BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા
અહીં ગર્ભગૃહમાં જતા જાણે શિવ પાતાળમાં બિરાજ્યા હોય તેવો ભાસ થાય છે. પણ, વાસ્તવમાં તે સ્થાન પર જમણાં પગના અંગૂઠાના નિશાન ઉપસેલા જોઈ શકાય છે.
સામાન્ય રીતે શિવાલયોમાં શિવલિંગની (SHIVLING) જ પૂજા અર્ચના થતી હોય છે. તો વળી, કોઈ શિવાલયમાં મૂર્તિ રૂપ શિવજીના અને માતા પાર્વતીના પણ દર્શન થઈ જતા હોય છે. પરંતુ, આજે અમારે વાત કરવી છે એક એવાં શિવધામની કે જ્યાં ન તો શિવલિંગની પૂજા થાય છે કે ન તો શિવ પ્રતિમાની ! અહીં તો થાય છે શિવજીના અંગૂઠાની પૂજા !
રાજસ્થાનમાં અનેક શિવ મંદિરો આવેલા છે. પણ અહીંના હિલ સ્ટેશન માઉન્ટ આબુના ખાસ આકર્ષણોમાં અચલગઢનું નામ સામેલ છે. અચલગઢનો કિલ્લો તેમજ અહીં આવેલું અચલેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે. કહે છે કે અહીં શિવજીનું એવું સ્વરૂપ પૂજાય છે કે જેવું બીજે ક્યાંય જોવા નથી મળતું. અહીં ભગવાન શિવજીના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે ! મંદિરમાં પ્રવેશ કરતા જ ધાતુના વિશાળકાય નંદીના અને સાથે શિવ પ્રતિમાના દર્શન થાય છે. તો, ગર્ભગૃહમાં જતા જાણે શિવ પાતાળમાં બિરાજ્યા હોય તેવો ભાસ થાય છે. પણ, વાસ્તવમાં તે સ્થાન પર જમણાં પગના અંગૂઠાના નિશાન ઉપસેલા જોઈ શકાય છે.
દંતકથા એવી છે કે પૂર્વે અહીં વિરાટ બ્રહ્મ ખાઈ હતી. વશિષ્ઠ મુનિની કામધેનુ ગાય બે વખત તેમાં પડી ગઈ. ઋષિએ તપોબળે તેને બહાર કાઢી. આખરે, ફરી આવું ન બને તે માટે તેમણે ખાઈ પૂરવા હિમાલય પાસે તેમના પુત્ર નંદીવર્ધન માંગ્યા. નંદીવર્ધને ખાઈ પર બિરાજમાન થઈ તેને પૂરવાનો પ્રયત્ન કર્યો, પણ, તે તો તેમાં સરકવા જ લાગ્યા ! કહે છે કે ત્યારે વશિષ્ઠ મુનિએ મહાદેવનું સ્મરણ કર્યુ. નંદીવર્ધનને બચાવવા શિવજીએ તેમના જમણાં પગનો અંગૂઠો ફેલાવ્યો અને નંદીવર્ધનને સ્થિર એટલે કે અચલ કરી દીધાં. જેને લીધે જ આ સ્થાન અચલગઢના નામે ખ્યાત થયું. ! માન્યતા એવી છે કે ભગવાન શિવના અંગૂઠાને લીધે જ આ સ્થાન સ્થિર છે. જે દિવસે શિવજી અંગૂઠો હટાવી લેશે તે સાથે જ અચલગઢ પણ નષ્ટ થઈ જશે.
અહીં ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો બનેલો છે. આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે પણ તે ક્યારેય પણ ભરાતો જ નથી ! તેમાં અર્પણ કરેલું પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે. લોકો આ જ કુતૂહલતાને કારણે અહીં આવે છે. અચલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ખૂબ જ જૂના ચંપાના ઝાડ આવેલાં છે. જે સ્થાનકની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. તો, મંદિરની શિલ્પ કળા પણ અદભૂત છે.
આ પણ વાંચોઃ BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ