Breaking News : ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યો, ભારત પર 50 % ટેરિફ લાદ્યો
રશિયા પાસેથી ઈંધણ ખરીદવાથી નારાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અગાઉ લાદેલ 25 ટકા ટેરિફમાં બીજા 25 ટકા ટેરિફ લાદ્યો છે. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આજે બુધવારે સાંજે ભારત પર વધારાનો 25 % ટેરિફ લાદવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની સતત કરાતી ખરીદી સામેના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
24 કલાક પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું ચાલુ રાખશે, તો ટેરિફમાં વધુ વધારો કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ફાર્મા આયાત પર ટેરિફ 250 ટકા સુધી વધારી શકે છે, જે અત્યાર સુધીનો તેમના દ્વારા પ્રસ્તાવિત સૌથી મોટો ટેરિફ હોઈ શકે છે. તેઓ નાના ટેરિફથી શરૂઆત કરશે, પરંતુ 18 મહિનાની અંદર ધીમે ધીમે તેને વધારવાની યોજના ધરાવે છે. પહેલા તે 150 ટકા હશે અને અંતે તેને 250 ટકા સુધી લઈ જવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિએ સમગ્ર વિશ્વમાં આર્થિક ઉથલપાથલ મચાવી છે. ભારત, કેનેડા, યુકે, જાપાન જેવા વિકસિત દેશોથી લઈને લાઓસ અને અલ્જેરિયા જેવા વિકાસશીલ દેશો સુધી, દરેક વ્યક્તિ આ ટેરિફની અસરનો સામનો કરી રહ્યા છે. 7 ઓગસ્ટથી અમલમાં આવનાર ભારે ટેરિફની સીધી અસર અમેરિકન બજારો અને વૈશ્વિક વેપાર પર દેખાઈ રહી છે.
નિષ્ણાતો માને છે કે, ટ્રમ્પના આ પગલાથી ફક્ત અન્ય લોકોને જ નહીં પરંતુ અમેરિકાને પણ નુકસાન થઈ શકે છે. ન્યૂ યોર્ક લો સ્કૂલના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ લોના સહ-નિર્દેશક બેરી એપલટનના મતે, “આ નીતિમાં કોઈ વિજેતા હોઈ શકે નહીં. મોટાભાગના દેશોને નુકસાન સહન કરવું પડશે અને અમેરિકા પણ તેનાથી અસ્પૃશ્ય રહેશે નહીં.”
હવે નિયમો નહીં, સીધી ધમકીથી સોદા
રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, ટ્રમ્પે લગભગ જૂની વૈશ્વિક આર્થિક વ્યવસ્થા તોડી નાખી છે. હવે અમેરિકામાં વેપાર નીતિ નિયમોને બદલે રાષ્ટ્રપતિની ઇચ્છાથી નક્કી થઈ રહી છે. ટ્રમ્પ એવા દેશો પર દબાણ લાવી રહ્યા છે જે તેમની શરતોનું પાલન કરતા નથી. જેઓ ટ્રમ્પની શરતોનુ પાલન કરે છે તેમને છૂટછાટો આપવામાં આવી રહી છે.
અમેરિકાના ભૂતપૂર્વ વેપાર અધિકારી અને વિશ્વ વેપાર સંગઠન (WTO) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એલન વુલ્ફના મતે, ટ્રમ્પે એવો જુગાર રમ્યો હતો કે તેઓ દેશોને ધમકી આપીને વાટાઘાટોના ટેબલ પર લાવી શકે છે અને તેઓ તેમાં સફળ પણ થયા છે. આ પ્રક્રિયા 2 એપ્રિલથી શરૂ થઈ હતી, જેને ટ્રમ્પનો મુક્તિ દિવસ કહેવામાં આવી રહ્યો છે. તે જ દિવસે, તેમણે વેપાર ખાધ ધરાવતા દેશો પર 50 % સુધીના પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી, જ્યારે બાકીના દેશો પર 10% બેઝલાઇન ટેક્સ લાદવાની જાહેરાત કરી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો