Sovereign Gold Bond: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે આજથી સરકાર વેચી રહી છે સસ્તી કિંમતે શુદ્ધ સોનુ, જાણો કિંમત અને ખરીદીની રીત
સોવરેન ગોલ્ડ બોન્ડ એક રીતે પેપર ગોલ્ડ છે, કારણ કે તમને કાગળ પર લખીને સોનામાં રોકાણ કરવાની સુવિધા આપવામાં આવે છે. બોન્ડની કિંમત સોનાના વજનની દ્રષ્ટિએ નક્કી થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ 2021-22 રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war) વચ્ચે સીરિઝ 10 આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ ખુલી છે. FY22 ના આ છેલ્લા હપ્તામાં બહાર પાડવામાં આવેલ SGB ની ઇશ્યૂ કિંમત રૂ. 5,109 પ્રતિ ગ્રામ છે જે 9મી શ્રેણીની ઇશ્યૂ કિંમત રૂ. 4,786 પ્રતિ ગ્રામની સરખામણીએ કરતાં રૂ. 323 વધુ છે.
ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે પરામર્શ કરીને ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. જોકે આ માટે તેમણે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવું પડશે.આરબીઆઈએ કહ્યું, ‘ઓનલાઈન પેમેન્ટ કરનારા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મૂલ્ય 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.
નિષ્ણાતોના મતે યુક્રેન તણાવના કારણે અનિશ્ચિતતા દરમ્યાન કોઈએ આ તક ગુમાવવી જોઈએ નહીં અને આ ઈશ્યુ માટે સબ્સ્ક્રાઇબ કરવું આવશ્યક છે. આ ઈશ્યુ 28 ફેબ્રુઆરી, 2022 થી 4 માર્ચ, 2022 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.
શું હોય છે સોવરેન ગોલ્ડ અથવા પેપર ગોલ્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડ એક રીતે પેપર ગોલ્ડ છે, કારણ કે તમને કાગળ પર લખીને સોનામાં રોકાણ કરવાની સુવિધા આપવામાં આવે છે. બોન્ડની કિંમત સોનાના વજનની દ્રષ્ટિએ નક્કી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, બોન્ડની કિંમત બજારના ફીઝીકલ સોનાની કિંમત જેટલી જ હશે. આ કિંમત સોનાના પ્રતિ ગ્રામ દીઠ ભાવ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જેટલા ગ્રામનો સોનાનો બોન્ડ હશે, તેને વેચવાથી તેનો સોના જેટલો જ ભાવ મળશે.
8 વર્ષની છે મેચ્યોરીટી
આ બોન્ડ પર વ્યાજ પણ મળે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સના ઇશ્યૂ ભાવ પર 2.5% વ્યાજ ઉપલબ્ધ છે. બોન્ડની મેચ્યોરિટી 8 વર્ષ છે. જો તમે પાકતી મુદત પછી બોન્ડ વેચો છો, તો મેળવેલા લાભો પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. એ જ રીતે, બોન્ડ પર દર 6 મહિને મળતા વ્યાજ પર કોઈ ટેક્સ નથી.
મહત્તમ રોકાણ મર્યાદા
એક રોકાણકાર એક વર્ષમાં 1 ગ્રામથી 4 કિલો સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત 24 કેરેટ સોનાની શુદ્ધતા અનુસાર નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંકે આ યોજના વર્ષ 2015 માં શરૂ કરી હતી. એક આંકડા મુજબ રિઝર્વ બેન્કે ગયા વર્ષે લગભગ 65 ટન સોનું વેચ્યું હતું. લોકો પોતાના ઘરોમાં ફીઝીકલ સોનું ન રાખે અને લોકો સોનામાંથી કમાણી કરી શકે તે માટે પેપર ગોલ્ડ એટલે કે સોવરેન ગોલ્ડ બોન્ડની શરૂઆત કરી હતી.
ક્યાંથી ખરીદી કરી શકાય
સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, આ બોન્ડ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને NSE અને BSE જેવા માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવશે.
આ પણ વાંચો : સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધથી સંબંધિત ઘટનાક્રમો, વ્યાપક આર્થિક આંકડા દ્વારા નક્કી થશે શેર-બજારોની દિશા