અહીં જ થયું હતું ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય, જાણો લુંબિનીના માયાદેવી મંદિરનો મહિમા
અહીં મુખ્ય મંદિરની અંદર ગૌતમ બુદ્ધના (lord buddha) જન્મદાત્રી મહામાયાદેવી પીપળાના વૃક્ષની ડાળખીને પકડીને ઉભેલાં દૃશ્યમાન થાય છે. 5 ફૂટ ઊંચી આ પ્રતિમા અત્યંત ભાવવાહી ભાસે છે. સાથે જ મંદિરમાં બાળ સિદ્ધાર્થના પણ ભક્તોને દર્શન થાય છે.

હિન્દુ માન્યતા અનુસાર ભગવાન બુદ્ધ એટલે શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર. તેમના આ રૂપમાં પ્રભુએ સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો અને ભયંકર યુદ્ધોને અટકાવીને બુદ્ધત્વનો માર્ગ પ્રશસ્ત કર્યો. આ તથાગત બુદ્ધનું પ્રાગટ્ય વૈશાખ સુદ પૂર્ણિમાના અવસરે જ થયું હતું. જેને લીધે આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્યારે આવો, આજે આપને ભગવાન બુદ્ધના પ્રાગટ્યની ગાથા જણાવીએ અને તેમના પ્રગટધામ લુંબિનીનું માહાત્મ્ય સમજાવીએ.
લુંબિની મહિમા
નેપાળના રુપન્દેહી જિલ્લામાં લુંબિની સ્થિત છે. લગભગ 4.8 કિલોમીટર લંબાઈ અને 1.6 કિલોમીટર પહોળાઈ ધરાવતો સંપૂર્ણ લુંબિની વિસ્તાર ભગવાન બુદ્ધને જ સમર્પિત છે. બૌદ્ધધર્મીઓમાં અને પ્રવાસીઓમાં પણ આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, આ જ સ્થાન ભગવાન બુદ્ધનું જન્મસ્થાન મનાય છે. બૌદ્ધ ધર્મના સૌથી પૂજનીય ચાર ધામમાં લુંબિની, બોધગયા, સારનાથ અને કુશીનગરનો સમાવેશ થાય છે. પણ, તે સૌમાં લુંબિની મહાધામ મનાય છે. લુંબિનીમાં આજે અનેકવિધ સ્મારકો, મઠો તેમજ સ્તુપોની રચના થયેલી જોવા મળે છે. પરંતુ, અહીંનું મુખ્ય મંદિર તો મનાય છે માયાદેવી મંદિર.
માયાદેવી મંદિર
માયાદેવી મંદિર એ લુંબિનીનું સૌથી મુખ્ય અને સૌથી પ્રાચીન સ્થાન મનાય છે. કહે છે કે આ એ જ સ્થાન છે કે જ્યાં ઈ.સ.પૂર્વે 563માં ભગવાન બુદ્ધનો સિદ્ધાર્થ રૂપે જન્મ થયો હતો. અહીં મુખ્ય મંદિરની અંદર ગૌતમ બુદ્ધના જન્મદાત્રી મહામાયાદેવી પીપળાના વૃક્ષની ડાળખીને પકડીને ઉભેલાં દૃશ્યમાન થાય છે. 5 ફૂટ ઊંચી આ પ્રતિમા અત્યંત ભાવવાહી ભાસે છે. સાથે જ મંદિરમાં બાળ સિદ્ધાર્થના પણ ભક્તોને દર્શન થાય છે.
સિદ્ધાર્થના પ્રાગટ્યનો પ્રસંગ
ગૌતમ બુદ્ધનું જન્મ સમયનું નામ સિદ્ધાર્થ હતું. તે રાજા શુદ્ધોધનના પુત્ર હતા. પ્રચલિત કથા અનુસાર સિદ્ધાર્થના પ્રાગટ્ય સમયે લુંબિનીનો સમગ્ર વિસ્તાર વાસ્તવમાં એક રમણીય બગીચો હતો. જે તેમના પિતા શુદ્ધોધનની રાજધાની કપિલવસ્તુની નિકટ હતો. ભગવાન બુદ્ધના માતા મહામાયાદેવી તેમના પિયર જઈ રહ્યા હતા. પરંતુ, રસ્તામાં જ તેમને પ્રસવ પીડા થઈ. અને આ તીર્થભૂમિ પર સિદ્ધાર્થનું પ્રાગટ્ય થયું. અહીં એ તળાવ આજે પણ દૃશ્યમાન છે કે જ્યાં બાળ સિદ્ધાર્થને પ્રથમ સ્નાન કરાવાયું હતું. આ તળાવ માયાદેવી તળાવ તેમજ પુષ્કરણી તરીકે પણ ખ્યાત છે.
પવિત્ર વૃક્ષના દર્શન
માયાદેવી મંદિરની સમીપે પીપળાનું એક પવિત્ર વૃક્ષ આવેલું છે. પ્રચલિત માન્યતા અનુસાર આ વૃક્ષની નીચે જ મહામાયા દેવીએ વિશ્રામ કર્યો હતો. બૌદ્ધધર્મીઓ માટે આ વૃક્ષ પરમ આસ્થાનું કેન્દ્ર બનેલું છે. સ્થાનિકો અહીં વૃક્ષને રંગીન ધ્વજ બાંધે છે. કહે છે કે આ ધ્વજ તેમની કામનાઓની પૂર્તિ કરે છે.
સમ્રાટ અશોક પણ આવ્યા હતા અહીંયા
લુંબિનીના માયાદેવી મંદિરની બહાર બે હજાર વર્ષ પૂર્વેના સ્થાપત્ય અવશેષો આજે પણ સચવાયેલા છે. આ અવશેષ જ આ સ્થાનકના પ્રાચીનપણાંની સાક્ષી પૂરે છે. અને તેની સૌથી મોટી સાબિતી તો દે છે અશોક સ્તંભ ! ભારતના મહાન ચક્રવર્તી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યાની કથા પ્રચલિત છે. ઇતિહાસમાં નોંધાયું છે તેમ ઈ.સ. પૂર્વે 249માં સમ્રાટ અશોક સ્વયં આ તીર્થભૂમિના દર્શને આવ્યા હતા. અને તેમણે અહીં અશોક સ્તંભની રચના કરાવી હતી.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)