હોળાષ્ટક સાથે પરમ વિષ્ણુ ભક્ત પ્રહ્લાદનો શું છે નાતો ? જાણો, હોળાષ્ટકના પ્રારંભની કથા
માન્યતા અનુસાર એ ફાગણ સુદ અષ્ટમીની તિથિ હતી કે જ્યારથી પરમ વિષ્ણુ ભક્ત પ્રહ્લાદની હત્યા માટેના પ્રયાસ શરૂ થયા હતા. અષ્ટમીથી લઈ પૂર્ણિમા સુધીના આઠ દિવસ પ્રહ્લાદે સતત યાતનાઓમાં જ પસાર કર્યા હતા !
હોળી પૂર્વેનો આઠ દિવસનો સમય એ હોળાષ્ટક (holashtak) તરીકે ઓળખાય છે. આ હોળાષ્ટકનો તા.10/03/2022, ગુરુવાર, મધ્યરાત્રી 02:57 કલાકથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ એ સમય છે કે જે દરમિયાન શુભ કાર્ય કરવાનો નિષેધ છે. અને કહે છે કે તેનું કારણ આ સમયમાં પરમ વિષ્ણુ ભક્ત પ્રહ્લાદે સહેલી યાતનાઓ છે. આવો, તે કથાને જાણીએ.
પ્રહ્લાદ એ અસુર હિરણ્યકશિપુના પુત્ર હતા. અસુર હિરણ્યકશિપુએ તેના તપોબળે બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ, દાનવ, માનવ, પશુ-પક્ષી કે અસ્ત્ર-શસ્ત્ર દ્વારા અવધ્ય રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેણે ત્રણેય લોક પર આધિપત્ય જમાવી સૌને માત્ર તેની જ પૂજા કરવા આદેશ કર્યો. હિરણ્યકશિપુએ અન્ય દેવી-દેવતાઓના પૂજન પર પ્રતિબંધ મૂકાવી દીધો. પરંતુ, કાદવમાં કમળ ખીલે તેમ તેનો જ પુત્ર પ્રહ્લાદ પરમ વિષ્ણુ ભક્ત નીકળ્યો. અને લોકોને પણ શ્રીહરિની ભક્તિ તરફ વાળવા લાગ્યો.
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને વારવાના પ્રયત્ન કર્યા. પરંતુ, તમામ પ્રયાસ નિષ્ફળ નિવડ્યા. આખરે, તેણે પોતાના જ પુત્રને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લીધો. કહે છે કે પ્રહ્લાદની હત્યા માટે હિરણ્યકશિપુએ અનેક પ્રયાસ કર્યા. પ્રહ્લાદને ઝેર આપવામાં આવ્યું. ઝેરી સર્પોથી ભરેલાં ઓરડામાં પૂરવામાં આવ્યો. તેને હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ, તેની ભક્તિના બળે પ્રહ્લાદ હંમેશા જ ઉગરી ગયા. જેને અગ્નિમાં ક્યારે ન બળવાનું વરદાન હતું તેવી હિરણ્યકશિપુની બહેન હોળિકા પ્રહ્લાદને ખોળામાં રાખીને અગ્નિસ્નાન કરવા બેસી. તે સ્વયં ભસ્મીભૂત થઈ ગઈ. પરંતુ, પ્રહ્લાદને કશું જ ન થયું !
માન્યતા અનુસાર એ ફાગણ સુદ અષ્ટમીની તિથિ હતી કે જ્યારથી પ્રહ્લાદની હત્યા માટેના પ્રયાસ શરૂ થયા હતા. અષ્ટમીથી લઈ પૂર્ણિમા સુધીના આઠ દિવસ પ્રહ્લાદે સતત યાતનાઓમાં જ પસાર કર્યા હતા ! એ જ કારણ છે કે આ આઠ દિવસ અત્યંત અશુભ મનાય છે ! કે જે આજે હોળાષ્ટક તરીકે ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે ફાગણ સુદ પૂર્ણિમાએ હોળિકાનું દહન થયું. અને ત્યારબાદ ભક્તની રક્ષાર્થે શ્રીહરિએ નૃસિંહ રૂપે પ્રાગટ્ય કરી હિરણ્યકશિપુનો વધ કર્યો. વાસ્તવમાં હોળાષ્ટકના આઠ દિવસ એ ભક્ત પ્રહ્લાદની ધીરજ અને દ્રઢ ભક્તિનો પરિચય આપે છે. જો કે, જનમાનસ પર તો પ્રહ્લાદે તેમના પ્રભુ માટે સહેલી યાતનાઓ દ્રઢપણે અંકિત થયેલી છે ! અને એ જ કારણ છે કે લોકો પ્રહ્લાદને થયેલી પીડાના સ્મરણમાં શુભકાર્ય કરવાનું ટાળે છે.
આ પણ વાંચો : હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર પછતાવાનો આવશે વારો!
આ પણ વાંચો : ખૂબ જ ઝડપથી મનોકામના પૂર્ણ કરશે શ્રીકૃષ્ણના આ ફળદાયી મંત્ર !