શા માટે કરવામાં આવે છે ગંગા દશેરા પર્વની ઉજવણી ? જીવનના ભયંકર કષ્ટને નષ્ટ કરી દેશે આ સરળ ઉપાય !
કહે છે કે ગંગા દશેરાના (Ganga Dussehra) દિવસે ગંગા નદીનું સ્મરણ કરવા માત્રથી વ્યક્તિના દરેક પાપ ધોવાઈ જાય છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડુબકી લગાવે છે. માતા ગંગાની પૂજા આરાધના કરે છે. ગંગાની ઉપાસના સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે જેઠ માસના સુદ પક્ષમાં ગંગા દશહરાનો પર્વ ઉજવવામાં આવે છે. જેઠ સુદ એકમથી ગંગા દશહરાનો પ્રારંભ થાય છે. અને જેઠ સુદ દશમીએ ગંગા દશહરા કે ગંગા દશેરાની ધામધૂમથી ઉજવણી થાય છે. જે અંતર્ગત શનિવારથી ગંગા દશેરાનો પ્રારંભ થઈ ગયો છે . ગંગા પૂજનનો આ મહાપર્વ અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે.
ગંગા દશેરા માહાત્મ્ય
ગંગા દશહરા પર્વ આપણાં ગુજરાતમાં ગંગા દશેરાના નામે વિખ્યાત છે. આ વર્ષે 30 મે, 2023ના દિવસથી ગંગા દશેરાનો પર્વ ઉજવાઇ રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે અનુસાર ગંગા નદીમાં સ્નાનથી, નર્મદા નદીના દર્શનથી અને ક્ષિપ્રા નદીના નામ જાપથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે અંતર્ગત ગંગા દશેરાના પર્વ પર ગંગા પૂજનનો સવિશેષ મહિમા છે. પ્રચલિત માન્યતા અનુસાર ગંગા નદીએ જેઠ સુદ એકમની તિથિએ સ્વર્ગમાંથી પૃથ્વી તરફ પ્રયાણનો પ્રારંભ કર્યો હતો. અને જેઠ સુદ દશમીના અવસરે ગંગાએ ધરતીને સ્પર્શ કર્યો હતો. એટલે કે, ગંગા દશેરાનો અવસર એ ગંગાનો ધરતી પર અવતરણનો દિવસ મનાય છે. અને એટલે જ આ દસ દિવસ દરમિયાન ગંગા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે.
કહે છે કે ગંગા દશેરાના દસ દિવસ દરમ્યાન ગંગા નદીનું સ્મરણ કરવા માત્રથી વ્યક્તિના દરેક પાપ ધોવાઈ જાય છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડુબકી લગાવે છે. માતા ગંગાની પૂજા આરાધના કરે છે. ગંગાની ઉપાસના સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. તો, આ દિવસોમાં ગંગાજળ સંબંધિત કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેના અનેકવિધ સંકટોનું સમાધાન પણ મેળવી શકે છે. કેટલાંક આવા જ ઉપાયો નીચે અનુસાર છે.
આર્થિક સમસ્યાથી મુક્તિ અર્થે
જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ તો ગંગા દશેરાના દિવસોમાં ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ. તેના પછી કોઈ શિવ મંદિરમાં જવું. પાણીમાં ગંગાજળ તેમજ બિલ્વપત્ર ઉમેરીને મહાદેવને જળ અર્પણ કરવું. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જળ અર્પણ કરતી વખતે થોડું જળ બચાવીને રાખવું. ત્યારબાદ તે વધેલા જળનો તમારા સંપૂર્ણ ઘરમાં છંટકાવ કરવો જોઈએ.
નોકરી-ધંધામાં પ્રગતિ અર્થે
⦁ જો તમે ધંધા રોજગારમાં પ્રગતિ મેળવવા ઇચ્છતા હોવ તો ગંગા દશેરાના દિવસે એક કાગળ લઇને તેમાં ગંગાસ્ત્રોત લખો. ત્યારબાદ તે કાગળને પીપળાના વૃક્ષની નીચે જમીનમાં દબાવી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના ધંધા રોજગારમાં વૃદ્ધિ આવે છે.
⦁ જો તમે કારકિર્દી તેમજ ધંધા રોજગાર સંબંધિત સમસ્યાનું નિવારણ ઇચ્છતા હોવ, તેમાં પ્રગતિની મનશા રાખતા હોવ તો આપે ગંગા દશેરાના દિવસે સ્નાન-ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ જળમાં ગંગાજળ અને સિંદૂર ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ સમયે આપે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો. તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.
એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે ।
અનુકમ્પય માં દેવી ગૃહાણાર્ધં દિવાકર ।।
મનપસંદ નોકરી માટે
જો તમને મનપસંદ નોકરી ન મળી રહી હોય તો ગંગા દશેરાના પર્વ પર સ્નાન, ધ્યાન કર્યા બાદ એક વિશેષ ઉપાય અજમાવો. વટેમાર્ગુઓને શરબત બનાવીને પીવડાવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને મનપસંદ નોકરીની તક પ્રાપ્ત થાય છે.
દેવામાંથી મુક્તિ અર્થે
જો આપ દેવામાં ડૂબેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો ગંગા દશેરાના દિવસે પોતાની લંબાઇ જેટલો જ કાળા રંગનો દોરો લો. હવે એક જટાવાળુ નારિયેળ લઇને તેને આ દોરો બાંધી દો. આ સમય દરમિયાન મહાદેવને પ્રાર્થના કરવી કે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય. સાથે જ દેવામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય. આ રીતે પ્રાર્થના કર્યા બાદ તે નારિયેળને દોરા સહિત વહેતા જળમાં પ્રવાહિત કરી દો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)