‘Leaving no one behind’…. બજેટ 2023 દરમિયાન નાણાં મંત્રીએ ગણાવી વર્ષ 2014થી અત્યાર સુધીની સરકારની ઉપલબ્ધિઓ
Leaving no one behind: આજે સંસદ ભવનમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2014થી હમણા સુધીની સરકારની સફળતાઓ પણ પણ ગણાવી હતી.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ હતું. છેલ્લા બે વર્ષના સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ હતું. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ બજેટ અનુસાર LED ટીવી, રમકડાં, મોબાઈલ કેમેરા, લેન્સ ઈલેક્ટ્રિક ગાડીઓ , હીરાની જ્વેલરી, ખેતીના સામાન, લિથિયમ સેલ્સ અને સાયકલ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે. જ્યારે સિગારેટ, આલ્કોહોલ, છત્રી, વિદેશી રસોડાની ચીમની, ગોલ્ડ અને હીરા, પ્લેટિનમ અને એક્સ-રે મશીન જેવા સામાન મોંઘા થયા છે.
બજેટમાં 7 પ્રાથમિકતાઓ પર ભાર મુકવામાં આવ્યો. જેમાં પ્રથમ પ્રાથમિકતા ‘સૌ નો સાથ સૌનો વિકાસ’ હતો. આ બજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2014થી હમણા સુધીની સરકારની સફળતાઓની પણ ચર્ચા કરી હતી. ચાલો જાણીએ નાણાં મંત્રીએ વર્ષ 2014થી હમણા સુધીની સરકારની કઈ ઉપલબ્ધિઓ ગણાવી.
Leaving no one behind નાણાં મંત્રીએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ
નાણાં મંત્રીએ જણાવ્યું કે, 2014થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ થઈ છે. આ નવ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા કદમાં વધીને વિશ્વમાં 10મા સ્થાનેથી 5મા ક્રમે છે. અમે ઘણા વૈશ્વિક સૂચકાંકોમાં પ્રતિબિંબિત વ્યાપાર માટે અનુકૂળ વાતાવરણ સાથે સુશાસિત અને નવીન દેશ તરીકે અમારી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. અમે ઘણા ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
2022માં EPFO સભ્યપદ બમણા કરતાં વધુ 27 કરોડ અને UPI મારફત 126 લાખ કરોડની 7,400 કરોડ ડિજિટલ ચૂકવણીમાં પ્રતિબિંબિત થતાં અર્થતંત્ર ઘણું ઔપચારિક બન્યું છે. લક્ષ્યાંકિત લાભોના સાર્વત્રિકરણ સાથે ઘણી યોજનાઓના કાર્યક્ષમ અમલીકરણના પરિણામે સમાવેશી વિકાસ થયો છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ 11.7 કરોડ ઘરગથ્થુ શૌચાલય, ઉજ્જવલા હેઠળ 9.6 કરોડ એલપીજી કનેક્શન, 102 કરોડ વ્યક્તિઓનું 220 કરોડ કોવિડ રસીકરણ, 47.8 કરોડ PM જન ધન બેંક ખાતા, PM સુરક્ષા વીમા અને PM જીવન યોજના હેઠળ 44.6 કરોડ વ્યક્તિઓ માટે વીમા કવચ. PM કિસાન સન્માન નિધિ હેઠળ 11.4 કરોડથી વધુ ખેડૂતોને `2.2 લાખ કરોડનું રોકડ ટ્રાન્સફર.
બજેટ 2023ની ટોપ 10 અપડેટ
- આવકવેરા મુક્તિ મર્યાદા વધી – હવે 7 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જાહેરાતથી મધ્યમ વર્ગને રાહત જે બજારને ગતિ આપશે.
- રેલ બજેટ માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી – નવી ટ્રેનો આનાથી શરૂ થઈ શકે છે. રેલ્વેમાં સુવિધાઓ વધી શકે છે.
- PMMBTG ડેવલપમેન્ટ મિશનની જાહેરાત કરી – આ માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આનાથી પીડિત આદિવાસી જૂથોને આવાસ અને સ્વચ્છતાની સુવિધા મળશે.
- MSME, મોટા ઉદ્યોગપતિઓ માટે DigiLockerની સ્થાપના – MSME સરળતાથી દસ્તાવેજો શેર કરી શકશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ સુધારો થશે.
- મૂડી ખર્ચ 33% વધીને રૂ. 10 લાખ કરોડ થયો – આનાથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. સાથે જ મોટા પાયે રોજગારીનું સર્જન થશે.
- ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી – શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.
- ફાર્મા આર એન્ડ ડી માટે નવી યોજના – આ ફાર્મા ક્ષેત્રમાં રોકાણ વધારશે. દેશમાં ઘણી મોંઘી દવાઓનો સસ્તો વિકલ્પ વિકસાવવામાં મદદ મળશે
- એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે – આ લક્ષ્ય આગામી 3 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે. સરકાર ખાતર પર થતો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના-4 શરૂ કરવામાં આવશે – દેશભરમાં 30 સ્કીલ્ડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૌશલ્ય મળશે.
- MSME ક્રેડિટ ગેરંટી પ્રોગ્રામમાં રૂ. 9000 કરોડ ફાળવવામાં આવ્યા – આ નાના ઉદ્યોગોને સસ્તી લોન આપશે. લોનના વ્યાજ પર 1% રિબેટ મળશે.