ક્રુડ ઓઈલમાં તેજી અટકી રહી નથી, આ સપ્તાહે 5 ટકાથી પણ વધુ વધ્યો બ્રેંટ
એક જાણીતા ફાઈનાન્સિયલ કોર્પોરેશને કાચા તેલમાં વધુ વૃદ્ધિની આગાહી કરી છે અને કહ્યું છે કે વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરને પાર કરશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં (Crude Price) વધારાની પ્રક્રિયા વર્ષ 2022માં પણ ચાલુ રહેશે. વિશ્વવ્યાપી સપ્લાય (Crude supply) માં વિવિધ કારણોસર અસર થવાની સંભાવના વચ્ચે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે બ્રેન્ટ ક્રૂડમાં (Brent Crude) 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. વધારા સાથે, બ્રેન્ટ બેરલ દીઠ 82 ડોલરની નજીક પાછો ફર્યો છે.
સપ્તાહમાં ક્રૂડ ઓઈલની મુવમેન્ટ કેવી રહી
સપ્તાહ દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમત 77.78 ના સ્તરથી વધીને 81.75 ના સ્તર પર પહોંચી ગઈ છે. એટલે કે, બ્રેન્ટ સપ્તાહ દરમિયાન લગભગ 4 ડોલર પ્રતિ બેરલ મોંઘું થયું છે. જે ગત સપ્તાહની સરખામણીએ 5.1 ટકાનો વધારો છે. એક મહિના પહેલા, કિંમત બેરલ દીઠ 75.8 ડોલરના સ્તરે હતી.
અગાઉ 26 ઓક્ટોબરે બ્રેન્ટ બેરલ દીઠ 86.4 ડોલરના સ્તરે હતું, જે બ્રેન્ટની એક વર્ષની ઊંચી સપાટી છે. ઓક્ટોબરથી કાચા તેલમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ઓમિક્રોન અંગેની આશંકા સપાટી પર આવ્યા બાદ ડિસેમ્બરની શરૂઆતમાં કિંમતો પ્રતિ બેરલ 70 ડોલરની નીચે આવી ગઈ હતી.
આ અઠવાડિયે તેલના ભાવ કેમ વધ્યા?
આ અઠવાડિયે તેલના ભાવમાં વધારો સપ્લાય પર અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જોવા મળ્યો છે. ગુરુવારે એક ન્યુઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કઝાકિસ્તાનમાં ચાલી રહેલી અશાંતિને કારણે તેલનો પુરવઠો પ્રભાવિત થવાની સંભાવના છે.
કઝાકિસ્તાન તેલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC પ્લસનું સભ્ય છે. તે જ સમયે, આ અઠવાડિયે, લિબિયામાં તેલનું ઉત્પાદન લગભગ 7 લાખ બેરલ પ્રતિ દિવસ ઘટ્યું છે. આ કારણોથી બજારમાં એવી આશંકા સેવાઈ રહી છે કે તેલના પુરવઠાને અસર થઈ શકે છે, તેથી ફ્યુચર માર્કેટમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ઓપેક પ્લસ તેલનું ઉત્પાદન વધારશે
સાઉદી અરેબિયા અને નોન-ઓપેક સભ્ય રશિયાની આગેવાની હેઠળના 23 સભ્યોના ઓપેક પ્લસ ગઠબંધનએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ફેબ્રુઆરીમાં દરરોજ 4,00,000 બેરલ વધુ ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે ઉત્પાદનમાં વધારાની જાહેરાત મહામારી દરમિયાન કરવામાં આવેલા તીવ્ર કાપને ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવાની યોજનાને અનુરૂપ છે.
નિષ્ણાતોના મતે, ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સમાચાર પછી, નવેમ્બરના અંતમાં કાચા તેલમાં તીવ્ર ઘટાડો થયો હતો, જોકે હવે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. જે બાદ હવે દેશોએ તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આ વર્ષે પણ ચાલુ રહેશે
બજારના નિષ્ણાતો ભાવ ઉંચા જવાની ધારણા રાખી રહ્યા છે. એક જાણીતા ફાઈનાન્સિયલ કોર્પોરેશને કાચા તેલમાં વધુ વૃદ્ધિની આગાહી કરી છે અને કહ્યું છે કે વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરને પાર કરશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી, તેથી કાચા તેલમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો : બેન્ક અધિકારીઓએ કરી નાણામંત્રી સીતારમણને કરી અપીલ, ફ્રન્ટલાઈન વર્કરના દરજ્જા સાથે ટૂંક સમયમાં મળે બૂસ્ટર ડોઝ