Shankh Puja: દક્ષિણાવર્તી શંખ પ્રાપ્ત કરાવશે દેવી લક્ષ્મીની અપાર કૃપા! જાણો શંખ પૂજાના વિવિધ લાભ
દક્ષિણાવર્તી શંખ માતા લક્ષ્મીનું પ્રતિક ગણાય છે અને કહે છે કે જે ઘરમાં તેની હાજરી હોય છે તે ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી! જે ઘરમાં દક્ષિણાવર્તી શંખની પૂજા નિત્ય કરવામાં આવે છે ત્યાં કોઇપણ વ્યક્તિ રોગી નથી હોતું.
હિન્દુ ધર્મમાં (hindu religion) પૂજા પાઠ કરતી વખતે શંખનો પ્રયોગ કરવામાં આવે છે. માન્યતા અનુસાર શંખ વગાડવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. જે લોકો શંખ વગાડે છે તેમને ધ્વનિનો દોષ નથી લાગતો.
શંખ વગાડવું સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી બની રહે છે તો શંખનો પ્રયોગ વાસ્તુદોષને દૂર કરે છે પણ, ઘણાં ઓછાં લોકો એ બાબતથી માહિતગાર છે કે શંખ દ્વારા તો દેવી લક્ષ્મીની અપાર કૃપાને પણ પ્રાપ્ત કરી શકાય છે.
શંખ સાથે દેવી લક્ષ્મીનો ગાઢ સંબંધ જોડાયેલો છે. કહે છે કે શંખ દ્વારા વિવિધ ઉપાયો અજમાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આ પ્રસન્ન લક્ષ્મી તેમના ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી તેમને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે. ત્યારે આવો આજે એ જ જાણીએ કે શા માટે દેવી લક્ષ્મીને શંખ અત્યંત પ્રિય છે ? અને શંખના પ્રયોગથી માતા તેમના સંતાનોને કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવે છે !
માતા લક્ષ્મીને કેમ પ્રિય છે શંખ ?
પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્રમંથન સમયે લક્ષ્મીજી અને શંખ સમુદ્રમાંથી નીકળ્યા હતા. આ કારણથી શંખને માતા લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે અને તેને લીધે જ શંખ એ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોવાનું મનાય છે. માન્યતા અનુસાર જે ઘરોમાં નિત્ય સવારે શંખની પૂજા થતી હોય છે તેમના પર માતા લક્ષ્મીની અપાર કૃપા વરસતી રહે છે.
ધનની સ્થિરતા માટે ઘરમાં લાવો દક્ષિણાવર્તી શંખ
ધાર્મિક માન્યતા એવી છે કે જે લોકો પોતાના ઘરમાં દક્ષિણાવર્તી શંખ રાખે છે અથવા તો તેનો પૂજા પાઠ સમયે ઉપયોગ કરે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી સ્થિરપણે નિવાસ કરે છે. દક્ષિણાવર્તી શંખ માતા લક્ષ્મીનું પ્રતિક ગણાય છે અને કહે છે કે જે ઘરમાં તેની હાજરી હોય છે તે ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી.
શંખથી કરો માતા લક્ષ્મીની પૂજા
માતા લક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે તો આ જ શંખમાં જળ ભરી લક્ષ્મીજીની પ્રતિમા પર તેનો અભિષેક કરવામાં આવે તો માતા વિશેષ પ્રસન્ન થાય છે અને જે-તે ઘર પર દેવી લક્ષ્મીની કૃપા ક્યારેય ઓછી નથી થતી.
શંખ કરાવશે પ્રગતિ
એવી માન્યતા છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખની પૂજા નિત્ય કરવામાં આવે છે ત્યાં કોઈપણ વ્યક્તિ રોગી નથી હોતું. તે ઘરમાં નિરંતર સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે. આ સકારાત્મક ઊર્જાના કારણે નોકરી, ધંધા, વ્યવસાયમાં પણ ખૂબ જ લાભ થાય છે.
લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્તિ
ધાર્મિક ગ્રંથોમાં એવું પણ જોવા મળે છે કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં શંખ રાખવો જરૂરી છે. કારણ કે માતા લક્ષ્મીની જેમ જ શ્રીહરિને પણ શંખ અત્યંત પ્રિય છે. ઘરમાં જો શંખ હશે તો આપના પરિવાર પર લક્ષ્મીનારાયણ બંન્નેની કૃપા અકબંધ રહેશે.
શંખ દૂર કરશે શારીરિક પીડા!
જો વ્યક્તિને હાડકાં સંબંધિત સમસ્યા હોય તો તે વ્યક્તિએ શંખમાં રાખેલ પાણી ગ્રહણ કરવું જોઈએ. આ કાર્ય કરવાથી શારીરિક રાહત મળશે અને હાડકાં મજબૂત બનશે.
વાસ્તુદોષ નિવારક શંખ
એવી પણ માન્યતા છે કે જે ઘરોમાં વાસ્તુદોષ રહેલો હોય છે તે ઘરમાં નિત્ય સવારે શંખ વગાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને પરિવારના સુખમાં વૃદ્ધિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ચંદનનો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત, જાણો ચંદનના ચમત્કારિક ફાયદા
આ પણ વાંચો : પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?