Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, ગ્રાહકોને જેટલા લૂંટાય એટલા લૂંટવાનો ઘડ્યો તખ્તો
તહેવારો નજીક આવતા જ એરલાઈન્સ કંપનીઓએ ગ્રાહકોને ખંખેરવાનો તખ્તો તૈયાર રાખ્યો છે. દુર્ગાપૂજા, દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન ઍરલાઈન્સ કંપનીઓ ગ્રાહકોને લૂંટવામાં કોઈ કસર છોડવા માગતી ન હોય તેમ એરફેરમાં 70% સુધીનો વધારો કર્યો છે. દર વર્ષે આ જ પ્રકારે ઍરલાઈન કંપનીઓ ગ્રાહકોના ખિસ્સા પર ભારણ વધારી તેમનુ બજેટ બગાડતી રહે છે. નફો કમાવામાં નીતિમત્તા નેવે મુકીને એકાએક ભાડામાં હજારો રૂપિયાનો વધારી કરી નાખે છે અને તેમના આ મનસ્વી રવૈયા સામે કેમ કોઈ લગામ લગાવવામાં નથી આવતી તે મોટો સવાલ છે.

તહેવારોની સિઝનમાં એરલાઈન્સ કંપનીઓને જાણે ગ્રાહકોને લૂંટવાનો પરવાનો મળી જતો હોય તેમ ઉઘાડી લૂંટ શરૂ કરી દે છે અને આ કંપનીઓ કોઈ સરકારી ફરમાનને પણ ગણકારતી નથી અને લૂંટી શકાય એટલા તોતિંગ ભાડા વધારા કરી ગ્રાહકોને લૂંટવાનું શરૂ કરી દે છે. તહેવારો એટલે જાણે લૂંટ માટેની ખુલ્લી છૂટ છે અને હવાઈ ભાડાના વધારા પર કોઈ જાતનું નિયંત્રણ નથી. મનઘડંત રીતે કોઈ નીતિમત્તા વિના ઍરલાઈન કંપનીઓ ભાડા વસુલે છે.
મહાકુંભ સમયે પણ ગ્રાહકો પાસેથી હજારો થી લાખો રૂપિયા ખંખેર્યા
જો કે આના પર કોઈ લગામ હોવી જોઈએ, જેથી લોકો પોતાના ઘરે જઈ શકે અને તહેવારોને માણી શકે. પરંતુ ઍરલાઈન્સ કંપનીઓ તો જાણે ખિસ્સા કાપવાની તૈયારીમાં જ બેઠી હોય તેમ ગ્રાહકોને લૂંટી રહે છે. આના પર કોઈ સરકારી નિયંત્રણ કેમ નથી લાવવામાં આવતા તે મોટો સવાલ છે. આપણે મહાકુંભમેળા સમયે પણ જોયુ હતુ કે ભાવિકોની આસ્થાનો લાભ લઈને આ ઍરલાઈન કંપનીઓએ લાખો રૂપિયા સુધીના ભાડા વસુલ્યા હતા. પ્રયાગરાજ જવા માટેની સામાન્ય દિવસોમાં 12 થી 15 હજાર રૂપિયા ટિકિટ હોય ત્યાં 35 થી 50 હજાર સુધીની લૂંટ ચલાવાઈ હતી. એરલાઈન કંપનીઓની આ મનમાની સામે કોઈ સરકારી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કારણ કે આપણે જનપ્રતિનિધિને એટલે નથી ચૂંટ્યા કે તેઓ આવા સમયે આંખ બંધ કરીને બેઠા રહે.
તહેવારો આવતા જ ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાની તૈયારી
નવરાત્રી, દિવાળી આવતા જ હવાઈ કંપનીઓ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કરી દે છે. ગ્રાહકો પાસેથી હજારો રૂપિયાના વધુ ભાડા વસુલે છે. નફો કમાવાની લ્હાયમાં ગ્રાહકોનું બજેટ બગાડી નાખે છે. તહેવારો દરમિયાન જેવી ફ્લાઈટની માગ વધે છે કે તુરંત જ હવાઈ ટિકિટોના ભાવ વધારી દેવામાં આવે છે. અમદાવાદથી અન્ય શહેરોમાં ઉડાન ભરવાની હોય કે જયપુર, ઉદયપુર, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ જેવા શહેરોમાં દિવાળી દરમિયાન જવાનું હોય, આ રૂટના યાત્રિકોને સામાન્ય દિવસોની સરખામણીએ ઘણી વધારે ટિકિટ ચુકવવી પડે છે.
તહેવારો દરમિયાન ટિકિટના ભાવમાં ઘણું મોટુ અંતર જોવા મળી રહ્યુ છે. એક જ રૂટ પર અલગ-અલગ ફ્લાઇટ્સ કે સમય પસંદ કરવાથી ભાડામાં હજારો રૂપિયાનો તફાવત પણ જોવા મળતો હોય છે. કેટલાક રૂટ પર તો ટિકિટના ભાવ ₹20 હજારનો આંકડો પણ વટાવી ચૂક્યા છે. જેમકે તહેવારો દરમિયાન પ્રવાસન સ્થળોના ભાડા જોઈને જ ચક્કર આવી જશે.
બેંગલુરુ-જયપુરની ઉડાન સૌથી મોંઘી સાબિત થઈ
ધનતેરસની આસપાસ બેંગલુરુથી જયપુરની મુસાફરી કરતા પ્રવાસીઓ માટે હવાઈ ભાડાં આશરે ₹27,000 સુધી પહોંચી રહ્યા છે. આ રૂટ પર સાત ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોવા છતાં, ઊંચી માંગને કારણે ભાવ વધી રહ્યા છે; બીજા શબ્દોમાં કહીએ તો, અનેક વિકલ્પો હોવા છતાં પ્રવાસીઓને સસ્તી ટિકિટ મળે તેની કોઈ ખાતરી નથી.
મુંબઈ અને જયપુર વચ્ચે 14 ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે, તેમ છતાં દિવાળી દરમિયાન આ રૂટ પર પણ ભાડાંમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ભારતથી જયપુરની મુસાફરીનો ખર્ચ વધ્યો
તહેવારોની સિઝન દરમિયાન દક્ષિણ ભારતના શહેરોથી જયપુરની મુસાફરી કરવી પણ મોંઘી બની છે. હૈદરાબાદ-જયપુર રૂટ પર ટિકિટના ભાવ વધીને ₹14,728 થી ₹16,775 ની રેન્જમાં પહોંચી ગયા છે. બીજી તરફ, ચેન્નાઈથી જયપુરની ફ્લાઇટનું ભાડું આશરે ₹24,211 હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ-જયપુરનું ભાડુ ₹13,800થી વધીને ₹16,665
અમદાવાદથી જયપુર આવનારા માટે 6 નવેમ્બરનું હવાઈ ભાડુ અંદાજિત ₹13,800 થી વધારીને ₹16,665 કરી સુધી છે. જ્યારે કોલકાતાથી જયપુર પહોંચવા માટે યાત્રિકોને ₹9,095 થી ₹12,455 રૂપિયા સુધી ખર્ચ કરવો પડી શકે છે. ગોવા-જયપુર રૂટ પર ઉપલબ્ધ એક ફ્લાઈટનું ભાડુ લગભગ ₹11,916 છે. જયપુર થી અમદાવાદ અને કોલકાતા જનારાને પણ તહેવારી ભીડની અસર ટિકિટ પર દેખાવાનું શરૂ થઈ ગયુ છે. જયપુર-અમદાવાદ સેક્ટરમાં ઈન્ડિંગોની ચાર ફ્લાઈટ્સ અને જયપુર-કોલકાતા રૂટ પર ત્રણ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અલગ-અલગ ઉડાનના ભાડામાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
બેંગલુરુ જનારાને સૌથી મોટો ફટકો
ઉદયપુરથી બેંગલુરુ જવા માટેની હવાઈ સફર તહેવારોની સિઝનમાં સૌથી મોંઘી દેખાઈ રહી છે. ઍર ઈન્ડિયાની બુકિંગમાં 26 ઓક્ટોબરનું ભાડુ ₹23,246 સુધી દેખાઈ રહ્યુ છે. તો જાન્યુઆરી ની ઉપલબ્ધ તારીખોમાં આ જ રૂટ ₹15,665 થી શરૂ થાય છે. એટલે શરૂઆતી ભાડાના આધારે લગભગ ₹7,581 નો વધારો છે.
પુણેની ઉડાનોના ભાવ પણ ₹23,000 આસપાસ પહોંચ્યા
ઉદયપુર થી પુણે જનારાઓને પણ તહેવારોની તારીખોમાં ખિસ્સુ ખાલી કરવુ પડી શકે છે. ઍર ઈન્ડિયાની બુકિંગમાં ઓક્ટોબરનુ શરૂઆતી ભાડુ લગભગ ₹14,702 છે, પરંતુ 22 ઓક્ટોબરની ઉડાન માટેનું હવાઈ ભાડુ ₹22,900 સુધીનું છે. જાન્યુઆરીમાં આ જ રૂટનુ શરૂઆતી ભાડુ ₹14,558 સુધી ઉપલબ્ધ છે.
