Bhakti: જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

વાંસળીમાંથી નીકળતો નાદ મન મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરે છે. માન્યતા અનુસાર જે ઘરમાં વાંસળી હોય છે, તે ઘરના લોકો પરસ્પર સંપથી રહે છે અને સાથે જ તે ઘરમાં સુખ સમૃદ્ધિની પણ વૃદ્ધિ થાય છે.

Bhakti: જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !
ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણ (shree krishna) એટલે તો લીલા પુરુષોત્તમ. તેમની અકળ લીલાઓને તો દેવતાઓ પણ કળી શકતા નથી. શ્રીહરિએ ધરતી પર જેટલાં અવતાર ધારણ કર્યા છે, તે સૌમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સૌથી મનોહારી ભાસે છે. માથે મોરમુકુટ, હાથમાં વાંસળી, ગળામાં વૈજયંતી માળા અને હોઠો પર સ્મિત સાથેનું શ્રીકૃષ્ણનું રૂપ સૌ કોઈને ઘેલું લગાવનારું છે. પણ, શું તમને એ ખબર છે કે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી આ તમામ વસ્તુઓ તમારા ઘરને પણ ખુશીઓથી ભરનારી છે ?

વાંસળી, મોરપંખ, શંખ, વૈજયંતી માળા વગેરે એવી વસ્તુઓ છે કે જેના વિના શ્રીકૃષ્ણની કલ્પના કરવી જ અશક્ય છે. અલબત્, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે આ વસ્તુઓને ઘરમાં રાખવું પણ અત્યંત શુભ મનાય છે. કારણ કે તે જીવમાત્રને વિવિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારી છે. આવો, આ જે તે જ સંદર્ભમાં વાત કરીએ.

1. વાંસળી
ઢોલ, નગારા, મંજીરા, પખાવજ અને એકતારાથી ભિન્ન શ્રીકૃષ્ણને તો સૌથી પ્રિય વાંસમાંથી બનેલી વાંસળી છે. વાંસળીને બંસી, વેણુ, વંશિકા કે મોરલી પણ કહે છે. વાંસળીમાંથી નીકળતો નાદ મન મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરે છે. માન્યતા અનુસાર જે ઘરમાં વાંસળી હોય છે, તે ઘરના લોકો પરસ્પર સંપથી રહે છે અને સાથે જ તે ઘરમાં સુખ સમૃદ્ધિની પણ વૃદ્ધિ થાય છે.

2. મોરપંખ
હિંદુ ધર્મમાં મોરને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીની સાથે જોડવામાં આવ્યા છે. આ મોરપંખ વગર તો ભગવાન કૃષ્ણની કલ્પના જ અશક્ય છે. શ્રીકૃષ્ણ મોરપંખને પોતાના મુગટમાં લગાવતા. કહે છે કે મોરપંખ સાથેની વાંસળી જે ઘરમાં રાખવામાં આવે છે, ત્યાં પરિવારના સંબંધોમાં મીઠાશ રહે છે. બધા એકબીજા સાથે પરસ્પર પ્રેમથી રહે છે. હિન્દુ ધર્મમાં મોરના પીંછાની વિશેષ મહત્તા છે. એક માન્યતા અનુસાર મોરપંખમાં તમામ દેવી દેવતાઓ અને બધા જ નવગ્રહનો વાસ હોય છે.

3. ગાય
ભગવાન કૃષ્ણ એક ગોપાલક હતા. એટલે જ તો તેમનું નામ પડ્યું ગોપાલ !ગાય તેમને ખૂબ જ પ્રિય હતી. જેના લીધે જ તો ગૌવત્સ દ્વાદશી, ગોપાષ્ટમી જેવા વ્રતો અને તહેવારો આજે પણ ઉજવાય છે. ભગવાન કૃષ્ણએ ગાયનું મહત્વ વધારવા માટે ગાયની પૂજાનો પ્રારંભ કરાવ્યો. કહે છે કે જ્યાં ગાયો પાળવામાં આવે છે તે ઘર અત્યંત સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. જો કે, શહેરોમાં ગાયનું પાલન અશક્ય છે. પરંતુ, જો વાછરડા સાથેની ગાયની ચાંદીની પ્રતિકૃતિ પણ ઘરમાં રાખવામાં આવે, તો તે અત્યંત શુભદાયી મનાય છે. તેનાથી ઘરની તમામ નકારાત્મક્તા દૂર થઈ જાય છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.

4. વૈજયંતી માલા
વૈજયંતીના ફૂલ અને માળા ખૂબ જ શુભ અને પવિત્ર મનાય છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે. ભગવાન કૃષ્ણ હંમેશા પોતાના ગળામાં તેને ધારણ કરતા હતા. એટલે જ આ માળાને ઘરમાં રાખવી પણ શુભ મનાય છે. કહે છે કે તેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, જો કોઈપણ પ્રકારનો ભય લાગતો હોય, તો તે પણ આ માળાથી દૂર થઈ જાય છે.

5. માખણ મિસરી
ભગવાન કૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પસંદ છે. એટલે જ તો તેમને માખણ અને મિસરીનો ભોગ લગાવવામાં આવે છે. કહે છે કે શ્રીકૃષ્ણને જ્યાં સુધી માખણ અને મિસરીનો ભોગ ન લાગે ત્યાં સુધી તેમને અર્પણ કરેલ દરેક ભોગ અધૂરા રહે છે. માન્યતા અનુસાર આ જ માખણ મિસરીને જ્યારે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેનાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

6. ચંદન
ચંદન મુખ્યત્વે અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે હરિચંદન, ગોપીચંદન, સફેદ ચંદન, લાલ ચંદન, ગોમતી ચંદન અને ગોકુળ ચંદન. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણને પણ તો ચંદન અત્યંત પ્રિય હતું. કહે છે કે નિત્ય જ ચંદનનું તિલક લગાવવાથી તમામ પાપોનો નાશ થાય છે. અને વ્યક્તિ પર આવનારી મુસીબતો પણ ટળી જાય છે. જે વ્યકિત ચંદન લગાવે છે તેમના પર હંમેશા જ લક્ષ્મીમાતાની કૃપા સ્થિર રહે છે. જ્ઞાનતંતુ સંયમિત અને સક્રિય રહે છે.

7. શંખ
મહાભારતમાં લગભગ બધા જ યોદ્ધાઓ પાસે શંખ હતા. તેમાંથી કેટલાક યોદ્ધાઓની પાસે ચમત્કારિક શંખ હતા. જેમ કે ભગવાન કૃષ્ણ પાસે પાંચજન્ય શંખ હતો, કે જેનો ધ્વનિ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાતો. શંખ શુભતાનું પ્રતિક છે. માન્યતા અનુસાર શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. એટલે જ તો ઘરમાં પૂજાસ્થાન પર શંખને મૂકવું શુભદાયી મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શું તમે જાણો છો ગંગા નદીના જળ સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો ? જાણો, ગંગાજળ કેમ મનાય છે પવિત્ર !

આ પણ વાંચોઃ એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati