Navratri 2022: જીવનના સઘળા કષ્ટને નષ્ટ કરશે મા ચંદ્રઘંટા, જાણો ત્રીજા નોરતે કેવી રીતે કરશો દેવીની સાધના ?

દેવી ચંદ્રઘંટાની (chandraghanta) ઉપાસનાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.

Navratri 2022: જીવનના સઘળા કષ્ટને નષ્ટ કરશે મા ચંદ્રઘંટા, જાણો ત્રીજા નોરતે કેવી રીતે કરશો દેવીની સાધના ?
Chandraganta Maa (Symbolic image)
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Sep 28, 2022 | 6:10 AM

પાવન પર્વ નવરાત્રીનું (Navratri) ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગાના ચંદ્રઘંટા (chandraghanta) રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીએ હાથોમાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલાં છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે. દંવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે.

ત્રીજું નોરતું

આસો સુદ ત્રીજ, તા-28 સપ્ટેમ્બર, બુધવારના રોજ ત્રીજું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના ચંદ્રઘંટા સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો. દેવી ચંદ્રઘંટાના રૂપ અને ગુણ અનુસાર તેમની પૂજા કરવામાં આવે છે.

મા ચંદ્રઘંટાની કથા

પૌરાણિક કથા અનુસાર, દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું. પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઈન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું. તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું. તેનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા. દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા. આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા. દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુ સમય નજીક છે. મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો. અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો. મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી. એટલે કે રક્ષા માટે મા ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે.

ચંદ્રઘંટા પૂજન વિધિ

⦁ દેવી ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ કે શંખપુષ્પી અર્પણ કરવા જોઇએ.

⦁ નૈવેદ્યમાં દેવીને દૂધનો માવો, દૂધની મીઠાઇ કે ખીર અર્પણ કરવી જોઇએ.

⦁ માતાજીને ફળ પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.

⦁ વિશેષ કૃપા અર્થે સાધકે આજે ઘાટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના પૂજા-વિધિ કરવી જોઇએ. વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધકનું મન પરમ આનંદની અનુભૂતિ કરે છે.

ફળદાયી મંત્ર

| ૐ એં હ્રીં ક્લીં ચંદ્રઘંટાયૈ નમ : ||

મા ચંદ્રઘંટાની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.

ફળપ્રાપ્તિ

કહે છે કે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે મા ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. મા ચંદ્રઘંટાની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગ્રત થાય છે. જેને લીધે વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. દેવીની ઉપાસનાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati