Bhakti: તમે નહીં સાંભળી હોય ધનતેરસના પ્રારંભ સાથે જોડાયેલી આ અત્યંત રસપ્રદ કથા

એક દિવસ લક્ષ્મીજીએ સ્વયં એક લક્ષ્મીપ્રતિમા બનાવી અને ખેડૂત પત્નીને તેની વિધિસર પૂજા કરવા કહ્યું. ખેડૂત પત્ની નિત્ય જ આસ્થા સાથે દેવીની પૂજા કરવા લાગી. જેના ફળ રૂપે માતાએ તેના ઘરને ધન-ધાન્યથી ભરી દીધું.

Bhakti: તમે નહીં સાંભળી હોય ધનતેરસના પ્રારંભ સાથે જોડાયેલી આ અત્યંત રસપ્રદ કથા
ધનતેરસના પૂજનથી વૃદ્ધિના આશિષ દેશે માતા મહાલક્ષ્મી
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Nov 02, 2021 | 11:17 AM

ધનતેરસનો (dhanteras) અવસર એટલે તો ધનની દેવી માતા લક્ષ્મીને (goddess lakshmi) પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્રમંથન (samudra manthan) કર્યું. જેમાંથી જ દેવી લક્ષ્મી અને આરોગ્યના દાતા ધન્વંતરિનું (dhanvantri) પ્રાગટ્ય થયું. લોકવાયકા એવી છે કે જે દિવસે સમુદ્રમાંથી દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા તે દિવસ આસો વદ તેરસનો હતો. અને એટલે જ આ અવસરે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ બંન્નેની પૂજાનું માહાત્મ્ય છે. જો કે ધનતેરસના પ્રારંભ સાથે અનેકવિધ દંતકથાઓ પણ જોડાયેલી છે. જેમાંથી એક તો ખૂબ જ રસપ્રદ છે.

દંતકથા અનુસાર એકવાર શ્રીવિષ્ણુ પૃથ્વીલોક પર ભ્રમણ માટે નીકળ્યા. તે સમયે દેવી લક્ષ્મીએ સાથે આવવાની હઠ પકડી. ત્યારે શ્રીહરિએ લક્ષ્મીજીને કહ્યું, “દેવી ! તમે સાથે આવો તેનો વાંધો નથી. પરંતુ, તમારે મારી વાતનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.”

દેવી લક્ષ્મીએ હા પાડી દીધી અને બંને ધરતી પર આવ્યા. થોડો સમય વિત્યા બાદ શ્રીવિષ્ણુએ લક્ષ્મીજીને એક સ્થાન પર રોક્યા અને કહ્યું, “દેવી ! હું દક્ષિણ દિશા તરફ જઉં છું. હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ મારી રાહ નિહાળજો. મારી પાછળ પણ ન આવતા કે આગળ પણ ન વધતા.”

લક્ષ્મીજીએ નારાયણને હા પાડી. પરંતુ, ખુદને શ્રીહરિની પાછળ જતા તેઓ રોકી ન શક્યા અને આગળ વધ્યા. ત્યાં એક ખેતરમાં તેમણે સુંદર પુષ્પ જોયા. દેવીએ તે પુષ્પ તોડી સ્વયંનો શ્રૃંગાર કર્યો. આગળ વધતા શેરડીના સાંઠા જોયા. દેવીએ શેરડીમાંથી રસ ચૂસ્યો. ત્યાં જ શ્રીવિષ્ણુ પ્રગટ થઈ ગયા અને દેવી લક્ષ્મી પર ક્રોધે ભરાઈને તેમણે કહ્યું, “લક્ષ્મી ! મેં તમને ના પાડી, છતાં તમે મારી પાછળ આવ્યા અને વગર મંજૂરીએ એક ખેતરમાંથી વસ્તુઓ લઈ ચોરીનો અપરાધ કરી બેઠાં ! હવે તમે 12 વર્ષ સુધી અહીં જ રહી તે ખેડૂત પરિવારની સેવા કરો.”

શ્રીહરિ તો લક્ષ્મીજીને ત્યાં જ રહેવા દઈ ક્ષીરસાગર ચાલ્યા ગયા અને દેવી લક્ષ્મી તે ગરીબ ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા. એક દિવસ લક્ષ્મીજીએ સ્વયં એક લક્ષ્મીપ્રતિમા બનાવી અને ખેડૂત પત્નીને તેની વિધિસર પૂજા કરવા કહ્યું. ખેડૂત પત્ની નિત્ય જ આસ્થા સાથે દેવીની પૂજા કરવા લાગી. જેના ફળ રૂપે માતાએ તેના ઘરને ધન-ધાન્યથી ભરી દીધું. 12 વર્ષ બાદ નારાયણ લક્ષ્મીજીને લેવા પધાર્યા. પણ, ખેડૂત પરિવારે તો લક્ષ્મીજીને મોકલવાની જ ના પાડી દીધી. વિષ્ણુજીએ સમજાવ્યું કે લક્ષ્મી તો ચંચળ છે. તે ક્યાંય ટકતા નથી. આ તો શ્રાપને લીધે તે અહીં રહ્યા. પણ, ખેડૂતે તો હઠ પકડી. કે તે દેવીને નહીં જવા દે. ત્યારે સ્વયં લક્ષ્મીજીએ કહ્યું, “હું તમારી લાગણી સમજી શકું છું. જો તમારે મને અહીં સ્થિર કરવી હોય, તો કાલે તેરસના અવસરે એક ઘીનો દીપ પ્રજ્વલિત કરજો અને વિધિસર મારી પૂજા કરજો. એક કળશમાં ધન ભરીને મૂકજો. હું તેમાં નિવાસ કરીશ. પણ, તમને દેખાઈશ નહીં !”

કહે છે કે આટલું બોલી દેવી લક્ષ્મી અને નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે એટલે કે ધનતેરસના અવસરે ખેડૂત પરિવારે માના નિર્દેશ અનુસાર જ પૂજા કરી. જેના લીધે તેનું ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ જ રહ્યું. દંતકથા એવી છે કે આ ઘટનાને લીધે જ દર વર્ષે ધનતેરસે લક્ષ્મી પૂજનની પરંપરા શરૂ થઈ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ એકાદશીથી લઈ દિવાળી સુધી આ રીતે કરો દીપદાન, ચોક્કસથી પ્રાપ્ત થશે કૃપા !

આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ ! 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati