે. વહેલી સવારથી દૂર-દૂરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. 187 સેન્ટરો પર 57 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પેપર લીક કરનાર સામે વિદ્યાર્થીઓએ કડક કાર્યવાહીની માગ કરી છે.