AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૂધ, ઘી, મીઠાઈથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધી, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલી મોંઘી થઈ દિવાળીની ખરીદી?

તહેવાર પહેલાં અમૂલ, નંદિની અને આવિન જેવી ડેરી કંપનીઓએ પોતાના અનેક ઉત્પાદનો મોંઘા કર્યા છે. બીજી તરફ, પિસ્તા, બદામ અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થયો છે. તેના કારણે સામાન્ય લોકોનું દિવાળીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એટલું જ નહીં, મીઠાઈ બનાવતી કંપનીઓ અને વેપારીઓનો ખર્ચ પણ વધી ગયો છે.

દૂધ, ઘી, મીઠાઈથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધી, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલી મોંઘી થઈ દિવાળીની ખરીદી?
diwali
| Updated on: Nov 06, 2026 | 9:53 AM
Share

આ વખતે દિવાળીનો તહેવાર તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. ઘરમાં બનતા લાડુ, બરફી અને કાજુ કતરીથી લઈને બજારમાં મળતી મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સ સુધીની કિંમતોમાં વધારો થયો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ દૂધ, ઘી, માખણ અને સૂકામેવાના ભાવમાં થયેલો વધારો છે. તહેવાર પહેલાં અમૂલ, નંદિની અને આવિન જેવી ડેરી કંપનીઓએ પોતાના અનેક ઉત્પાદનો મોંઘા કર્યા છે. બીજી તરફ, પિસ્તા, બદામ અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થયો છે. તેના કારણે સામાન્ય લોકોનું દિવાળીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એટલું જ નહીં, મીઠાઈ બનાવતી કંપનીઓ અને વેપારીઓનો ખર્ચ પણ વધી ગયો છે.

દૂધ, ઘી અને માખણના ભાવમાં વધારો

દિવાળી પહેલાં દૂધની બનાવટો અને તેમાંથી બનતી વસ્તુઓની માંગ વધી જાય છે. આ દરમિયાન અમૂલ અને કર્ણાટકની નંદિની ડેરીએ પોતાના અનેક ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તમિલનાડુની સરકારી ડેરી કંપની આવિને પણ ઘી, માખણ, દહીં અને મીઠાઈઓના ભાવ વધાર્યા છે. અમૂલના 1 કિલો ઘીના પેકેટની કિંમત ₹630થી વધીને ₹680 થઈ ગઈ છે. જ્યારે 500 ગ્રામ શુદ્ધ ઘીનું પેકેટ હવે ₹325ને બદલે ₹345માં મળી રહ્યું છે. માખણ પણ મોંઘું થયું છે. અમૂલના 100 ગ્રામ માખણના પેકેટની કિંમત ₹63થી વધીને ₹66 અને 500 ગ્રામના પેકેટની કિંમત ₹310થી વધીને ₹325 થઈ ગઈ છે.

કર્ણાટકમાં નંદિની ડેરીએ 4 નવેમ્બરથી ઘી, માખણ, પનીર અને દૂધના ભાવમાં ફેરફાર કર્યો છે. હવે નંદિનીનું 500 મિલીલીટર ઘી ₹425 અને 1 લીટર ઘી ₹850માં મળી રહ્યું છે. જ્યારે 100 ગ્રામ માખણની કિંમત ₹90 અને 500 ગ્રામ માખણની કિંમત ₹380 થઈ ગઈ છે.

તમિલનાડુની સરકારી ડેરી કંપની આવિને પણ પોતાના ઉત્પાદનો મોંઘા કર્યા છે. હવે તેના 100 મિલીલીટર ઘીની કિંમત ₹80થી વધીને ₹95 અને 200 મિલીલીટર ઘીની કિંમત ₹160થી વધીને ₹180 થઈ ગઈ છે.

પિસ્તાથી લઈને બદામ સુધી, ડ્રાયફ્રૂટ્સ પણ મોંઘા થયા

દિવાળી પર મીઠાઈઓ અને ગિફ્ટ પેકમાં ડ્રાયફ્રૂટ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ આ વખતે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા 1 વર્ષમાં કેટલાક ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં 70% સુધીનો વધારો થયો છે. તેમાં પિસ્તા સૌથી વધુ મોંઘા થયા છે. ગયા વર્ષની દિવાળીની સરખામણીએ તેના ભાવમાં 60-70% સુધીનો વધારો થયો છે. જ્યારે બદામની કિંમતમાં તેની જાત પ્રમાણે 20-40%નો વધારો નોંધાયો છે.

મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાતો પેશાવરી પિસ્તા ₹4,000 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં તેની કિંમતમાં લગભગ 40%નો વધારો થયો છે. બીજી તરફ, છાલવાળા પિસ્તાના જથ્થાબંધ ભાવમાં વાર્ષિક ધોરણે લગભગ 74%નો વધારો થયો છે. હવે તેની કિંમત ₹1,650 પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય ડ્રાયફ્રૂટ્સ પણ મોંઘા થયા છે. છેલ્લા 1 વર્ષમાં કાજુની કિંમતમાં 5-8%, કિસમિસમાં 2-5%, ખજૂરમાં 5-10% અને અંજીરની કિંમતમાં 5-15% સુધીનો વધારો થયો છે.

ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીથી વધી ચિંતા

ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોની અસર મોંઘવારીના આંકડાઓમાં પણ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર 2026માં છૂટક ખાદ્ય મોંઘવારી વધીને 7.74% થઈ ગઈ હતી. જ્યારે કુલ છૂટક મોંઘવારી દર 5.54% પર પહોંચી ગયો હતો, જે ભારતીય રિઝર્વ બેંકની 6%ની મહત્તમ મર્યાદાની નજીક છે. સરકારી આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરમાં ખાંડના ભાવમાં વાર્ષિક ધોરણે 29.8%નો વધારો થયો હતો. ખાંડમાંથી બનતી મીઠાઈઓ અને અન્ય મીઠી વસ્તુઓના મોંઘવારી દરમાં પણ વધારો થયો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પણ વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. RBના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં 37% વસ્તુઓનો મોંઘવારી દર 4%થી વધુ હતો. માર્ચમાં આ આંકડો 20% હતો.

ઈલેક્ટ્રોનિક્સ સામાન પણ આટલો મોંઘો થયો

મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લા 1 વર્ષમાં AC, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં કુલ મળીને 23% સુધીનો વધારો નોંધાયો છે. આ વર્ષે કંપનીઓએ અલગ-અલગ તબક્કામાં કુલ 3 વખત કિંમતોમાં વધારો કર્યો છે. તાજેતરમાં ઓક્ટોબર 2026ના તહેવારોની સિઝન પહેલાં જ કિંમતોમાં 3%થી 8% વચ્ચેનો વધારો કરવામાં આવ્યો હતો.

આનો અર્થ એ છે કે મોંઘવારીની અસર હવે માત્ર કેટલીક પસંદગીની વસ્તુઓ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ રોજિંદા ઉપયોગની અનેક વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. આવી સ્થિતિમાં આ દિવાળીએ મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ અને ગિફ્ટની ખરીદી કરવા માટે લોકોએ અગાઉની સરખામણીએ વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.

NPS Tatkal: માત્ર 3 ક્લિકમાં ખુલી જશે પેન્શન ખાતું, UPIથી માત્ર 10 રુપિયા જેટલી નાની રકમ પણ કરી શકશો જમા, જાણો શું છે પ્લાન?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">