IndiGo ને ભારે કિંમત ચૂકવવી પડશે ! એરલાઇન પર છવાયા સંકટના વાદળો, મૂડીઝ રિપોર્ટ મુજબ કંપની પ્રેશરમાં
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર સંકટના વાદળો છવાયેલા છે અને એમાંય હજુ સુધી સ્થિતી કાબૂમાં આવી નથી. સરકારે જાહેરાત કરી છે કે, તપાસ બાદ ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સતત ફ્લાઇટ રદ થવા, વધતા ભાડા અને મુસાફરોની અસુવિધા વચ્ચે સરકારે શો-કોઝ (કારણદર્શક) નોટિસ બહાર પાડવામાં આવી છે અને ભાડા માટે ફેયર કેપ નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું છે કે, ઈન્ડિગો કટોકટી (Indigo Crisis) કંપની પર મોટી નકારાત્મક અસર કરી શકે છે.
InterGlobe Aviation ને નુકસાન
મૂડીઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ફ્લાઇટ રદ થવા, રિફંડ અને મુસાફરોની અસુવિધાને કારણે InterGlobe Aviation ને નાણાકીય નુકસાન થઈ શકે છે. એજન્સી માને છે કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) કંપની પર દંડ પણ લાદી શકે છે.
મૂડીઝ રેટિંગ્સે સોમવારે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, એરલાઇન એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં લાગુ કરવામાં આવેલા નવા વિમાનન નિયમો માટે અસરકારક રીતે યોજના બનાવી શકી નથી, જેના કારણે હવે તેને પરિણામ ભોગવવું પડી રહ્યું છે.
રેટિંગ એજન્સી અનુસાર, આ પરિસ્થિતિ ઇન્ડિગોની ક્રેડિટ માટે પણ નકારાત્મક છે. ફ્લાઇટ રદ થવાની શરૂઆત 2 ડિસેમ્બરથી થઈ હતી. એરલાઇન હજુ સુધી સામાન્ય કામગીરી પૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરી શકી નથી અને સોમવારે પણ 500 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ.
એરલાઇન કેમ મુશ્કેલીમાં મુકાઇ?
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, એરલાઇન તેના નબળા ઓપરેટિંગ મોડેલને કારણે નવા નિયમો મુજબ પોતાના ઓપરેશનમાં ફેરફાર કરી શકી નથી. આ કારણે તેને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવી પડી અને ઘણી ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થયો, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
સિવિલ એવિએશન મંત્રીએ શું કહ્યું?
આ દરમિયાન સિવિલ એવિએશન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, “ઇન્ડિગો કટોકટી તેના ક્રૂ રોસ્ટરિંગ અને ઇન્ટરનલ પ્લાનિંગ સિસ્ટમમાં સમસ્યાઓને કારણે થઈ હતી. આના કારણે મુસાફરોને ઘણી અસુવિધા થઈ હતી. અમે આને હળવી રીતે નહીં લઈએ. હાલ તપાસ ચાલુ છે અને અમે એવા પગલાં ભરીશું, જે બીજા લોકો માટે ઉદાહરણ બને.”
