ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, ગોલ્ડ રિઝર્વમાં ઘટાડાની દેખાઈ રહી છે અસર

વિદેશી મુદ્રા અસ્કયામતો અને સોનાના ભંડારમાં ઘટાડાને કારણે 26 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, ગોલ્ડ રિઝર્વમાં ઘટાડાની દેખાઈ રહી છે અસર
RBI

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં (foreign exchange reserves) ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક (Reserve Bank Of India) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 26 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 640 અરબ ડોલરના સ્તરથી નીચે આવી ગયું છે. વિદેશી ચલણ અસ્કયામતો અને સોનાના ભંડારમાં (gold reserves) ઘટાડાને કારણે મુદ્રા ભંડારમાં આ ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ક્યાં પહોંચ્યું?

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 26 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 2.71 અરબ ડોલરના ઘટાડા સાથે 637.68 અરબ ડોલર પર પહોચ્યું છે. આ પહેલા 19 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં મુદ્રા ભંડાર 640.41 અરબ ડોલરના સ્તરે હતું. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા સંપત્તિમાં આવેલો ઘટાડો છે. સપ્તાહ દરમિયાન વિદેશી ચલણ અસ્કયામતો 1.04 અરબ ડોલરન ઘટીને 574.66 અરબ ડોલરના સ્તરે પહોંચી હતી.

આ સાથે સપ્તાહ દરમિયાન ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન દેશનું ગોલ્ડ રિઝર્વ 1.56 અરબ ડોલરના ઘટાડા સાથે 38.82 અરબ ડોલરના સ્તરે પહોંચ્યું. આ સાથે IMF સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 7.4 કરોડ ડોલર ઘટીને 19 અરબ ડોલરના સ્તરે આવી ગયા છે. આ સપ્તાહ દરમિયાન IMF સાથે દેશની અનામત સ્થિતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને આ 2.5 કરોડ ડોલરના ઘટાડા સાથે 5.16 અરબ ડોલરના સ્તરે પહોંચી છે.

કોવિડ દરમિયાન ઝડપથી વધ્યો ભંડાર

દેશની વિદેશી અનામતના તાજેતરના આંકડામાં ઘટાડો થયો હોવા છતાં અનામત હજુ પણ તેના ઉચ્ચ સ્તરે છે. કોવિડ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતાં સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 642.453 અરબ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં ભંડાર આ સ્તરની નજીક છે.

દેશની વર્તમાન અનામત દોઢ વર્ષથી વધુ સમયની આયાત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. વિશ્વભરની ઘણી મોટી બ્રોકિંગ એજન્સીઓએ કોવિડના દબાણ વચ્ચે ભારતના ઉચ્ચ ચલણ ભંડારને મોટી સુરક્ષા ગણાવી છે. અર્થવ્યવસ્થામાં દબાણની વચ્ચે ભારતની રેટીંગમાં અસર ન પડવાનું મુખ્ય કારણ ફોરેક્સ રિઝર્વ પણ હતું.

વર્ષ 2004માં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 100 અરબ ડોલરના આંકને વટાવી ગયુ હતું, જ્યારે જૂન 2020ના પ્રથમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 500 અરબ ડોલરના સ્તરને પાર કરી ગયું હતું. ફોરેક્સ રિઝર્વ જૂનથી સતત 500 અરબ ડોલરના સ્તરથી ઉપર રહ્યું છે.

આ પણ વાંચો :    Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ

  • Follow us on Facebook

Published On - 10:45 am, Fri, 3 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati