LIC વિશ્વની 10મી સૌથી કિંમતી વીમા બ્રાન્ડ, 8.65 બિલિયન ડોલર વેલ્યુએશન સાથે યાદીમાં દેશની એકમાત્ર કંપની
બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર LIC 2021માં વૈશ્વિક બ્રાન્ડ રેન્કિંગમાં 32 સ્થાનની છલાંગ લગાવીને 206માં સ્થાને પહોંચી ગયું છે.
દેશની સૌથી મોટી વીમા કંપની (Life Insurance Corporation of India – LIC) 8.656 અબજ ડોલર (અંદાજિત 64,772 કરોડ રૂપિયા)ના વેલ્યુએશન સાથે દેશની સૌથી મજબૂત અને સૌથી મોટી બ્રાન્ડ છે. આ રેટિંગ તેને વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બનાવે છે. લંડન સ્થિત બ્રાન્ડ કન્સલ્ટિંગ ફર્મ બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર LICનું માર્કેટ વેલ્યુએશન(LIC Market Valuation) 2022 સુધીમાં 43.40 લાખ કરોડ રૂપિયા એટલે 59.21 અબજ ડોલર અને 2027 સુધીમાં રૂ 59.9 લાખ કરોડ રૂપિયા (78.63 અબજ ડોલર) થવાનો અંદાજ છે.
રેન્કિંગમાં 32 સ્થાનની છલાંગ લગાવી
બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર LIC 2021માં વૈશ્વિક બ્રાન્ડ રેન્કિંગમાં 32 સ્થાનની છલાંગ લગાવીને 206માં સ્થાને પહોંચી ગયું છે. બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર 2021માં 8.655 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે LIC દેશની સૌથી મોટી અને મજબૂત બ્રાન્ડ છે. તેનું મૂલ્યાંકન વર્ષ 2020 માં 8.11 અબજ ડોલર હતું. એટલે કે તે 6.8 ટકા વધ્યો છે. રિપોર્ટ અનુસાર LIC 84.1 પોઈન્ટ સાથે તેના સ્પર્ધકોની સરખામણીએ પ્રથમ ક્રમે છે.
વિશ્વભરમાં વીમા કંપનીઓની બ્રાન્ડ વેલ્યુ ઘટી જયારે LIC ની વધી
આ રિપોર્ટ નવેમ્બર 2021માં તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને સાર્વજનિક કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિશ્વની 100 સૌથી મોટી વીમા કંપનીઓની બ્રાન્ડ વેલ્યુ 2021માં છ ટકા ઘટીને 433 અબજ ડોલર થઈ હતી ત્યારે LICની બ્રાન્ડ વેલ્યુ 6.8 ટકા વધી હતી. રિપોર્ટમાં ટોચની 10માં ચીનની 5 વીમા કંપનીઓ છે.
મૂલ્યમાં 26 ટકાના ઘટાડા છતાં પિંગ એન ઇન્શ્યોરન્સ બ્રાન્ડ વિશ્વની સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ બની છે. ટોપ-10માં બે યુએસ કંપની છે જ્યારે ફ્રાન્સ, જર્મની અને ભારતની એક-એક કંપની છે. LIC એકમાત્ર ભારતીય વીમા કંપની છે જે ટોચની 10 મજબૂત બ્રાન્ડ અને ટોચની 10 સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ્સમાં સામેલ છે.
LIC IPOમાં ભાગ લેવા કરો આ કામ
જો તમારી પાસે LIC પોલિસી છે અને તમે આ IPOમાં ભાગ લેવા માંગો છો તો તમારે બે કામ કરવા પડશે. પ્રથમ- PAN નંબર તમારા LIC પોલિસી ખાતા સાથે લિંક હોવો જોઈએ અને બીજું- તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ.
આ 3 સ્ટેપમાં PAN લિંક કરો
- LIC ની સાઇટ પર પોલિસીની લિસ્ટ સાથે PAN વિગતો પ્રદાન કરો
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો
- ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ નોંધણી વિનંતીનો મેસેજ મળશે. આ બતાવશે કે તમારું PAN LIC ની પોલિસી સાથે લિંક કરવામાં આવ્યું છે.