VI ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર, કંપની દેવું ચુકવવામાં નિષ્ફ્ળ જશે તો આવતા મહિને તમારા મોબાઈલ ઠપ્પ થી શકે છે
જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે
જો તમે વોડાફોન આઈડિયા(Vodafone Idea Ltd)ના ગ્રાહક છો, તો નવેમ્બરથી તમને કનેક્ટિવિટી સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ટાવર સર્વિસ કંપની ઈન્ડસ ટાવરએ વોડાફોન આઈડિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કંપની તેનું બાકી બિલ જલ્દી નહિ ચૂકવે તો તે નવેમ્બરથી તેના ટાવરનો ઉપયોગ અટકાવી દેશે. જો આવું થાય છે તો વોડાફોન આઈડિયાના ગ્રાહકો નવેમ્બરથી કનેક્ટિવિટી મેળવી શકશે નહીં એટલે કે તેઓ મોબાઈલ કૉલથી લઈને ઈન્ટરનેટ સુધીની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં વોડાફોન પર ટાવર કંપનીઓનું રૂ. 10,000 કરોડનું દેવું છે જેમાંથી ઇન્ડસ ટાવરનો હિસ્સો રૂ. 7 હજાર કરોડ છે.
ઇન્ડસ ટાવર લેણાંની ચુકવણી માટે સમયમર્યાદા નક્કી કરી
એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઇન્ડસ ટાવરે વોડાફોન આઇડિયાને લેણાં ચૂકવવા કરવા ભારપૂર્વક જણાવ્યું છે. કંપનીની બોર્ડ મીટિંગમાં વધતા લેણાંને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને એવું જાણવા મળ્યું હતું કે તેમાં વોડાફોન આઈડિયાનો સૌથી મોટો હિસ્સો છે. જે બાદ ઈન્ડસ ટાવરે વોડાફોન આઈડિયાને ઓક્ટોબર સુધીમાં સમગ્ર લેણાં ક્લિયર કરવા કહ્યું છે. જૂન ક્વાર્ટરના પરિણામોમાં ઇન્ડસ ટાવરનો નફો 66 ટકા ઘટીને રૂ. 477 કરોડ થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન તેને લગભગ 6200 કરોડ રૂપિયા મળવાના હતા પરંતુ તે મળ્યા નથી જેના કારણે તેનો નફો ઘટી ગયો છે. વધતા લેણાંને કારણે ઇન્ડસ ટાવર્સને રૂ. 1,200 કરોડની જોગવાઈ કરવી પડી છે જેના કારણે કંપની પર દબાણ વધ્યું છે.
વોડાફોનની હાલત ખરાબ
જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી તેને આમાં સફળતા મળી નથી. જૂનના અંત સુધીમાં વોડાફોન આઈડિયા પર કુલ દેવું રૂ. 1.98 લાખ કરોડ હતું. જેમાંથી સ્પેક્ટ્રમ સંબંધિત 1.16 લાખ કરોડ રૂપિયાનું દેવું પણ છે.
દેવાથી ડૂબેલી વોડાફોન-આઇડિયા લિમિટેડ (VIL) માને છે કે 4G સેવાઓની સરખામણીમાં 5G ડેટા પ્લાન્સ માટેના ચાર્જીસ વધારે રાખવામાં આવશે. વીઆઈએલએ ગત મહિને જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં યોજાયેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી માટે મોટું રોકાણ કર્યું છે. તેથી 5G સેવાઓના ડેટા પ્લાન માટે વધુ ચાર્જ રાખવા જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કરવામાં આવશે.