SBIનો નફો બીજા ક્વાર્ટરમાં 66.7 ટકા વધ્યો, NPAમાં જોવા મળ્યો ઘટાડો
SBI Q2 Results: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જણાવ્યું કે સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 66.7 ટકા વધીને 7,626.6 કરોડ રૂપિયા થયો છે.

SBI Q2 Results: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જણાવ્યું કે સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 66.7 ટકા વધીને 7,626.6 કરોડ રૂપિયા થયો છે. આ ક્વાર્ટરમાં બેંકનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની એસેટ ક્વોલિટી મજબૂત રહી કારણ કે તેનો કુલ નોન-પર્ફોર્મિંગ લોન રેશિયો 4.90 ટકા પર પહોંચી ગયો છે. અગાઉના ક્વાર્ટરમાં આ રેશિયો 5.32 ટકા હતો. તે જ સમયે નેટ એનપીએ રેશિયો 1.52 ટકા રહ્યો હતો. અગાઉના ક્વાર્ટરમાં તે 1.77 ટકા હતો.
આવકમાં પણ થયો વધારો
સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં SBIની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) વાર્ષિક ધોરણે 29 ટકાના ઉછાળા સાથે 31,183.9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સ્લિપેજ રેશિયો 0.66 ટકા હતો. અગાઉ જૂન ક્વાર્ટરમાં તે 2.47 ટકા હતો. એટલે કે તેમાં ઘટાડો થયો છે. પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) 87.68 ટકા હતો. સરકારી બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે ક્રેડિટ કોસ્ટ વાર્ષિક ધોરણે 51 બેસિસ પોઈન્ટ ઘટીને 0.43 ટકા પર પહોંચી ગઈ છે.
બેંકે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું સ્થાનિક નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) 3.50 ટકા પર રહ્યું છે. આમાં વાર્ષિક ધોરણે 16 બેસિસ પોઈન્ટ્સનો ઉછાળો આવ્યો છે. ત્રિમાસિક ગાળા માટે તેની કુલ થાપણોમાં 9.77 ટકાનો વધારો થયો છે. ચાલુ ખાતાની થાપણોમાં 19.20 ટકાનો વધારો થયો છે, જ્યારે બચત બેંકની થાપણોમાં વાર્ષિક ધોરણે 10.55 ટકાનો વધારો થયો છે.
હોમ લોનની સંખ્યામાં પણ વધારો થયો
બેન્કે જણાવ્યું હતું કે જ્યારે બેન્ક એડવાન્સિસ વાર્ષિક ધોરણે 6.17 ટકા વધી હતી, ત્યારે મુખ્ય ભૂમિકા પર્સનલ રિટેલ એડવાન્સિસ (વાર્ષિક ધોરણે 15.17 ટકાની વૃદ્ધિ) અને ફોરેન ઓફિસ એડવાન્સિસ (વાર્ષિક ધોરણે 16.18 ટકાની વૃદ્ધિ)ની રહી છે. સ્થાનિક એડવાન્સિસની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 4.61 ટકાના દર પર રહી છે.
SBIએ કહ્યું કે હોમ લોનમાં વાર્ષિક ધોરણે 10.74 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. બેંકે કહ્યું કે તે બેંકની સ્થાનિક એડવાન્સિસના 24 ટકા રહ્યું છે. બેંકે કહ્યું કે, કોર્પોરેટ બોન્ડમાં વૃદ્ધિ સહિત લોન બુકમાં વાર્ષિક ધોરણે 6.21 ટકાનો વધારો થયો છે.