માર્ચ ક્વાર્ટરમાં HDFC બેન્કનો નફો 23% વધ્યો, આવકમાં પણ થયો વધારો
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFC બેંકનો માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો 23 ટકા વધીને 10,055.2 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં બેંકનો નફો 8,186.51 કરોડ રૂપિયા હતો.
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેંકનો (HDFC Bank) માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો (Profit) 23 ટકા વધીને 10,055.2 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં બેંકનો નફો 8,186.51 કરોડ રૂપિયા હતો. બેન્કની વ્યાજની ચોખ્ખી આવક (Net Interest Income) 10.2 ટકા વધીને રૂ. 18,872.7 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન તે રૂ. 17,120 કરોડ હતી. આ મહિનાની શરૂઆતમાં, HDFC બેન્કે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં તેની એડવાન્સિસ વાર્ષિક ધોરણે 20.9 ટકા વધીને રૂ. 13.69 લાખ કરોડ થઈ છે.
બેંકની છૂટક લોનમાં વૃદ્ધિ 15 ટકા અને કોમર્શિયલ અને ગ્રામીણ બેંકિંગ લોનમાં 30.5 ટકાની વૃદ્ધિ થઈ છે. બેન્કની કોર્પોરેટ અને અન્ય હોલસેલ લોનમાં પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 17.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
થાપણોમાં 16.8% વૃદ્ધિ
માર્ચ 2022 સુધીમાં બેંકની થાપણોમાં વાર્ષિક ધોરણે 16.8 ટકાનો વધારો થયો છે. આમાં રિટેલ ડિપોઝિટમાં 18.5 ટકાનો વધારો થયો છે. જ્યારે, જથ્થાબંધ થાપણોમાં વાર્ષિક ધોરણે 10 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. માર્ચ 2022 સુધીમાં CASA થાપણોનો હિસ્સો રૂ. 7.51 લાખ કરોડ હતો. તેમાં વાર્ષિક ધોરણે લગભગ 22 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે, માર્ચ 2022 ક્વાર્ટરમાં CASA થાપણોનો ગુણોત્તર વધીને 48 ટકા થયો છે.
બેંકે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 46.1 ટકા હતો. માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન, બેંકે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) સાથે હોમ લોનની વ્યવસ્થા હેઠળ રૂ. 8.117 કરોડની લોન ખરીદી છે.
તમને જણાવી દઈએ કે HDFC બેન્ક અને HDFCના મર્જરથી ફરી એકવાર બેન્કિંગ સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશનમાં તેજી આવી શકે છે. ફિચ રેટિંગ્સે મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી હતી. ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે HDFC બેન્ક અને HDFC લિમિટેડના પ્રસ્તાવિત મર્જરથી બેન્કો માટે સ્પર્ધાના વાતાવરણને ફરીથી નિર્ધારિત કરી શકાય છે અને મર્જર પછી રચાયેલી નવી બેંકના માર્કેટમાં વિસ્તરણને જોતા અન્ય બેંકો પણ તેની સાથે સ્પર્ધામાં રહેવા માટે મર્જર અને એક્વિઝિશન પર પોતાનો ભાર વધારી શકે છે.
આ પણ વાંચો : Income Tax Rules: રજાઓના બદલામાં કંપની પૈસા આપે તો શું તેના પર પણ ટેક્સ લાગશે? જાણો આવકવેરાનો નિયમ