Shravan Somwar Vrat 2025 : આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર છે અને શ્રાવણ સોમવારનો પહેલો ઉપવાસ ક્યારે છે?
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવાર દિવસનું વિશેષ મહત્વ હોય છે, જેને "શ્રાવણ સોમવાર" કહેવામાં આવે છે.

શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે એક શ્રેષ્ઠ અવસર હોય છે જેમાં તેઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. શ્રાવણ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત હોય છે અને તેથી જ આ સમયમાં શિવપૂજા કરવામાં આવે છે.
શ્રાવણના સોમવારનો વિશેષ મહિમા હોય છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને શ્રદ્ધાપૂર્વક શિવજીનું અભિષેક કરે છે. આ ઉપવાસને “શ્રાવણ સોમવાર વ્રત” કહેવાય છે.
શ્રાવણ 2025 ક્યારે શરૂ થશે?
ઉત્તર ભારતના હિન્દી ભાષિ રાજ્યોમાં શિવજીના શ્રાવણ મહિનાની શરૂઆત વર્ષ 2025માં 11 જુલાઈથી થશે અને તેનો છેલ્લો દિવસ 9 ઓગસ્ટનો છે. જણાવી દઈએ કે, 9 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવશે. આ વર્ષે શ્રાવણમાં કુલ 4 સોમવાર આવશે જેમાં શ્રાવણ સોમવાર વ્રત રહેશે.
બીજીબાજુ, ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઈ 2025ના રોજ થઇ રહ્યો છે. શુક્રવારે શ્રાવણ માસની શરૂઆત થાય છે અને ગુરુવાર 23 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનો પૂર્ણ થાય છે. આ વખતે ચાર સોમવાર છે.
શ્રાવણ સોમવાર વ્રત 2025 દરમિયાન કુલ ચાર સોમવાર આવશે. પ્રથમ શ્રાવણ સોમવાર 14 જુલાઈના રોજ આવશે, જ્યારે બીજો સોમવાર 21 જુલાઈએ આવશે. ત્રીજો શ્રાવણ સોમવાર 28 જુલાઈના દિવસે રહેશે અને ચોથો તેમજ અંતિમ શ્રાવણ સોમવાર 4 ઓગસ્ટે ઉજવાશે.
શ્રાવણમાં શું કરવું અને શું ટાળવું:
શ્રાવણ મહિનો ભગવાન શિવનો સમય હોય છે એટલે નિયમોનું પાલન કરવું જોઈએ. આ મહિને માંસાહારી ભોજન, લસણ, ડુંગળી અને રીંગણનું સેવન ટાળવું જોઈએ. આ સિવાય સાત્વિક ભોજન કરવું અને ઉપવાસ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સમગ્ર મહિનામાં વાળ અને દાઢી ન કપાવવી. દૂધથી બનેલી વસ્તુઓ કે સફેદ વસ્તુઓનું દાન કરવું સારું કહેવાય છે.શિવજીની પૂજા દરમિયાન કેતકીનાફૂલ અને હળદર ન ચઢાવવી જોઈએ.
