ખાલી ઝોળીને ખુશીઓથી ભરશે હોળી ! બસ, આ વિધિ સાથે કરી લો હોળીની પૂજા

TV9 Bhakti

|

Updated on: Mar 06, 2023 | 6:30 AM

પરિવારના તમામ સભ્યોના મસ્તક પરથી નારિયેળ ઉતારીને હોળીમાં (Holi) અર્પણ કરી દેવું. માન્યતા અનુસાર આ વિધિ સાથે હોળીમાં નારિયેળ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

ખાલી ઝોળીને ખુશીઓથી ભરશે હોળી ! બસ, આ વિધિ સાથે કરી લો હોળીની પૂજા

Follow us on

આજે સાંજે 4:18 કલાકથી ફાગણી પૂર્ણિમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પૂનમ મંગળવારે સાંજે 6:11 સુધી રહેશે. કેટલાંક સ્થાન પર આજે સાંજે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે. તો કેટલાંક પ્રાંતમાં મંગળવારે સાંજે. ત્યારે આવો, આજે આપને એ જણાવીએ કે હોળીની સંપૂર્ણ પૂજાવિધિ શું છે ? હોળીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ ? હોળીની એ કઈ શાસ્ત્રોક્ત અને સરળ રીત છે કે જેનાથી ભાગ્ય આડેના તમામ અવરોધોથી મુક્તિ મળશે ? આવો, આ તમામ પ્રશ્નનો વિગતવાર જવાબ મેળવીએ.

હોળીની સંપૂર્ણ પૂજાવિધિ

⦁ ફાગણી પૂનમનું વ્રત એટલે કે હોળીનું વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત માટે વ્યક્તિએ સર્વ પ્રથમ તો નિત્યકર્મથી પરવારીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.

⦁ વ્રત કરનારે આ દિવસે એકટાણું રાખવાનું હોય છે. વ્રત કરનાર વ્યક્તિ જ્યાં સુધી પ્રગટ હોળીની પૂજા ન કરી લે, ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નથી કરી શકતી. અલબત્, આપણાં ગુજરાતની “હોળી ભૂખ્યા” પરંપરામાં હોળી પ્રાગટ્ય સુધી રાંધેલા અન્નનો નિષેધ છે ! એટલે કે, વ્યક્તિ કોરો આહાર, કંદમૂળ કે ફળફળાદી ગ્રહણ કરી શકે છે.

⦁ ફાગણી પૂર્ણિમા તે એ દિવસ છે કે જે દિવસે ભક્ત પ્રહ્લાદને તેના આરાધ્ય શ્રીવિષ્ણુના પ્રત્યક્ષ દર્શન થયા હતા. એટલે જેમ બને તેમ આ દિવસ પ્રભુ સ્મરણમાં જ પસાર કરવો જોઈએ. અને સંધ્યા સમયે હોળી પ્રાગટ્ય બાદ તેની ચોક્કસ વિધિ-વિધાન સાથે પૂજા કરવી જોઈએ.

⦁ હોળીની પૂજન સામગ્રીમાં કુમકુમ, અક્ષત, પુષ્પ, આખી હળદર, હારડા, નારિયેળ તેમજ એક કળશ જળનો સમાવેશ થાય છે. તો, હોળીમાં પધરાવવા માટે નવા ધાન્ય, ધાણી, ખજૂર, ચણા સાથે લઈને જવામાં આવે છે.

⦁ હોળી દહનના સ્થાન પર જઈ સર્વ પ્રથમ ભક્ત પ્રહ્લાદ અને નૃસિંહ ભગવાનનું સ્મરણ કરવું.

⦁ હોળીની નજીક થોડું જળ અર્પણ કરવું. અને કુમકુમ અક્ષતથી હોળીની પૂજા કરવી.

⦁ ભગવાન નૃસિંહનું સ્મરણ કરી સાથે લાવેલ ધાન્ય, ધાણી કે ખજૂર હોળીમાં પધરાવવા.

⦁ પરિવારના તમામ સભ્યોના મસ્તક પરથી નારિયેળ ઉતારીને હોળીમાં અર્પણ કરી દેવું. માન્યતા અનુસાર આ વિધિ સાથે હોળીમાં નારિયેળ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ પૂજા પૂર્ણ થાય એટલે હોળીને જળ અર્પણ કરતા કરતા તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. હોળીની 3 કે 7 પ્રદક્ષિણા કરવાથી સવિશેષ લાભ પ્રાપ્ત થતો હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરો કે આપનું આવનારું વર્ષ સકારાત્મક ઊર્જા અને શુભત્વથી પરિપૂર્ણ રહે. અને મુસીબતના સમયે પ્રભુ પ્રહ્લાદની જેમ જ તમારી પણ મદદે આવે.

⦁ હોળી પૂજન પૂર્ણ થયા બાદ હાજર સૌએ એકબીજાને કુમકુમ તિલક કરીને ઉત્સવની વધામણી આપવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati