LIC એ IPO લાવતા પહેલા લીધુ પગલું, માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓમાં ખરીદી હિસ્સેદારી
LIC IPO : દિગ્ગજ સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ટૂંક સમયમાં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ની જાહેરાત કરવા જઈ રહી છે. આ પહેલા, કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં ભારે ખરીદી કરી છે.
દિગ્ગજ સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ટૂંક સમયમાં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ની જાહેરાત કરવા જઈ રહી છે. આ પહેલા, કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં ભારે ખરીદી કરી છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, પ્રારંભિક શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે દેશના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારે અત્યાર સુધીમાં BSE 500 ઇન્ડેક્સમાં 40 થી વધુ કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે. જાન્યુઆરીથી માર્ચના સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ BSE સેન્સેક્સમાં 0.54 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે.
એકંદરે, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. તેની પાછળનું કારણ મોંઘવારી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વારંવાર આઉટફ્લોની ચિંતા છે. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ ઘટાડા પર રોક લગાવી છે.
LIC એ BPCL, ICICI બેંકમાં વધારી હિસ્સેદારી
LICએ છેલ્લા ક્વાર્ટરમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે. ઉદાહરણ તરીકે, વીમા કંપનીએ ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) માં તેનો હિસ્સો 4.78 ટકાથી વધારીને 7.46 ટકા કર્યો છે. બેન્કિંગ સેક્ટરમાં તેણે ICICI બેન્કમાં હિસ્સો 7.77 ટકાથી વધારીને 7.92 ટકા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં 5.34 ટકાથી વધારીને 5.63 ટકા કર્યો છે.
ડેટા વધુમાં જણાવે છે કે એલઆઈસીએ અન્ય કંપનીઓમાં પણ તેનો હિસ્સો વધાર્યો છે, તેમાં કેપ્રી ગ્લોબલ કેપિટલ, રાજેશ એક્સપોર્ટ્સ, બ્રિટાનિયા, શ્રી સિમેન્ટ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ધાનુકા એગ્રીટેક, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, સીઈએસસી, અદાણી એન્ટરપ્રાઈઝ, અપોલો હોસ્પિટલ, ધ રામકો સિમેન્ટ, કંસાઈ નારોલેકર પેન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને એચડીએફસીનો સમાવેશ થાય છે.
શેરહોલ્ડિંગ વિશે વાત કરીએ તો, LIC એ પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ફાઇઝર, ડિવિઝ લેબ્સ, ઇન્ફો એજ, અદાણી ટ્રાન્સમિશન, HUL, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, દીપક નાઇટ્રાઇટ, ડૉ લાલ પેથલેબ્સ, એસ્ટ્રાલ, ટાટા કોમ્યુનિકેશન્સ, પી એન્ડ જી હાઇજીન, અરબિંદો ફાર્મા, JSW સ્ટીલ, વિપ્રો, PCBL, એન્ડ્યુરન્સ ટેક્નોલોજી, SBI કાર્ડ્સ, TCS, વેદાંત, બાયકોન, સનોફી ઇન્ડિયા, માઇન્ડટ્રી અને સ્ટરલાઇટ ટેક્નોલોજીસ વગેરેમાં હીસ્સો વધાર્યો છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022 સુધીમાં તેણે ભારતમાં લગભગ 2 કરોડ 17 લાખ પોલિસી વેચી છે. એટલે કે, LICએ ગયા નાણાકીય વર્ષમાં દર મિનિટે 41 પોલિસી વેચી હતી. LIC ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં LICનું એમ્બેડેડ મૂલ્ય 5.4 લાખ કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચો : Stock Market Updates: બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 874 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17392ના સ્તરે