અંબાણી-અદાણી બાદ દેશમાં હવે TATAનો EV ક્ષેત્રે મોટો દાવ, 21,500 પેટ્રોલ પંપનું નેટવર્ક ધરાવતી સરકારી કંપની સાથે મિલાવ્યા હાથ
સરકાર બાદ હવે અંબાણી, અદાણી અને હવે ટાટાએ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ પર પોતાનું ફોકસ વધાર્યું છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી બાદ હવે ટાટા ગ્રુપ પણ દેશભરમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યું છે. કંપનીએ આ માટે સરકારી તેલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે હાથ મિલાવ્યા છે.
સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. સરકારની સાથે હવે દેશની મોટી કંપનીઓ પણ તેમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચાર્જિંગ સ્ટેશનની મહત્તમ હાજરી હોવી જોઈએ.
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહેલાથી જ ચાર્જિંગ સ્ટેશન પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં ગૌતમ અદાણીએ પણ જાહેરાત કરી છે કે તેઓ દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. હવે આ પછી દેશનું સૌથી જૂનું બિઝનેસ હાઉસ ટાટા પણ તેમાં ઝંપલાવ્યું છે.
દેશભરમાં 5,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન કરવા જાહેરાત
ટાટા ગ્રુપની કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 5,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ માટે ટાટાએ સરકારી તેલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે.
આ જગ્યાઓ પર લગાવાશે ચાર્જિંગ સ્ટેશન
ટાટા મોટર્સના એકમ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી (TPEM) એ બુધવારે જણાવ્યું હતું કે આ ભાગીદારી હેઠળ HPCL પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. આ સ્ટેશનો એવા સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે જ્યાં 1.2 લાખથી વધુ ટાટા ઇલેક્ટ્રિક વાહનોના માલિકો મુલાકાત લે છે.
બંને સંસ્થાઓએ આ સંબંધમાં એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીઓ સહ-બ્રાન્ડેડ RFID કાર્ડ દ્વારા અનુકૂળ ચુકવણી પ્રણાલી રજૂ કરવાની શક્યતાઓ પણ શોધી રહી છે.
21,500 પેટ્રોલ પંપનું છે નેટવર્ક
HPCL પાસે 21,500 થી વધુ પેટ્રોલ પંપનું નેટવર્ક છે. કંપની ડિસેમ્બર 2024 સુધીમાં 5,000 ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. TPEMના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર બાલાજી રાજનના જણાવ્યા અનુસાર, HPCL સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતની EV ઇકોસિસ્ટમને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ છે. ઈલેક્ટ્રિક વાહનોના ગ્રાહક આધારને વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જરૂરી છે.