L&T ભારતીય નૌકાદળ માટે 2 જહાજો તૈયાર કરશે, આશરે 900 કરોડ રૂપિયાનો મળ્યો કોન્ટ્રાક્ટ
ભારતીય નૌકાદળની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે MPV આ પ્રકારનું પ્રથમ જહાજ હશે. એલ એન્ડ ટી શિપયાર્ડ આ જહાજોનું નિર્માણ ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતે કરશે.
ડિફેન્સ સેક્ટરની અગ્રણી ખાનગી કંપની L&T ભારતીય નૌકાદળ માટે બે મલ્ટીપર્પઝ શીપનું નિર્માણ કરશે, શુક્રવારે જ ભારતીય નૌકાદળ (Indian Navy) માટે બે મલ્ટીપર્પઝ શીપના સંપાદન માટે L&T સાથે કરાર કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ હેઠળ L&T રૂ. 887 કરોડના ખર્ચે આ MPV (Multi-Purpose Vessels)નું ઉત્પાદન કરશે. આ જહાજોને મે 2025 સુધીમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર આ કોન્ટ્રાક્ટ આત્મનિર્ભર ભારત અભિયાનને મોટો ટેકો આપશે. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ બાય-ઈન્ડિયન કેટેગરી હેઠળ આપવામાં આવ્યો છે.
ભારતીય નૌકાદળની વિવિધ જરૂરિયાતોને પૂરી કરશે MPV
ભારતીય નૌકાદળની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે MPV આ પ્રકારનું પ્રથમ જહાજ હશે. એલ એન્ડ ટી શિપયાર્ડ આ જહાજોનું નિર્માણ ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતે કરશે. આ MPV ઘણી ભૂમિકાઓ નિભાવશે, જેમાં દરિયાઈ દેખરેખ અને પેટ્રોલિંગ, ટોર્પિડોઝનું પ્રક્ષેપણ અને અનેક કામગીરીનો સમાવેશ થશે. આ જહાજો અન્ય જહાજોને લઈ જવા અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી હાથ ધરવા માટે પણ સક્ષમ હશે.
તેમજ જરૂર પડશે તો આ જહાજો પણ એક હદ સુધી હોસ્પિટલની ભૂમિકા ભજવી શકશે. આ જહાજોનો ઉપયોગ દેશના ટાપુ વિસ્તારોને લોજિસ્ટિક સપોર્ટ આપવા માટે પણ થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર આ કરાર ભારત સરકારની આત્મનિર્ભર ભારતની પહેલને અનુરૂપ છે અને જહાજના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વધુ વધારશે અને પ્રોત્સાહિત કરશે. આ જહાજોમાં વપરાતા મોટાભાગના સાધનો અને સિસ્ટમો સ્વદેશી હોવાથી તે ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા મેક ફોર વર્લ્ડ અભિયાનને પણ વેગ આપશે.
PSLV બનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી
તે જ સમયે આ અઠવાડિયે ભારત સરકારે માહિતી આપી છે કે એલ એન્ડ ટી અને અદાણી એન્ટરપ્રાઈઝે પોલર સેટેલાઈટ લોંચ વ્હીકલ (પીએસએલવી રોકેટ) તૈયાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ, જે અવકાશ વિભાગ હેઠળ આવે છે, તેણે 5 PSLVના નિર્માણ માટે ઉદ્યોગ પાસેથી પ્રસ્તાવો માંગ્યા હતા.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર PSLVના નિર્માણ માટે બે કન્સોર્ટિયમ તરફથી દરખાસ્તો મળી છે. જેમાં એક HAL અને L&Tનો સમાવેશ થાય છે. બીજી દરખાસ્ત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઈઝ અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. પ્રક્ષેપણ વાહનો, ઉપગ્રહો અને અન્ય ઘટકોના નિર્માણમાં ISRO પહેલેથી જ ખાનગી ક્ષેત્રની મદદ લઈ રહ્યું છે. જો કે 2020માં સરકારે અન્ય ગ્રહો સંબંધિત સંશોધન સહિત સમગ્ર અવકાશ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલી દીધું છે.