FPI : આ વર્ષે FPI એ ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડ ઉપાડ્યા, સતત 6 મહિનાથી વેચાણ કરી રહ્યા છે
બજારના નિષ્ણાતો માને છે કે વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિ અને રશિયા-યુક્રેન તણાવના કારણે મોંઘવારીના દબાણને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી પરત ખેંચી રહ્યા છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ( Foreign Portfolio Investors – FPIs) એ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂ. 1,14,855.97 કરોડ ઉપાડ્યા છે. ભૌગોલિક રાજકીય તણાવ અને મોમઘવારી અંગેની ચિંતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો (Foreign Portfolio Investors)ભારતીય બજારોમાં વેચાણ ચાલુ રાખ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારો(Stock Market)માંથી રૂ. 48,261.65 કરોડ ઉપાડી લીધા છે. આ મુજબ આજદિન સુધી વર્ષ 2022માં વિદેશી રોકાણકારોના ઉપાડનો આંકડો રૂ. 1,14,855.97 કરોડ સુધી પહોંચ્યો છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાંથી ઉપાડ કર્યો છે.
સતત 6 મહિનાથી પૈસા ઉપાડી રહયા છે
બજારના નિષ્ણાતો માને છે કે વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિ અને રશિયા-યુક્રેન તણાવના કારણે મોંઘવારીના દબાણને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી પરત ખેંચી રહ્યા છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાંથી ઉપાડ કર્યો છે.
જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના વરિષ્ઠ EVP અને વડા શિવાની કુરિયને જણાવ્યું હતું કે “ભારતીય અર્થતંત્ર પર રશિયા-યુક્રેન યુદ્ધની સીધી અસર ખૂબ જ મર્યાદિત છે કારણ કે અમે આ દેશોમાંથી આયાત પર નિર્ભર નથી. જો કે, કોમોડિટીના ઊંચા ભાવ પડકારો સર્જી રહ્યા છે.”
ભારત ક્રૂડ ઓઈલનો આયાતકાર દેશ છે
કુરિયને કહ્યું કે ભારત ક્રૂડ ઓઈલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. “એવું અનુમાન છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ટકાનો વધારો ચાલુ ખાતાની ખાધ (CAD) પર 0.3 ટકા, ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારીને 0.4 ટકા અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) પર 0.2 ટકાની અસર કરશે.
માર્ચમાં 48,261.65 કરોડ ઉપડ્યા
ડિપોઝિટરી ડેટા અનુસાર FPIએ જાન્યુઆરીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 28,526.30 કરોડ ઉપાડ્યા હતા. ફેબ્રુઆરીમાં તેમનો ઉપાડ રૂ. 38,068.02 કરોડ હતો. માર્ચમાં અત્યાર સુધીમાં તેઓએ રૂ. 48,261.65 કરોડનું વેચાણ કર્યું છે.
ક્રૂડ ઓઈલની કિંમતથી ફર્ક પડે છે
નિષ્ણાંતો અનુસાર FPI નું વલણ ડોલર સામે રૂપિયાના ટ્રેન્ડ, ક્રૂડ ઓઇલના ભાવ અને યુએસમાં બોન્ડની ઉપજ દ્વારા નક્કી કરવામાં આવે છે. યુ.એસ.માં 10-વર્ષના બોન્ડ્સ પર વળતર વધે ત્યારે FPI બોન્ડ માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. અત્યારે આ તમામ બાબતો FPI પર અસર કરી રહી છે. આ કિસ્સામાં FPI વધુ ઉપાડ કરી શકે છે.