ક્રૂડ ઓઈલમાં તેજીને કારણે રૂપિયો ગગડ્યો, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોચ્યો
રશિયામાંથી ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 14 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ અને ડોલર સામે રૂપિયો લપસીને 77 રૂપિયાની નજીક પહોંચી ગયો.
ક્રુડ ઓઈલના ઐતિહાસિક સ્તરે (Crude Oil Price) પહોંચવાના કારણે આજે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આજે સવારે ડોલર સામે રૂપિયો (Dollar vs Rupees) 81 પૈસા ગગડ્યો હતો અને 76.98 ના સ્તરે ખુલ્યો હતો, જે રેકોર્ડ લો છે. રશિયા-યુક્રેન સંકટમાં નવો વળાંક આવ્યો છે. આના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાઈ રહ્યા છે. સવારે 10.45 વાગ્યે ડોલર ઈન્ડેક્સ 0.20 ટકા વધીને 98.85 પર હતો. ટ્રેડિંગ દરમિયાન તે 99.22 ના સ્તરને પણ સ્પર્શ્યો હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.
ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે રશિયન તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમેરિકા, યુરોપ અને અન્ય સહયોગી દેશો રશિયામાંથી નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યા છે. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને દરરોજ 5-6 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. તેનો અડધો ભાગ માત્ર યુરોપમાં જાય છે. જો તેલની નિકાસ પર પ્રતિબંધ લાગશે તો યુરોપ અને અમેરિકામાં મોંઘવારી મજબૂત થશે, જેની અસર આખી દુનિયામાં જોવા મળશે.
ક્રૂડ ઓઈલમાં રૂપિયામાં તીવ્ર ઘટાડો
આ પહેલા શુક્રવારે રૂપિયો 23 પૈસા ઘટીને 76.17 ના સ્તર પર બંધ થયો હતો. 15 ડિસેમ્બર 2021 પછી આ સૌથી નીચું સ્તર હતું. રૂપિયાના ઘટાડાને લઈને રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અય્યરે કહ્યું કે, ડૉલરની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલમાં તેજીના કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે.
સોના ચાંદીનો દર
ફુગાવો અને ક્રૂડ ઓઇલ સપ્લાયના આંચકા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં આજે સોનું 2000 ડોલરને પાર કરી ગયું છે. સવારે 11.10 વાગ્યે, સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં 26.15 (+1.33%) ડોલરના ઉછાળા સાથે 1992.75 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન, આ 2005 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યુ હતું. ચાંદી હાલમાં 0.33 (+1.31%) ડોલરના વધારા સાથે 26.12 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.
સોનું 53 હજારને પાર અને ચાંદી 70 હજારને પાર
સ્થાનિક બજારમાં હાલમાં એપ્રિલ ડિલિવરી માટેનું સોનું 981 રૂપિયાના વધારા સાથે 53540 રૂપિયાનાના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું અને જૂન ડિલિવરી માટેનું સોનું 1164 રૂપિયાના વધારા સાથે 54130 રૂપિયાનાના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું. મે ડિલિવરી માટે ચાંદી 1667 રૂપિયાના વધારા સાથે 70827 રૂપિયા અને જુલાઈ ડિલિવરી માટે ચાંદી 1693 રૂપિયાના વધારા સાથે 71493 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી.