Bhakti: શું તમે જાણો છો ગંગા નદીના જળ સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો ? જાણો, ગંગાજળ કેમ મનાય છે પવિત્ર !
ગંગા એકમાત્ર એવી નદી છે કે જેમાં બે વાર અમૃત કુંભમાંથી ટીપા પડ્યા હતા. કહે છે કે ગંગાજળ ક્યારેય અશુદ્ધ નથી થતું અને ન તો તે ક્યારેય બગડે છે. એટલે જ તેને તાંબા કે પિત્તળના કળશમાં ભરીને ઘરમાં સાચવી રાખવામાં આવે છે.
ગંગા નદી (Ganga River) એ ભારતની સૌથી પવિત્ર મનાતી ત્રણ નદીઓમાં સ્થાન ધરાવે છે. ભારતમાં ગંગા, યમુના અને સરસ્વતીના પૂજનની અને તેમાં સ્નાનની મહત્તા છે. પણ, આ ત્રણ નદીઓમાં ગંગાની મહિમા જ અદકેરી છે. વિવિધ પુરાણોમાં ગંગાની મહત્તાને વર્ણવતા કથાનકોનો ઉલ્લેખ મળે છે. ત્યારે આવો જાણીએ આ પાવની નદી સાથે જોડાયેલી એ વાતો કે જે તેને અદ્વિતીય મહત્તા પ્રદાન કરે છે.
1. પુરાણોમાં ગંગાનો સ્વર્ગની નદી તરીકે ઉલ્લેખ મળે છે. જે અનુસાર પૃથ્વીવાસીઓના કલ્યાણ અર્થે ગંગા સ્વર્ગમાંથી ધરતી પર આવ્યા છે. અને એટલે જ તો તેમનું જળ સૌથી પવિત્ર માનવામાં આવે છે.
2. કહે છે સ્વર્ગમાંથી ઉતરેલાં ગંગા પહેલાં શિવજીની જટામાં બંધાયા અને પછી વિવિધ ધારાઓ રૂપે પૃથ્વી પર પ્રવાહિત થયા. સ્વર્ગની પવિત્ર ગંગા નદી શિવજીનો સ્પર્શ પામી વધારે જ પવિત્ર બની ગઈ. ગંગાની ધારા શિવજીની જટામાંથી નીકળવાને લીધે પણ વિશેષ પવિત્ર મનાય છે.
3. કહે છે કે ગંગાજળમાં સ્નાન કરવાથી બધા પ્રકારના પાપ ધોવાઇ જાય છે. એટલે જ ગંગાને પાપમોચની પણ કહે છે.
4. ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની માન્યતા છે. એટલે તેને મોક્ષાદાયિકા નદી પણ કહેવામાં આવે છે. એવી ધારણા છે કે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાનું જળ પીવડાવવાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
5. ગંગા એકમાત્ર એવી નદી છે જેમાં બધા જ દેવી દેવતાઓ સ્નાન કરીને આ જળને પવિત્ર બનાવે છે. હરિદ્વારમાં ભગવાન વિષ્ણુના ચરણ કમળ આ નદી પર પડ્યા હતા.
6. ગંગા એકમાત્ર એવી નદી છે કે જેમાં બે વાર અમૃત કુંભમાંથી ટીપા પડ્યા હતા. એકવાર હરિદ્વારમાં અને બીજા પ્રયાગરાજમાં. જ્યારે અન્ય નદીઓ ક્ષિપ્રા અને ગોદાવરીમાં એક જ ટીપું પડ્યું હતું. અમૃતની બુંદો ગંગાજળમાં ભળવાથી સંપૂર્ણ ગંગાનદીનું જળ વધુ પવિત્ર માનવામાં આવે છે.
7. એક કથા અનુસાર ગંગાનદીનું પ્રાગટ્ય ભગવાન વિષ્ણુના શ્રીચરણોમાંથી થયું છે. એટલે જ ગંગા માતાના દર્શનથી આત્મા પ્રફુલ્લિત અને વિકાસોન્મુખી થાય છે.
8. કહે છે કે ગંગાજળ ક્યારેય અશુદ્ધ નથી થતું અને ન તો તે ક્યારેય બગડે છે. એટલા કારણે જ ગંગાજળને ઘરમાં એક તાંબા કે પિત્તળના કળશમાં ભરીને રાખવામાં આવે છે. કેટલાક ઘરોમાં કેટલાય વર્ષો સુધી આ જળ સચવાયેલું રહે છે. કહે છે કે ગંગા નદી દુનિયાની એકમાત્ર એવી નદી છે કે જેનું પાણી ક્યારેય બગડતું જ નથી.
નદીના પાણીમાં રહેલા બેકટેરિયોફેજ નામના જીવાણું ગંગાજળમાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવોને જીવીત નથી રહેવા દેતા. એ એવા જીવાણું છે જે માંદગી અને ગંદકી ફેલાવતા જીવાણુંઓને નષ્ટ કરે છે તેના કરણે જ ગંગાનું જળ બગડતું નથી. ગંગાજળમાં કોલાઇ બેકટેરિયાને મારવાની ક્ષમતા છે.
9. ગંગાજળમાં પ્રાણવાયુની પ્રચુરતા બનાવી રાખવાની અદભુત ક્ષમતા છે. આ કારણથી પાણીથી થતા રોગોનું સંકટ ઓછું રહે છે. આ જળને ક્યારેય કોઇપણ શુદ્ધ સ્થાન પરથી પી શકાય છે. ગંગાના પાણીમાં વાતાવરણમાંથી ઓક્સિજન ખેંચી લેવાની અદભુત ક્ષમતા છે.
10. ગંગાના પાણીમાં ગંધકની માત્રા વધારે હોય છે. એટલે તે ખરાબ નથી થતું. એનાથી વિશેષ કેટલીક ભૂ રાસાયણિક ક્રિયાઓ પણ ગંગાજળમાં થતી રહે છે. જેના કારણે તેમાં ક્યારેય કીડા ઉત્પન્ન નથી થતા. આ જ કારણોને લીધે ગંગાનું જળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ
આ પણ વાંચોઃ 10 સરળ ઉપાય પ્રાપ્ત કરાવશે કષ્ટભંજનની કૃપા ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાની વિધિ