Bhakti: જાણી લો ધૂપના આ ફાયદા, આજ પછી તમે ધૂપ પ્રગટાવવાનું ક્યારેય નહીં ભૂલો
જે ઘરમાં નિયમિતપણે ધૂપ કરવામાં આવતો હોય, તે ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. કારણ કે ધૂપને લીધે ઘરમાં શુદ્ધતાની સાથે માતા લક્ષ્મીજી પણ બિરાજમાન થતાં હોવાની માન્યતા છે. કહે છે કે ધૂપ કરવાથી ભક્તોની પ્રાર્થના સીધી જ ભગવાન પાસે પહોંચે છે.
હિન્દુ ધર્મમાં (hindu religion) પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. આ પૂજા દરમ્યાન દીવો તેમજ ધૂપ (dhoop) કરવાનો મહિમા છે. તેના વિના પૂજાને પૂર્ણ ગણવામાં નથી આવતી. પૂજા કે મહાપૂજા દરમ્યાન તો અચૂક ધૂપ પ્રગટાવવામાં આવે છે, કે જે સ્વયં ભગવાનની હાજરીના જ સાક્ષીરૂપ મનાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક અને પવિત્ર વાતાવરણ સર્જાય છે.
માન્યતા અનુસાર ઘણી જગ્યાઓ પર જો ખરાબ શક્તિનો અહેસાસ થતો હોય તો ત્યાં ધૂપ કરવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને તે જગ્યા પર દેવી દેવતાઓ વાસ કરે છે. કહેવાય છે કે પૂજા સ્થળ પર ધૂપ પ્રગટાવવાથી વાતાવરણ તો સકારાત્મક બને જ છે. સાથે જ વાતાવરણ પણ પ્રસન્નતામય બની જાય છે. એટલું જ નહીં, પવિત્ર વાતાવરણ અને પવિત્ર ઊર્જાને લીધે તમારું મન સરળતાથી ભગવાનમાં લાગી જાય છે. ત્યારે આવો આજે વિસ્તારથી જાણીએ કે ધૂપ કરવાથી કેવાં-કેવાં લાભની ભક્તોને પ્રાપ્તિ થાય છે.
ફળદાયી ધૂપ
⦁ પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો ધૂપ વાસ્તવમાં એક પ્રકારની જડીબુટ્ટી સમાન જ હોય છે. કારણ કે સાત્વિક ધૂપ જડીબુટ્ટીમાંથી જ નિર્મિત હોય છે. એ જ કારણ છે કે જ્યારે આવો ધૂપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ત્યારે તેની સુગંધથી વાતાવરણમાં રહેલ જીવ-જંતુઓ નાશ પામે છે.
⦁ ધૂપ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. શાસ્ત્રો અનુસાર જોઇએ તો ધૂપ કરવાથી ઘરમાં વાતાવરણ પ્રફુલ્લિત બને છે અને ઘરમાં જ નહીં, ઘરમાં રહેનારી વ્યક્તિની સકારાત્મક ઊર્જાનો પણ વિકાસ થાય છે.
⦁ પૂજા દરમ્યાન પ્રગટાવવામાં આવતા ધૂપથી સાધકને માનસિક શાંતિ મળે છે. મન પ્રસન્નતા અનુભવે છે. જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો તેને પણ આ સુગંધથી રાહત મળે છે. એટલે કે જો તમારા ઘરમાં કોઇપણ કારણને લઇને તણાવનું વાતાવરણ હોય તો વહેલી સવારે અને સંધ્યા સમયે પૂજાઘરમાં ધૂપ અવશ્ય જ કરવો જોઈએ.
⦁ ધૂપની સુગંધથી મનોબળ મજબૂત થાય છે. તેનાથી મન શાંત રહે છે અને પરિવારમાં રહેતા દરેક સભ્યના રોગ અને શોક દૂર થાય છે.
⦁ ધાર્મિક માન્યતા અનુસાર ધૂપ પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જોઇએ તો ધૂપ દેવતાઓને અત્યંત પ્રિય છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે ધૂપ કરવાથી દેવતાઓની કૃપા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.
⦁ એવી માન્યતા પ્રચલિત છે કે જે ઘરમાં નિયમિતપણે ધૂપ કરવામાં આવતો હોય, તે ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. કારણ કે ધૂપને લીધે ઘરમાં શુદ્ધતાની સાથે માતા લક્ષ્મીજી પણ બિરાજમાન થતાં હોવાની માન્યતા છે.
⦁ લૌકિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમીત રૂપે ધૂપ કરવામાં આવતો હોય ત્યાંના બાળકો તેમના અભ્યાસ પર એકાગ્રતા કેળવી શકે છે. અને એકાગ્ર ચિત્તને લીધે અભ્યાસમાં સારી સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે.
⦁ ધૂપ કરવાથી ઘરમાં રહેલ કલેશ અને પિતૃદોષનું પણ શમન થાય છે. તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે.
⦁ ધૂપમાંથી નીકળતા ધૂમાડાનું પણ આધ્યાત્મિક મહત્વ એટલું જ છે. કહે છે કે ધૂપ કરવાથી ભક્તોની પ્રાર્થના સીધી જ ભગવાન પાસે પહોંચે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ
આ પણ વાંચો : પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?