બંધ થઇ જશે મહિલાઓને સૌથી વધુ વ્યાજ આપતી સરકારી સ્કિમ ? સરકારે આપ્યા સંકેત
સરકાર ટૂંક સમયમાં એવી સ્કીમ બંધ કરી શકે છે જે નાની બચત પર મહિલાઓને વધુ નફો અથવા વળતર આપે છે. આ યોજનામાં સરકાર 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ આપે છે. સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે આ યોજના બંધ થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ...
ગયા વર્ષે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24નું સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે તેઓ મહિલાઓ માટે ખાસ બચત યોજના લાવ્યા હતા. આ યોજનામાં મહિલાઓને સામાન્ય કરતાં વધુ વ્યાજ એટલે કે સારું વળતર ઓફર કરવામાં આવ્યું હતું. હવે સરકાર તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે તે આ સ્કીમ બંધ કરી શકે છે.
નાણામંત્રી દ્વારા 2023-24ના બજેટમાં શરૂ કરવામાં આવેલી વિશેષ બચત યોજનાનું નામ છે ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજના. સરકારે તેને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ 2 વર્ષ માટે શરૂ કર્યો હતો. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે સરકાર માર્ચ 2025 પછી આ યોજનાને આગળ ન લઈ શકે.
મળે છે સૌથી વધુ રીટર્ન
‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજનામાં, અન્ય નાની બચત યોજનાઓની તુલનામાં મહિલાઓને વધુ સારું વળતર મળે છે. સરકાર આ સ્કીમ પર 7.5 ટકા આકર્ષક વ્યાજ ઓફર કરે છે. આ યોજનાનો લાભ માત્ર એક મહિલા અથવા યુવતી જ મેળવી શકે છે, જેમાં 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરવામાં આવે છે.
સરકાર આ યોજના એક સમય માટે લાવી હતી જે 2 વર્ષ માટે ઉપલબ્ધ થવાની હતી. આવી સ્થિતિમાં, આ યોજના એપ્રિલ 2023 થી માર્ચ 2025 સુધી જ માન્ય છે. હાલમાં સરકાર દ્વારા તેને આગળ વધારવા અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.
સરકાર યોજના સાથે આગળ વધશે નહીં
દરમિયાન, મની કંટ્રોલે એક સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર આ સ્કીમ બંધ કરી શકે છે. પાછલા વર્ષોમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ હવે આ યોજનાઓમાં રોકાણ ઘટી રહ્યું છે.
2023-24 દરમિયાન નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડના દાયરામાં આ યોજનાઓના સંગ્રહમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે. માત્ર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં 1.12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. દરમિયાન, સરકારે 2024-25 માટે નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડના સંગ્રહ લક્ષ્યાંકને 4.67 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 4.2 લાખ કરોડ રૂપિયા કરી દીધો છે.