Ganesh Chaturthi 2022: ગણેશોત્સવ પૂર્વે રાખી લો આ વાતનું ધ્યાન, કઈ મૂર્તિનું સ્થાપન તમારા પરિવાર માટે બનશે લાભદાયી ?
જો તમે તમારા ઘરમાં ગણેશજીની (Ganesh) મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે મૂર્તિ વક્રતુંડ ગણેશજીની હોવી જોઈએ, એટલે કે ડાબી બાજુએ સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ હોવી જોઈએ. કારણ કે વક્રતુંડ ગણેશજીની પૂજા પાઠ કરવાના નિયમો સરળ છે.
બુધવારથી ગણેશોત્સવનો (Ganeshotsav) પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ગણપતિ (Ganpati)બાપ્પાની તેમના ઘરમાં પધરામણી કરતા હોય છે. પણ, શું તમે એ જાણો છો કે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ (Ganesh idol) રાખવા માટેના નિયમો શું છે ? આવો, આજે તે જ વિશે વિગતે માહિતી મેળવીએ.
ગણેશ મૂર્તિ રહસ્ય !
⦁ જ્યારે પણ તમે ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં અથવા મંદિર કે પૂજાસ્થળમાં સ્થાપિત કરવા માટે ઘરે લાવો છો, તો સૌથી પહેલા તેમાં ગણેશજીની સૂંઢનું ધ્યાન રાખો.
⦁ વાસ્તુ અનુસાર જમણી બાજુ સૂંઢવાળા ભગવાન ગણેશને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે.
⦁ આ રીતે જ ડાબી બાજુએ સૂંઢવાળા ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવે છે.
⦁ જો તમે તમારા ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે મૂર્તિ વક્રતુંડ ગણેશજીની હોવી જોઈએ, એટલે કે ડાબી બાજુએ સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ હોવી જોઈએ. કારણ કે વક્રતુંડ ગણેશજીની પૂજા પાઠ કરવાના નિયમો સરળ છે.
⦁ એ વાત સાચી છે કે મંદિર કરતાં ઘરમાં કોઈ પણ દેવી-દેવતાની પૂજામાં નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. તેથી ગણેશોત્સવ દરમ્યાન શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે ઘરમાં ડાબી બાજુએ સૂંઢવાળા ગણપતિની મૂર્તિની સ્થાપિત કરવી.
⦁ જો આપણે સિદ્ધિવિનાયક ગણેશજીની એટલે કે જમણી બાજુની સૂંઢવાળા ગણેશજીની વાત કરીએ તો તેમની પૂજામાં વિવિધ પ્રકારના આકરા નિયમોનું પાલન કરવું પડે છે, જે નિયમોનું પાલન કરવું ઘરમાં શક્ય નથી. આ જ મુખ્ય કારણ છે કે મંદિરોમાં સિદ્ધિવિનાયક ગણેશજીની મૂર્તિઓ વિશેષ રીતે સ્થાપિત કરવામાં આવે છે.
ઘરમાં ગણેશજીની કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ ?
⦁ જો આપ આપના ઘર મંદિરમાં નિયમો પ્રમાણે ગણેશજીની પૂજા આરાધના કરો છો તો તેમની ત્રણ મૂર્તિઓ રાખવાની ભૂલ ક્યારેય ન કરતાં !
⦁ ભગવાન ગણેશની ત્રણ મૂર્તિઓ ઘરમાં રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં ત્રણ મૂર્તિઓ રાખવાથી વ્યક્તિને તેમજ ઘર પરિવારમાં પ્રતિકૂળ સંજોગો ઉભા થાય છે.
⦁ જો તમે ભગવાન ગણેશના ભક્ત છો તો તમારે ઘરમાં તેમની માત્ર એક કે બે મૂર્તિઓ જ રાખવી જોઈએ. એક ખાસ વાતનું એ ધ્યાન રાખવું કે બંને મૂર્તિઓ સામસામે ન હોવી જોઇએ.
⦁ એક વિશેષ વાત એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે ભગવાન ગણેશનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી છે, તો તેની નિયમિત પૂજા આરાધના કરો. આ મૂર્તિ કે ફોટાને શોપીસની જેમ ન રાખો.
⦁ ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખજો કે જો આપના ઘરમાં ગણેશજીની મૂર્તિ કે ફોટો છે તો તે તૂટેલો કે ફાટેલો ન હોવો જોઇએ. આ ભૂલ આપને ભયંકર ભારે પડી શકે છે. આ એક નાની ભૂલ આપના ઘરમાં વિનાશને આમંત્રણ આપે છે.
(નોંધ-લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય દ્વારા આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)