Union Budget 2023 : શું સંસદ ભવનની વર્તમાન બિલ્ડિંગમાં નાણાં મંત્રી અત્યાર સુધીના ઈતિહાસનું છેલ્લું બજેટ રજૂ કરશે ?
લોકસભા સ્પીકરે જણાવ્યું કે બજેટ સત્રમાં (Budget 2023) રાષ્ટ્રપતિનું સંબોધન વર્તમાન સંસદ ભવનમાં જ થશે. આ જાણકારી આપતાં તેમણે કહ્યું કે નવા સંસદભવનમાં હજુ કામ ચાલુ છે, પરંતુ સંસદ ભવનની વર્તમાન બિલ્ડિંગમાં આ છેલ્લું બજેટ હોવાની શક્યતા છે.
Budget 2023: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી 2023થી એટલે કે આજથી શરૂ થયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. જો કે સંસદનું બજેટ સત્ર નવા સંસદભવનમાં શરૂ થઈ શકે છે તેવી પણ ચર્ચા થઈ રહી હતી. પરંતુ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વર્તમાન બિલ્ડિંગમાં જ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે. ઓમ બિરલાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે નવી સંસદ ભવન હજુ નિર્માણાધીન છે, પરંતુ સંસદ ભવનની વર્તમાન બિલ્ડિંગમાં આ છેલ્લું બજેટ હોવાની શક્યતા છે.
संसद का नया भवन अभी निर्माणाधीन है। बजट सत्र में माननीय राष्ट्रपति जी का अभिभाषण संसद के वर्तमान भवन में होगा।
— Om Birla (@ombirlakota) January 20, 2023
સત્રની શરૂઆત સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થઈ હતી. ગયા વર્ષે જુલાઈમાં સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મૂનું સંસદના બંને ગૃહોને આ પહેલું સંબોધન કર્યું હતું. બજેટ સત્રમાં કુલ 66 દિવસમાં 27 બેઠકો યોજાવાની છે. આ સત્ર 6 એપ્રિલ 2023 સુધી ચાલશે.
15 ઓગસ્ટ 2022 હતી ડેડલાઈન?
નવા સંસદ ભવનનો પાયો ડિસેમ્બર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાખવામાં આવ્યો હતો. આ નવું સંસદ ભવન તેની નજીક જ બનાવવામાં આવી રહ્યું છે અને તેનું કામ શિયાળુ સત્ર પહેલા પૂરું થવાની આશા હતી. ભારતના સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે તેનું બાંધકામ કામ ગયા વર્ષે 15 ઓગસ્ટે પૂર્ણ થવાની અપેક્ષા હતી. નવા ભવનમાં ભારતના લોકશાહી વારસાને પ્રદર્શિત કરવા માટે એક ભવ્ય હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, જમવાની જગ્યા અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ હશે.
નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ નવા સંસદ ભવનનાં નિર્માણ કાર્ય પર નજર કેન્દ્રીય આવાસ મંત્રાલય રાખી રહ્યું છે. અમદાવાદ સ્થિત એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ ટીમના નેતૃત્વમાં આ ભવનની ડિઝાઈન કરવામાં આવી છે.
આ પણ વાંચો : Union Budget Mobile App શું છે અને કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ, જેના પર મળશે બજેટની સંપૂર્ણ જાણકારી
બાંધકામના કામની વચ્ચે યુનિયન હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ મિનિસ્ટ્રી દ્વારા નવા સંસદ ભવનના આંતરિક ભાગની તસવીરો રજૂ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ભવનનો ફ્લોર બનાવવામાં ઉત્તર પ્રદેશના ભદોહીમાં તૈયાર કરાયેલ પ્રખ્યાત કાર્પેટનો ઉપયોગ કરવામાં આવશે.