Breaking News : અનિલ અંબાણીની ચિંતા વધી ! પુત્ર સામે CBI એ કડક કાર્યવાહી કરી, બેંક છેતરપિંડીના કેસમાં FIR નોંધાઈ
દેવા હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિવારની મુશ્કેલીઓ હવે વધી રહી છે. વાત એમ છે કે, રૂ. 228 કરોડની કથિત છેતરપિંડી બદલ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે કેસ નોંધાયો છે.

દેવા હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિવારની મુશ્કેલીઓ હવે વધી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 228 કરોડની કથિત છેતરપિંડી બદલ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) સામે કેસ નોંધ્યો છે.
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, CBI એ જય અનમોલ અનિલ અંબાણીના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, CBI એ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, જય અનમોલ અનિલ અંબાણી અને રવિન્દ્ર શરદ સુધાકર (બંને RHFL ના ડિરેક્ટર) સામે બેંક (અગાઉ આંધ્ર બેંક) ની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.
કોની-કોની તપાસ કરવામાં આવી?
સીબીઆઈ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તપાસ એજન્સીએ સીબીઆઈ, મુંબઈના સ્પેશિયલ જજની કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવ્યું હતું અને મંગળવારે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના બે સત્તાવાર પરિસર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના તત્કાલીન ડિરેક્ટર અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીના રહેણાંક પરિસર અને આરએચએફએલના ભૂતપૂર્વ સીઈઓ તેમજ ફૂલ ટાઈમના ડિરેક્ટર રવિન્દ્ર સુધાકરના રહેણાંક પરિસરમાં તપાસ શરૂ કરી હતી.”
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, CBI ટીમ આજે સવારે મુંબઈના કફ પરેડમાં અનિલ અંબાણીના નિવાસસ્થાન ‘સી વિન્ડ’ બિલ્ડિંગના સાતમા માળે પહોંચી હતી અને સર્ચ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડે 18 બેંકો, નાણાકીય સંસ્થાઓ, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોર્પોરેટ સંસ્થાઓ પાસેથી 5572.35 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીએ વ્યવસાયિક જરૂરિયાતો માટે મુંબઈ સ્થિત બેંકની SCF શાખામાંથી ₹450 કરોડની લોન મેળવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, બેંકે ફાઇનાન્સિયલ ડિસિપ્લિન જાળવવા માટે શરતો લાદી હતી. આમાં સમયસર પેમેન્ટ, વ્યાજ, બીજા ચાર્જિસનું પેમેન્ટ, સિક્યોરિટી સ્ટેટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો સમયસર સબમિટ કરવા તેમજ સમગ્ર વેચાણની રકમ બેંક ખાતા દ્વારા મોકલવાનો સમાવેશ થાય છે.
ફંડનો દુરુઉપયોગ કરવામાં આવ્યો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપની બેંકને હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગઈ હતી. આથી, 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) તરીકે વર્ગીકૃત (Classified) કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ, 2016 થી 30 જૂન, 2019 ના સમયગાળા માટે ગ્રાન્ટ થોર્ન્ટન (GT) દ્વારા હાથ ધરવામાં આવેલા ખાતાઓના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, ઉધાર લીધેલા ફંડનો દુરુઉપયોગ કરવામાં આવ્યો હતો.
