પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?
પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આયુ વૃદ્ધિ થાય છે, જળ સિંચનથી પાપનો નાશ થાય છે, મહિલાઓ નિયમિત પૂજન કરે તો યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. પિતૃમાસ દરમિયાન શ્રદ્ધાથી પીપળાનું પૂજન કરવાથી પિતૃ ખુશ થાય છે, તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે.
ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય
પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે, હિન્દૂ ધર્મની આસ્થા પ્રમાણે પીપળામાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વૃક્ષોમા હું પીપળો છું, પુરાણમાં પણ જાણવા મળે છે કે પીપળાના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુ, થડમાં કેશવ ( શ્રી કૃષ્ણ ) ડાળીઓમાં ભગવાન શ્રી નારાયણ અને પાનમાં ભગવાન શ્રી હરિ સ્વરૂપ બિરાજે છે.
પીપળાના વિવિધ નામ : હિન્દી : પીપલ, સંસ્કૃત : પિપ્પલ, અશ્વત્થ અંગ્રેજી : સેકરેટ ફિગ, હોલી ફિગ તરીકે ઓળખાય છે પીપળાનું વૃક્ષ સમગ્ર ભારત દેશમાં થાય છે, ખુલી જમીન, નદી તળાવ કિનારે, ખંડર કે સુમસાન જગ્યાએ સાધારણ રીતે આપમેળે ઊગી જાય છે, ક્યાંક તેમના રોપા પણ લગાવવામાં આવે છે, તો ક્યાંક કોઈક માન્યતા મુજબ પીપળો વાવતા નથી કે કાપતા પણ નથી એટલે ક્યાંક કોઈ દિવાલ પર પણ ઊગી નીકળતો જોવા મળે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પીપળો એવું વૃક્ષ છે કે ૨૪ કલાક દિવસ રાત ઓક્સિજન છોડે છે જે માનવ, પશુ પંખી વગેરે માટે પ્રાણવાયુ રૂપ છે, આયુર્વેદમાં પણ કેટલાક દર્દમાં ઔષધિ તરીકે ઉપયોગ આવે છે.
ધાર્મિક કાર્ય દ્વારા જીવન ઉપયોગી : વાસ્તુ શાંતિની દ્રષ્ટિએ જો ઘરની પશ્ચિમ બાજુ ( તેનો પડછાયો ઘર પર ના પડે તેમ ) હોય તો તે શુભકારી છે. કેટલીક વિશિષ્ટ પૂજામાં પીપળાના પાનનું તોરણ પણ બાંધવામાં આવે છે અને ક્યાંક તેના ડાળી-પાન વડે કોઈ હવન પણ કરવામા આવે છે. તંત્ર શાસ્ત્રની દ્રષ્ટિએ વિદ્વાનના માર્ગદર્શન મુજબ જો રોજ બરોજનો વ્યવસાય બરોબર ના ચાલે તો શનિવારે સવારે પીપળાના વૃક્ષનું પાન લાવી તેને વ્યવસાય સ્થળની પોતાની બેસવાની ગાદી નીચે રાખો અને તે મુજબ દર શનિવારે નવું પાન લાવો અને જૂનુંપાન નદીમાં પધરાવી દો આવું કરવાથી ધીરેધીરે વ્યવસાય વૃદ્ધિ થતી જોવા મળે છે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ : જો કોઈ શનિ ગ્રહ સંબંધિત પીડિત હોય તો દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પરિક્રમા કરવાથી રાહત મળે છે, શત્રુ શાંત થાય છે, રાહુ, કેતુ ગ્રહનો કુપ્રભાવ ઓછો થાય છે, જીવન પર સારી અસર પડે છે.
પિતૃ શાંતિ દર અમાસ અથવા દરરોજ તેમજ પિતૃમાસ દરમિયાન શ્રદ્ધાથી પીપળાનું પૂજન કરવાથી પિતૃ ખુશ થાય છે, તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે.
અન્ય પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આયુ વૃદ્ધિ થાય છે, જળ સિંચનથી પાપનો નાશ થાય છે, મહિલાઓ નિયમિત પૂજન કરે તો યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. એક માન્યતા મુજબ પૂજનીય પીપળામાં પિતૃ અને દેવનો વાસ હોય છે, અપૂજનીય પીપળામાં પ્રેતનો વાસ હોય છે તો કેટલાક વિશિષ્ટ સ્થાન પર પીપળા પર યક્ષિણીનો વાસ હોય છે જેની જાણકારી કોઈ વિદ્વાન પાસે મેળવી જોઇએ. પીપળાના વૃક્ષ નીચે રાત્રે સુવાની કે મૂત્ર ત્યાગ કરવાથી ગેરલાભ થાય તેવું પણ જાણવા મળે છે. કુદરતના આ અમૂલ્ય વરદાનને પ્રણામ.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું)
આ પણ વાંચો : પંચામૃતને ગ્રહણ કરવાના પણ છે કેટલાંક ખાસ નિયમ, જાણી લો શું રાખશો સાવચેતી ?
આ પણ વાંચો : ભગવાની પૂજામાં તિલકનું મહત્વ શું હોય છે ? જાણો તેને લગાવવાની વિધિ અને ઉપાય