LIC IPO: જાણો સરકારે કઈ 10 બેન્કોને આઈપીઓ મેનેજ કરવા માટે કરી છે પસંદ
LIC IPO: કેન્દ્ર સરકારે એલઆઈસીના મેગા આઈપીઓને મેનેજ કરવા માટે 10 મર્ચન્ટ બેંકોની પસંદગી કરી છે. જેમાં એસબીઆઈ કેપીટલ અને ગોલ્ડમૈન સૈક્સ સહિત આ બેન્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી (LIC)ની ઈનિશિયલ પબ્લીક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) લાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ આઈપીઓને દેશના ઈતિહાસમાં સૌથી મોટું શેર વેચાણ કહેવાય રહ્યું છે. હવે કેન્દ્ર સરકારે એલઆઈસીના મેગા આઈપીઓના સંચાલન માટે 10 મર્ચન્ટ બેંકોની પસંદગી કરી છે. જણાવી દઈએ કે આ રેસમાં 16 મર્ચન્ટ બેન્કર્સ સામેલ હતા, જેમાં 7 વૈશ્વિક અને 9 સ્થાનિક બેન્કો સામેલ હતી.
પસંદ કરેલી 10 બેંકોમાં ગોલ્ડમેન સૈક્સ, સિટીગ્રુપ, કોટક મહિન્દ્રા કેપિટલ અને એસબીઆઈ કેપિટલનો સમાવેશ થાય છે. આ સિવાય એલઆઈસીના આઈપીઓના સંચાલન માટે જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ, નોમુરા, બોફા સિક્યોરિટીઝ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝની પસંદગી કરવામાં આવી છે.
સરકાર એલઆઈસીમાં પોતાનો હિસ્સો વેચીને 80,000-90,000 કરોડ રૂપિયા એકઠાં કરવાની આશા રાખી રહી છે. માર્ચ 2022 સુધીમાં સરકારે વિનિવેશમાંથી 1.75 લાખ કરોડ એકઠાં કરવાનું વિચાર્યું છે. આ યોજના હેઠળ સરકાર એલઆઈસીમાં તેનો હિસ્સો ઘટાડી રહી છે.
દેશની સૌથી મોટી વીમા કંપની છે એલઆઈસી (LIC)
આઝાદી પછી પણ દેશના ગ્રામીણ વિસ્તારો સુધી જીવનવીમો પહોંચ્યો ન હતો, ઉપરાંત મહિલાઓને વીમો આપવાની બાબતમાં તથા તેમના પ્રીમિયમમાં કંપનીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો. જે એલઆઈસીની સ્થાપના બાદ દૂર થયો. માર્ચ-2020ની સ્થિતિ પ્રમાણે દેશની નવી પૉલિસીની સંખ્યાની દૃષ્ટિએ એલઆઈસી 76 ટકા હિસ્સો ધરાવતી હતી, જ્યારે પ્રથમ વર્ષીય પ્રીમિયમની દૃષ્ટિએ તે 69 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
કંપની 32 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે, જેમાંથી 30 લાખ 70 હજાર કરોડ જેટલું રોકાણ કરવામાં આવેલું છે. એ અરસામાં કંપનીએ લગભગ બે કરોડ 16 લાખ દાવા માટે રૂપિયા એક લાખ 60 હજાર કરોડનું ચુકવણું કર્યું હતું. હાલમાં એલઆઈસી પાસે 30 કરોડ જેટલી પૉલિસી છે. એક લાખ કરતાં વધુ કર્મચારી તથા 12 લાખ લોકો એજન્ટ તરીકે કામ કરે છે.
1972માં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા સામાન્ય વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. દેશની 107 જેટલી વીમાકંપનીઓને ભેળવીને નેશનલ ઈન્સ્યૉરન્સ કંપની, ન્યૂ ઈન્ડિયા ઍસ્યૉરન્સ કંપની, ઑરિયન્ટલ ઈન્સ્યૉરન્સ કંપની તથા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યૉરન્સ કંપની એમ ચાર કંપનીની સ્થાપના કરવામાં આવી.