Career : દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીમાં બોલ્યા સિસોદિયા, ‘NEP 2020ને માત્ર એક દસ્તાવેજ બનવાથી બચાવવાનું છે’
દિલ્હી ટીચર્સ યુનિવર્સિટી (Delhi Teachers University), દિલ્હી ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કનેક્ટિંગ ધ ડોટ્સ વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NEP 2020ના વિઝનની ચર્ચા કરવામાં આવી હતી.
કેજરીવાલ સરકારની દિલ્હી શિક્ષક યુનિવર્સિટીમાં (Delhi Teachers University) શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020; કનેક્ટીંગ ધ ડોટ્સ વિષય પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ (Deputy CM Manish Sisodia) મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં સિસોદિયાએ કહ્યું હતું કે, શિક્ષણ સંબંધિત નીતિઓને 360 ડિગ્રીના પરિપ્રેક્ષ્યમાં સફળ બનાવવી પડશે. તેમજ શિક્ષક તાલીમ સહિત તમામ પાસાઓને તેમાં સામેલ કરવા જણાવ્યું હતું.
આ પ્રોગ્રામમાં, આપણે NEP 2020ને કેવી રીતે અસરકારક બનાવી શકીએ તેની ચર્ચા કરવામાં આવશે. હાલમાં માળખાકીય પડકારો શું છે અને અસરકારક શિક્ષક શિક્ષણ વગેરે દ્વારા NEP 2020ના વિઝનને કેવી રીતે વધુ સમર્થન આપી શકાય. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
નવી શિક્ષણ નીતિ પર બોલ્યા સિસોદિયા
આ કાર્યક્રમમાં સિસોદિયાએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો માત્ર નીતિઓ અને કાયદાઓ બનાવવા પૂરતા હોત તો નો ડિટેંશન પોલિસી સૌથી સફળ પ્રયોગોમાંથી એક બની હોત પરંતુ તે મોટી નિષ્ફળતા સાબિત થઈ કારણ કે તેના અમલીકરણના મૂળ મુદ્દાઓ પર કાળજી લીધી નહોતી. તે મુજબ, અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, શિક્ષકની તાલીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, બાળકને આગળના વર્ગમાં બઢતી આપવાની પદ્ધતિઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને નીતિનો સીધો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ તૈયારીઓના અભાવે આ નીતિ પાછી ખેંચવી પડી હતી.
તેમણે કહ્યું કે, NCF સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. જ્યાં શીખવાના પરિણામો નિશ્ચિત હતા પરંતુ તે મુજબ ફેરફારો કરવામાં આવ્યા ન હતા. NEPના સફળ અમલીકરણ માટે, રાજ્ય મુજબ બનાવેલા વિવિધ શૈક્ષણિક કાયદાઓને તે મુજબ બદલવાની જરૂર છે. અન્યથા NEP 2020 પણ માત્ર એક સારા નીતિ દસ્તાવેજ જ રહેશે.
શિક્ષકોને વધુ સારી તાલીમ મળશે
શિક્ષક શિક્ષણમાં ટેક્નોલોજી અને એડ-ટેક સાધનોને એકીકૃત કરીને શિક્ષકો અને તેમના શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય છે અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની માન્યતાની સંસ્કૃતિ વિકસાવી શકાય છે. આ યુનિવર્સિટીમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના સીઇઓ, અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની મુસદ્દા સમિતિના સભ્ય અનુરાગ બિહારે આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. દિલ્હીના મુખ્ય શિક્ષણ સલાહકાર શૈલેન્દ્ર શર્માએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ડીસીપીસીઆરના અધ્યક્ષ અનુરાગ કુંડુએ સત્રના મધ્યસ્થ તરીકે કામ કર્યું હતું.