શું ગૌતમ અદાણી NDTVના સંપૂર્ણ માલિક બનશે? જાણો ઓપન ઓફરની અપડેટ
Adani Group ઓપન ઓફર હેઠળ એનડીટીવીના શેરધારકોએ ગુરુવારે ત્રીજા દિવસે લગભગ 28 લાખ શેરની ઓફર કરી હતી. અદાણી ગ્રુપની ઓપન ઓફર મંગળવારથી શરૂ થઈ હતી.

Gautam Adani Group : એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં મીડિયા કંપની NDTVના માલિક બનવા જઈ રહ્યા છે. તે એનડીટીવીની ડિલથી ખૂબ નજીક પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપની ઓપન ઓફર હેઠળ NDTVના શેરધારકોએ ત્રીજા દિવસે ગુરુવારે લગભગ 28 લાખ શેરની ઓફર કરી હતી. તેનો અર્થ એ છે કે શેરધારકોએ ઓપન ઓફર સ્વીકારી છે. NDTVમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા અદાણી ગ્રૂપની ઓપન ઓફર મંગળવારથી શરૂ થઈ હતી.
BSE ડેટા અનુસાર, NDTVના 27,72,159 શેર્સ માટે કરવામાં આવેલી કુલ ઓફર સામે ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધી 16.54 ટકા શેરની ઓફર કરવામાં આવી છે. અદાણીની ઓફરની કિંમત શેર દીઠ રૂ. 294 છે, જ્યારે એનડીટીવીનો શેર ગુરુવારે રૂ. 368.40 પર બંધ થયો હતો. આમ, શેરની બંધ કિંમત ઓફર કિંમત કરતાં 25.3 ટકા વધુ છે.
અદાણી ગ્રૂપની કંપનીઓ વતી ઓફરનું સંચાલન કરતી પેઢી જેએમ ફાઇનાન્સિયલે એક નોટિસમાં જણાવ્યું હતું કે ઓફર 5 ડિસેમ્બરે બંધ થશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 7 નવેમ્બરે રૂ. 492.81 કરોડની પ્રસ્તાવિત ઓપન ઓફરને મંજૂરી આપી હતી. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપે ગયા ઓગસ્ટમાં વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)ને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી.
VCPLએ NDTVને લોન આપી
તમને જણાવી દઈએ કે VCPL એ એક દાયકા પહેલા NDTVના સ્થાપકોને 400 કરોડ રૂપિયાથી વધુની લોન આપી હતી. આ લોનના બદલામાં, ધિરાણકર્તાઓ માટે કોઈપણ સમયે NDTVમાં 29.18 ટકા હિસ્સો લેવાની જોગવાઈ રાખવામાં આવી હતી. અદાણી ગ્રૂપ દ્વારા ટેકઓવર કર્યા બાદ, VCPL એ 17 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે NDTVના લઘુમતી શેરધારકો પાસેથી વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર કરશે.
હિસ્સો 55 ટકા રહેશે
AMG મીડિયા નેટવર્ક્સ અને VCPL સાથે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આ 26 ટકા હિસ્સો ખરીદશે. ઓપન ઓફર હેઠળ 1.67 કરોડ શેર 294 રૂપિયા પ્રતિ શેરના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં, આ ઓપન ઓફરનું કદ રૂ. 492.81 કરોડ હશે, જેના કારણે NDTVમાં અદાણી જૂથનો હિસ્સો લગભગ 55 ટકા હશે.