વડાપ્રધાન મોદીના એક ટ્વીટની જોવા મળી અસર, દેશવાસીઓએ કરી આટલા કરોડની ‘વોકલ ફોર લોકલ’ વસ્તુઓની ખરીદી
દિવાળીના દિવસના થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દેશમાં જ બનેલી વસ્તુઓ ખરીદવા માટે ટ્વીટ કરીને અપીલ કરી હતી, જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. દેશવાસી વોકલ ફોર લોકલ કેમ્પેઈનને સમર્થન આપતા જોઈ શકાય છે અને સ્વદેશી વસ્તુઓની ખરીદી પર જ ભાર આપી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પોતાના દરેક સંબોધનમાં દેશવાસીઓને લોકલ વસ્તુ ખરીદવા પર ભાર આપે છે અને સોશિયલ મીડિયા દ્વારા પણ તે લોકોને વોકલ ફોર લોકલનું આહ્વાન કરતા રહે છે. ત્યારે દિવાળી પહેલા પણ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ‘વોકલ ફોર લોકલ’ વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી હતી. તેમને કહ્યું હતું કે આ વર્ષે દિવાળીના અવસરે જે પણ સામાન ખરીદો તે દેશના કારીગરોના હાથથી બનેલો હોવો જોઈએ. ત્યારે વડાપ્રધાન મોદીની અપીલની અસર આજે જોવા મળી રહી છે.
દેશમાં લોકલ લેવલ પર માટીથી બનેલા દિવડા, મુર્તિ વગેરેની મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે. ત્યારે દિવાળીના દિવસે ફૂલોનો વેપાર પણ વધવાનો છે, ત્યારે વોકલ ફોર લોકલના આહ્વાનની અપીલથી 7 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ જોવા મળી શકે છે.
સિઝનમાં લગભગ 3.5 લાખ કરોડનો વેપાર થઈ શકે
રવિવારે દેશભરમાં દિવાળીની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવશે. કોવિડ બાદ આ પ્રથમ વર્ષ છે, જ્યારે લોકો કોઈ બિમારીના ડર વગર દિવાળીની ઉજવણી કરશે. ત્યારે દેશના બજારોમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે દિવાળીની સિઝનમાં લગભગ 3.5 લાખ કરોડનો વેપાર થઈ શકે છે, ત્યારે આજે દેશમાં રૂપચતુદર્શી પણ ઉજવવામાં આવી રહી છે અને આ દિવસે બ્યુટી પ્રોડક્ટસ ખરીદવાની મોટી માન્યતા છે. કેટ મુજબ આજે દેશભરમાં લગભગ 15 હજાર કરોડ રૂપિયાના બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ થયું છે.
વોકલ ફોર લોકલની જોવા મળી અસર
શનિવારના દિવસે કુંભારો દ્વારા બનાવેલા માટીના દિવડા, માટીથી બનેલી મૂર્તિઓ, શુભ લાભના ચિત્ર, લક્ષ્મીજીના શુભ પગલાના ચિન્હ ખરીદવામાં આવ્યા. એક અનુમાન મુજબ દેશભરમાં આજે લગભગ 2 હજાર કરોડ રૂપિયાના આ સામાનનું વેચાણ થયું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તરફથઈ વોકલ ફોર લોકલનું આહ્વાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ વસ્તુઓના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. આવતીકાલે દેશભરમાં દિવાળીની પૂજા અને ઘરને સજાવવા માટે ફૂલનો મોટો વેપાર થશે. દેશભરમાં લગભગ 5 હજાર કરોડના ફૂલ વેચાશે.
આ વસ્તુઓની પણ થશે પૂજા
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે દિલ્હી તથા દેશભરમાં વેપારી આવતીકાલે પોતાની દુકાનો પર દિવાળીની પૂજા કરશે. ગ્રાહકોની ખરીદીને જોતા ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખતા આ વખતે વેપારીઓ દ્વારા દિવાળીની પૂજામાં બાયોમેટ્રિક મશીન, એરપોડ, લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટરની પણ પૂજા કરવામાં આવશે.
