Gautam Adani Networth : ત્રણ સપ્તાહમાં અદાણીની નેટવર્થમાં 50%થી વધુનો ઉછાળો આવ્યો, જાણો કેટલા રિકવર થયા અદાણીના શેર
Gautam Adani Networth : જાન્યુઆરીમાં વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેર લગભગ એક મહિના સુધી ભારે તૂટ્યા હતા. 24 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં હિંડનબર્ગે અદાણી જૂથ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા.
Gautam Adani Networth : એક સમયે વિશ્વના ત્રણ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સામેલ ગૌતમ અદાણીની નેટવર્થમાં ભલે નોંધપાત્ર ઘટાડો થયો હોય પરંતુ તેઓ હજુ પણ ટોચના અમીરોમાં સામેલ છે. છેલ્લા ત્રણ સપ્તાહથી અદાણી ગ્રૂપના શેરમાં રિકવરી સાથે તેમની નેટવર્થમાં ફરી સુધારો થવા લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરોના સારા પ્રદર્શનના આધારે ગૌતમ અદાણીની નેટવર્થમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને તેઓ ફરીથી ટોચના 20 સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ થવાથી માત્ર એક પગલું દૂર છે.ગૌતમ અદાણીની નેટવર્થ તેમની કંપનીઓના શેરની કામગીરી પર આધાર રાખે છે. માર્ચની શરૂઆતથી તેમના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે.
નેટવર્થનો ઉતાર – ચઢાવ
ગૌતમ અદાણી એક સમયે વિશ્વના ત્રણ સૌથી અમીર લોકોમાં ગણાતા હતા અને તે પછી માત્ર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક નેટવર્થ અને એમેઝોનના જેફ બેઝોસ જ તેમના કરતા વધુ અમીર હતા. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ પદ હાંસલ કર્યું હતું. તે પછી તેની સંપત્તિમાં વધારો થતો રહ્યો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા અનુસાર 31 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી અદાણીની કુલ સંપત્તિ 143 બિલિયન ડોલર સુધી પહોંચી હતી.
હિંડનબર્ગ રિપોર્ટના અહેવાલને કારણે ભારે નુકસાન થયું
જાન્યુઆરીમાં વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેર લગભગ એક મહિના સુધી ભારે તૂટ્યા હતા. 24 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં હિંડનબર્ગે અદાણી જૂથ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપના શેરનું મૂલ્ય ઘણું વધારે છે. આ સિવાય શેરના ભાવમાં ચેડાં કરવા સહિત અન્ય અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. આ અહેવાલને કારણે અદાણીની કંપનીઓના શેરના ભાવ 80 ટકા સુધી તૂટ્યા હતા. ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 12.06 લાખનો ઘટાડો થયો હતો. આ કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને માત્ર 40 બિલિયન ડોલરથી ઓછી થઈ ગઈ હતી અને તેમને માત્ર એક મહિનામાં 80 બિલિયન ડોલરથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર 27 ફેબ્રુઆરીના રોજ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ માત્ર 37.7 બિલિયન ડોલર હતી. આ યાદી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 57.5 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન તેમની સંપત્તિમાં લગભગ 20 બિલિયન ડોલર એટલે કે 52.52 ટકાનો વધારો થયો છે. આ સાથે અદાણી હવે સૌથી અમીર લોકોની યાદીમાં 21મા સ્થાને પહોંચી ગયા છે. એલિસ વોલ્ટન 61.5 અબજ ડોલર સાથે 20મા સ્થાને છે.
ગ્રુપના શેરમાં રિકવરી
તાજેતરમાં મોટાભગના સેશનમાં ગ્રુપના શેરના ભાવ વધ્યા છે. ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો સ્ટોક 3 ફેબ્રુઆરીના નીચલા સ્તરની તુલનામાં લગભગ 125 ટકા રિકવર થયો છે. તેવી જ રીતે, અદાણી ગ્રીને લગભગ 85 ટકા, અદાણી પોર્ટ્સે લગભગ 70 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં લગભગ 60 ટકા રિકવરી નોંધાવી છે.