Bhakti: બુધવારે આ રીતે કરો દેવી દુર્ગાની ઉપાસના, ચોક્કસથી પ્રાપ્ત થશે બુધ દેવતાની પ્રસન્નતા !
બધા પ્રકારના કષ્ટોથી બચવા માટે બુધવારે શક્તિ ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાની ભક્તિ કરવાથી બુધ ગ્રહ પ્રસન્ન થશે. અને તમારા જીવનમાં ઉત્પન્ન થનારી તમામ મુસીબતોનો અંત લાવશે. એટલું જ નહીં, જો બુધ ગ્રહ ખરાબ સ્થિતિમાં હશે, તો પણ તે સારું ફળ આપશે !
બુધવારનો (wednesday) દિવસ એ માતા દુર્ગાનો દિવસ મનાય છે. પુરાણો અનુસાર જોઈએ તો બુધ ગ્રહનું વાહન સિંહ છે. જેની તુલના શક્તિ સાથે કરવામાં આવી છે. જે પ્રકારે ભક્તોના દુઃખ દૂર કરવાના હેતુથી ભગવતી દુર્ગા સિંહ પર સવાર થઇને વિચરણ કરે છે, તે પ્રકારે બુધ પણ પોતાના વાહન સિંહ પર સાવર થઇને સૃષ્ટિમાં વિચરણ કરી રહ્યા છે. કદાચ એટલે જ એવી માન્યતા પ્રવર્તમાન છે કે બુધવારના દિવસે મા દુર્ગાની આરાધના કરવાથી માતા દુર્ગા અને બુધ ગ્રહ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ કરી શકાય છે.
બુધવારનો દિવસ એ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. કહે છે કે જો વ્યક્તિનો બુધ ગ્રહ દુષિત થાય કે ખરાબ અસર દેખાડે તો તેને નોકરીમાં તેમજ વ્યાપારધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, વ્યક્તિની બુદ્ધિ પર તેમજ શરીરના કેટલાંક અંગો પર પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે. આ અસરને ખાળવા માટે જ બુધવારે દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ, કે બુધવારે કેવાં ઉપાયો થકી મા દુર્ગાને પ્રસન્ન કરવા જોઈએ. અને તેનાથી કેવાં-કેવાં ફળની થશે પ્રાપ્તિ !
દુઃખ હરશે મા દુર્ગા 1. બુધવારના દિવસે ખુલ્લા પગે માતા દુર્ગાના મંદિરમાં જાવ. તેનાથી માતા પ્રસન્ન થશે. આમ તો નિત્ય જ આ કાર્ય કરવાથી માતા અત્યંત પ્રસન્ન થાય છે. પરંતુ, જો દરરોજ શક્ય ન હોય, તો બુધવારના દિવસે તો અચૂક ખુલ્લા પગે માતાના મંદિરે જવું. 2. બુધવારના દિવસે માતા દુર્ગાના મંદિરમાં જઇને તેમને લીલા રંગની બંગડીઓ અર્પણ કરવી. લીલો રંગ બુધ ગ્રહથી સંબંધિત છે. એટલે દેવી દુર્ગાને તે અર્પણ કરવાથી લાભની પ્રાપ્તિની માન્યતા છે. 3. બુધવારના રોજ દુર્ગા ચાલીસા કે પછી દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઇએ. તે વિશેષ ફળદાયી બની રહે છે. 4. બુધવારના દિવસે માતા દુર્ગાના મંત્ર “ૐ દુર્ગ દુર્ગાય નમઃ ।”નો જપ કરવો. શક્ય હોય તો આ મંત્રનો 108 વખત જાપ કરવો. જો 108 વખત મંત્રજાપ શક્ય ન હોય તો ઓછામાં ઓછો 9 વખત તો જરૂરથી આ મંત્ર બોલવો. 5. બુધવારના દિવસે 9 કન્યાઓને લીલા રંગના રૂમાલનું દાન કરવું જોઈએ. સાથે જ પોતાની પાસે પણ લીલા રંગનો રૂમાલ રાખવો જોઈએ. 6. કંઈ વિશેષ ન થઈ શકે તો બુધવારના દિવસે માતા દુર્ગાને પાંચ ફળ અર્પણ કરવા જોઇએ. 7. બુધવારના દિવસે ગાયને લીલો ઘાસચારો નીરવો. તેનાથી લાભની પ્રાપ્તિ થશે. 8. બુધવારે કોઈ જરૂરિયાતમંદને આખા મગનું દાન કરવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તના સઘળા કષ્ટ હરી લે છે. 9. બુધવારે તુલસીના નીચે પડેલા પાન ખાવા ખુબ શુભ મનાય છે ! 10. “ૐ બ્રાં બ્રીં બ્રૌં સહ બુધાય નમઃ ।” આ બુધ મંત્ર છે. બુધવારે દેવી દુર્ગાના દર્શન બાદ આ મંત્રનો જાપ કરવાથી પણ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
વાસ્તવમાં બધા પ્રકારના કષ્ટોથી બચવા માટે બુધવારે શક્તિ ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાની ભક્તિ કરવાથી બુધ ગ્રહ પ્રસન્ન થશે. અને તમારા જીવનમાં ઉત્પન્ન થનારી તમામ મુસીબતોનો અંત લાવશે. એટલું જ નહીં, જો બુધ ગ્રહ ખરાબ સ્થિતિમાં હશે, તો પણ તે સારું ફળ આપશે. ખરાબ બુધના કારણે નોકરી અને વ્યાપારમાં જે નુકસાન થતું હોય તે પણ અટકી જશે !
આ પણ વાંચો : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત માનસનું અદભુત વર્ણન
આ પણ વાંચો : ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ