Bhakti: શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ !

જ્યારે એક મંત્રની જેમ ‘ૐ'નો જાપ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના ભાગ્યને પણ બદલી દે છે ! એટલું જ નહીં, માન્યતા અનુસાર ઓમકારનો જાપ તો સાધકને અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી પણ મુક્તિ અપાવી શકે છે !

Bhakti: શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ !
‘ૐ' જાપથી દૂર થશે શારીરિક અને માનસિક વ્યાધિ

ઓમકાર (omkar) એટલે તો એ નાદ કે જે સમસ્ત સૃષ્ટિનું પ્રાણતત્વ મનાય છે. કોઈપણ પૂજા હોય, કોઈપણ સાધના હોય કે અખંડ તપસ્યા હોય, આ બધું જ ઓમકારના સાયુજ્ય વિના તો અપૂર્ણ જ લાગે. પણ, શું તમને એ ખબર છે કે આ જ ઓમકારનો જાપ તો સાધકને અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી પણ મુક્તિ અપાવી શકે છે ? જી હાં, આજે આપણે એ જ જાણીશું કે એક મંત્રની જેમ ‘ૐ’ નો જાપ કરવાથી સાધકને કેવાં-કેવાં ફળની થાય છે પ્રાપ્તિ ? તમામ લોકો ‘ૐ’ નાદને તો જાણતા જ હોય છે. પણ, તે કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, તેના વિશે તો ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હોય છે. ત્યારે આવો, ઓમકાર નાદની મહત્તાને જાણીએ.

‘અ’, ‘ઉ’ અને ‘મ’ એમ ત્રણ શબ્દ જોડાઈને ‘ઓમ’ બને છે. કહે છે કે વેદોનું મૂળ છે ‘ગાયત્રી’ અને ગાયત્રીનું મૂળ છે સ્વયં ‘ઓમકાર’. કોઈપણ મંત્ર ‘ઓમકાર’ના જોડાવાથી જ શ્રેષ્ઠતમ્ બને છે. અને એટલે જ કદાચ વેદવ્યાસજીએ તેની મહત્તા વર્ણવતા કહ્યું છે કે, “મંત્રણાં પ્રણવઃ સેતુઃ ।” અર્થાત્, “આ પ્રણવ મંત્ર જ તમામ મંત્રોનો સેતુ છે.” વાસ્તવમાં તો ‘ૐ’ સ્વયં સૌથી શ્રેષ્ઠ મંત્ર છે. ઓમકાર જ બધાં મંત્રોનો રાજા છે !

સાધકો તેમની વિધ-વિધ કામનાઓની પૂર્તિ અર્થે વિવિધ મંત્રોનો જાપ કરતા હોય છે. પરંતુ, ઘણીવાર મુશ્કેલ મંત્રોનું ઉચ્ચારણ જો યોગ્ય રીતે ન થાય તો તેનાથી યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થતી ! ત્યારે ઓમકારની વિશેષતા જ એ છે કે તે ખૂબ જ સરળ છે. એટલે કે તેને સરળતાથી યાદ રાખી શકાય છે અને એટલી જ સહજતાથી તેનું ઉચ્ચારણ પણ કરી શકાય છે. એમાંય જ્યારે એક મંત્રની જેમ ‘ૐ’ નો જાપ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના ભાગ્યને પણ બદલી દે છે !

‘ૐ’ જાપથી લાભ
⦁ ‘ૐ’નો જાપ દેહની તમામ નાડીઓને શુદ્ધ કરી દે છે. જેને લીધે વ્યક્તિનું આભા મંડળ શુદ્ધ થાય છે. અને સાથે જ વ્યક્તિમાં છૂપાયેલી સૂક્ષ્મ શક્તિઓ પણ જાગ્રત થઈ જાય છે.
⦁ ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.
⦁ તે સાધકને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પણ પ્રાપ્ત કરાવી શકે છે !
⦁ ઓમકારના જાપથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે.
⦁ ‘ૐ’ એ એકમાત્ર એવો શક્તિશાળી મંત્ર મનાય છે કે જેનો નિત્ય જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે !
⦁ એક માન્યતા અનુસાર તો ઓમકારનો જાપ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે.
⦁ તેનાથી વ્યક્તિની સ્મરણ શક્તિ તેમજ નિર્ણાયક શક્તિ પણ વધે છે.
⦁ ‘ૐ’ના જાપથી માનસિક તાણ દૂર થાય છે.

શારીરિક લાભ
⦁ ઓમકારના જાપમાં રોગોને રોકવાનું સામર્થ્ય છે. માન્યતા અનુસાર ‘ૐ’ના જાપથી શારીરિક અને માનસિક વ્યાધિઓ દૂર થાય છે !
⦁ ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકની પાચન શક્તિ સુધરે છે. અને તેની ગભરામણ પણ દૂર થાય છે.
⦁ તે ફેફસાંની કાર્યક્ષમતાને વધારે છે !
⦁ શરીરમાં નવીન કોશિકાઓનું નિર્માણ કરે છે.
⦁ અનેક પ્રકારના વિકાર દૂર કરી તે લોહીને શુદ્ધ કરે છે.
⦁ જો કોઈ વ્યક્તિને કામ કરતી વખતે થાક લાગતો હોય અને જો તે વચ્ચે રોકાઈને ઓમકારનો જાપ કરે તો તેનો બધો જ થાક દૂર થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના !

આ પણ વાંચોઃ મંગળ દોષ સંબંધી તમામ સમસ્યાઓનું થશે નિવારણ, મંગળવારે અજમાવો આ ખાસ ઉપાય

Click on your DTH Provider to Add TV9 Gujarati