અદાણી ગ્રૂપે FY 2023-24માં ટેક્સ રૂપે ચુકવ્યા 58,104 કરોડ રુપિયા, પારદર્શિતા અહેવાલ જાહેર
અદાણી ગ્રૂપે આ અહેવાલ સ્વૈચ્છિક રીતે જાહેર કર્યો છે, જેનાથી હિસ્સેદારો અને નાણાકીય હિતધારકોમાં વિશ્વાસ વધે. આ ઉદ્દેશ સાથે, ગ્રૂપે એક સ્વતંત્ર વ્યવસાયિક એજન્સીને આ અહેવાલ તૈયાર કરવા માટે નિમણૂક કરી છે.

સુશાસન અને પારદર્શિતા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપે નાણાકીય વર્ષ 2023-24 માટે કર ચૂકવણી સંબંધી તેનો પારદર્શિતા અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલ મુજબ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ દ્વારા FY 2023-24માં કુલ ₹58,104 કરોડના કર અને અન્ય સરકારી યોગદાન ચૂકવવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષના ₹46,610 કરોડની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
અન્ય વ્યવસાયિક એકમોનો પણ કર ફાળો
આ આંકડામાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અને અંબુજા સિમેન્ટ્સ જેવી લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે. સાથે જ એનડીટીવી, એસીસી અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ જેવા અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયિક એકમોનો પણ કર ફાળો આમાં સામેલ છે.
અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જણાવ્યું કે:
“પારદર્શિતા વિશ્વાસનો પાયો છે અને ટકાઉ વિકાસ માટે આ વિશ્વાસ જાળવી રાખવો અનિવાર્ય છે. ભારતની તિજોરીમાં મોટા યોગદાનકર્તા તરીકે અમારી જવાબદારી ફક્ત નિયમોનું પાલન કરવી નથી, પરંતુ પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવી પણ છે. અમારા દ્વારા ચૂકવાયેલ દરેક રૂપિયો પારદર્શિતા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”
એજન્સીને અહેવાલ તૈયાર કરવા માટે કરી નિમણૂક
અદાણી ગ્રૂપે આ અહેવાલ સ્વૈચ્છિક રીતે જાહેર કર્યો છે, જેનાથી હિસ્સેદારો અને નાણાકીય હિતધારકોમાં વિશ્વાસ વધે. આ ઉદ્દેશ સાથે ગ્રૂપે એક સ્વતંત્ર વ્યવસાયિક એજન્સીને આ અહેવાલ તૈયાર કરવા માટે નિમણૂક કરી છે.
ESG ફ્રેમવર્કનો ભાગ:
અદાણી ગ્રૂપના ESG (Environmental, Social, and Governance) નીતિગત ધોરણોના ભાગ રૂપે પારદર્શિતા અને જવાબદારીની આ પહેલ ગ્રૂપના લાંબા ગાળાના વિઝન સાથે સુસંગત છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં યોગદાન આપવાના ઉદ્દેશ સાથે અદાણી ગ્રૂપ શાસન અને નવીનતા દ્વારા હિસ્સેદારો માટે મૂલ્ય સર્જન કરવા પ્રતિબદ્ધ છે.